મેરાન્યૂઝ નેટવર્ક.હાથરસ: હાથરસમાં સામુહિક દુષ્કર્મનો ભોગ બનેલી ચાંદપા વિસ્તારની 22 વર્ષીય યુવતીનું મંગળવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. તેની જાણકારી મળતાની સાથે જ હાથરસમાં પોલીસ તંત્ર વધુ સજાગ થઈ ગયો છે.

પોલીસ અધિક્ષક વિક્રાંત વીરે પીડિતાના મોતની પુષ્ટિ કરી છે. જણાવી દઈએ કે, મહિલા સાથે સામુહિક બળાત્કારની શરમજનક ઘટના 14 સપ્ટેમ્બરના રોજ બની હતી. આ પછી આરોપીઓએ તેની ઉપર ખૂની હુમલો કર્યો હતો.

સોમવારે, હાલત ખૂબ નાજુક બન્યા બાદ તેને અલીગઢની જે.એન.મેડિકલ કોલેજથી દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરાઈ હતી.

ગામમાં પોલીસ બંદોબસ્ત, દિલ્હીમાં મૃતદેહનું પોસ્ટ મોર્ટમ

યુવતીના મોત બાદ તેના ગામ અને ગામ તરફ જવાના માર્ગ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખુદ એએસપી પ્રકાશ કુમાર ખુદ મોરચો સાંભળ્યો છે. દિલ્હીમાં મૃતકના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવી રહ્યું છે. ત્યાંથી સાંજ સુધીમાં મૃતદેહ અહીં આવવાની સંભાવના છે. હાથરસ અને અલીગઢથી દિલ્હીમાં અતિરિક્ત પોલીસ દળ મોકલવામાં આવ્યો છે.


 

 

 

 

આરોપીના હુમલામાં યુવતીની જીભ કપાઈ ગઈ 
જણાવી દઈએ કે,ચાંદપા પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની ઘટના વિશે પીડિતાએ મેજિસ્ટ્રેટને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાર યુવકોએ તેના પર ગેંગરેપ કર્યો હતો અને વિરોધમાં તેનું ગળું દબાવવાની કોશિશ કરી હતી, જેમાં પીડિતાની જીભ કપાઈ ગઈ હતી.

પીડિતાએ ચાર આરોપીની ઓળખ સંદિપ, રામુ, લવકુશ અને રવિ તરીકે કરી હતી. પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે સંદીપની ઘટનાના દિવસે ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં રામુ અને લવકુશની પણ ધરપકડ કરવામાં આવી હતી અને શનિવારે ચોથા આરોપી રવિની પણ ધરપકડ કરી જેલમાં મોકલી દેવાયો હતો.

ચારેય આરોપીઓ વિરુદ્ધ સામુહિક બળાત્કાર અને ખૂનનો પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ઝડપી સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે. ઘટનાના બીજા દિવસે પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાં તે વેન્ટિલેટર પર હતી અને શરૂઆતથી જ તેની સ્થિતિ ચિંતાજનક હતી. આ અંગે બે દિવસની વિચારમંથન બાદ સોમવારે તેમને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું આજે અવસાન થયું હતું.