મેરાન્યૂઝ નેટવર્ક.છોટા ઉદેપુરઃ તમે કદી ચારોળાં ખાધાં છે? આ પ્રશ્નનો જવાબ જેમનું બચપણ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, છોટાઉદેપુર કે પાવી જેતપુર તાલુકામાં વીત્યું હોય તે જ હકારમાં આપી શકે. ચારોળા એ લગભગ ચણી બોરના કદનું ખટમીઠું સ્વાદિષ્ટ ફળ છે. જે એ જ નામથી ઓળખાતા વૃક્ષ પર બહુધા ઉતરતા ઉનાળે થાય છે અને એના ઠળિયાને ભાંગતા જે બીજ મળે એ ચારોળી જે બદામ કાજુના ભાવે વેચાતો કિંમતી સૂકોમેવો છે.

હાલમાં ચારોળાના ઝાડો પર ફૂલ બેઠાં છે એટલે કે તેની ફ્લાવરિંગ સીઝન છે એવી જાણકારી આપતાં છોટાઉદેપુર વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર નિરંજન રાઠવા જણાવે છે કે અમારા વન વિસ્તારના ખાસ કરીને છોટાઉદેપુર, પાવી જેતપુર અને કવાંટ તાલુકાઓમાં અંદાજે ૯૦ હજાર જેટલાં આ વૃક્ષો હોવાનું અનુમાન છે.


 

 

 

 

 

આનંદની વાત છે કે ગુજરાતમાં માત્ર છોટાઉદેપુર જિલ્લાના વન વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં આ વૃક્ષો છે. રતન મહાલ અભ્યારણ્યમાં તેના છૂટાછવાયા વૃક્ષો છે પણ અહી છે એટલા વૃક્ષો નથી. ચારોળાના વૃક્ષનું ફળ એ ચારોળા અને એનો ઠળિયો ભાંગતા જે બીજ મળે એ ચારોળી.

એનું વૈજ્ઞાનિક નામ બુકનાનીયા લંઝન છે અને ચારોળીનો મુખ્યત્વે ઉપયોગ મીઠાઈઓને સજાવવા માટેના સૂકા મેવા તરીકે થાય છે. આ ઉપરાંત આયુર્વેદિક અને યૂનાની દવાઓમાં તે વપરાય છે.આમ, આ કિંમતી જંગલી મેવો છે. વન વિભાગના એક પ્રકાશન પ્રમાણે સન ૨૦૨૦ - ૨૧ માં સહભાગી વન મંડળીઓ દ્વારા અંદાજે ૩૭૯૦ કિલો ચારોળા ફળ એકત્ર કરી તેમાંથી મળેલી ચારોળીનું વન વિકાસ નિગમને વેચાણ કરવામાં આવ્યું હતું. ઠળિયાનું એકત્રીકરણ અને બીજ કાઢવાની પ્રક્રિયા કડાકૂટ વાળી અને જહેમત માંગી લેનારી છે.

જિલ્લામાં આ વૃક્ષોની બહુતાયત છે તેવા વિસ્તારની લગભગ ૪ થી ૬ સહભાગી વનીકરણ મંડળીઓ આરક્ષિત જંગલમાં આવેલા આ વૃક્ષોના જતન અને સંરક્ષણ માં યોગદાન આપે છે અને વળતર તરીકે તેમને આ કિંમતી ગૌણ વન પેદાશના એકત્રીકરણનો અધિકાર આપવામાં આવ્યો છે. ખાનગી માલિકીના છૂટાછવાયા વૃક્ષો પણ છે.

ચારોળાના વૃક્ષો આદિજાતિ સમુદાય માટે મોસમી વૈકલ્પિક રોજગારીનો સ્ત્રોત છે તેનો ઉલ્લેખ કરતાં છોટાઉદેપુર વન વિભાગના મદદનીશ  વન સંરક્ષક ડો. ધવલ ગઢવી જણાવે છે કે અહીંનો વન વિસ્તાર આ વૃક્ષો માટે અનુકૂળ છે અને આવકનું સાધન બની શકે તેમ છે જેને અનુલક્ષીને આ વૃક્ષોની સંખ્યા વધે તે માટે અહીની નર્સરીઓમાં રોપ ઉછેર કરીને આરક્ષિત જંગલ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે.

આપણાં જંગલો આવી વિવિધતાસભર ,બહુવિધ રીતે ઉપયોગી અને કિંમતી વન પેદાશો નો ભંડાર છે, લગભગ આયુર્વેદિક ઔષધાલય છે ત્યારે તેને સાચવવા અને વધારવામાં જ ડહાપણ છે.