મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ 12 કરોડના બિટકોઇન લૂંટી લેવાના કેસમાં પકડાયેલા અમરેલીના પુર્વ પોલીસ સુપ્રીટેન્ડન્ટ જગદીશ પટેલ અને સુરતના વકિલ કેતન પટેલે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જામીન અરજી જસ્ટીશ એ જે દેસાઈએ ગ્રાહ્ય રાખી જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે. ફેબ્રુઆરી મહિના સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરમાંથી અપહરણ કરી તેમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 12 કરોડના બિટકોઇન લૂંટી લેવાનો અમરેલી પોલીસ ઉપર આરોપ થયો હતો, જેમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ  દ્વારા એક ડઝન કરતા વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદની સાબરમતી જેલમાં રહેલા આઈપીએસ અધિકારી જગદીશ પટેલ અને સુરતના વકિલ કેતન પટેલ દ્વારા કરવામાં આવેલી જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે તેઓ છેલ્લાં આઠ મહિનાથી જેલમાં છે. આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ પુરી દેવામાં આવી છે. જ્યારે આ કેસના એક આરોપી કિરીટ પાલડિયાયાને અગાઉ ગુજરાત હાઈકોર્ટ જામીન આપી ચુકી છે ત્યારે કિરીટ પાલડિયાયાની જેમ તેમને પણ જામીન આપવામાં આવે, જસ્ટીશ એ જે દેસાઈએ આ મામલે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ જગદીશ પટેલ અને કેતન પટેલને જામીન ઉપર છોડવાનો હુકમ કર્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે કેતન પટેલ અને પુર્વ ધારાસભ્ય નલીન કોટડિયાએને જાણકારી મળી હતી કે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ અને તેમના સાથીઓ મળી સુરતના ધવલ માવાણી પાસેથી 150 કરોડના બિટકોઇન લૂંટી લીધા છે. જેના આધારે કોટડિયા, કેતન પટેલ અને કિરીટ પાલડિયાએ મીટીંગ કરી શૈલેષ ભટ્ટને લૂંટી લેવાની યોજના બનાવી હતી જેમાં સૌથી પહેલા સીબીઆઈ ઈન્સપેકટર સુનીલ નાયર દ્વારા પાંચ કરોડ રોકડા લઈ લેવામાં આવ્યા હતા ત્યાર બાદ અમરેલી પોલીસ સાથે મળી બાર કરોડના બિટકોઇન લઈ લીધા હતા. આ મામલે ફરિયાદ થતાં સીઆઈડીએ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. 

તા 11મી જાન્યુઆરીના રોજ અમદાવાદ કોર્ટ દ્વારા માતાની બીમારીની સારવાર માટે નલીન કોટડિયાને હંગામી જામીન આપ્યા હતા ત્યાર બાદ હવે જગદીશ પટેલ અને કેતન પટેલને પણ જામીન આપ્યા છે.