રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): નાગરિકોને સવાલ થાય છે કે પોલીસ રક્ષક છે કે ભક્ષક? પોલીસ કોના માટે છે; લોકો માટે છે  કે સત્તાપક્ષ માટે? પોલીસને જે પગાર/ભથ્થા/સવલતો મળે છે તે માટે ખર્ચ કોણ કરે છે; કરદાતાઓ કે સત્તાપક્ષ? આપણી પોલીસ નાગરિકોના હક્કોની રખેવાળી કરે છે કે સત્તાપક્ષની રખેવાળી કરે છે? પોલીસમાં પ્રવેશતા કોન્સ્ટેબલથી લઈને IPS અધિકારીઓ સોગંદ તો બંધારણીય મૂલ્યોની રખેવાળી માટે લે છે; પણ રખેવાળી તો સત્તાપક્ષની કરે છે !

પોલીસની/તંત્રની ઈમેજ ખરાબ કેમ છે? પોલીસ કેટલી નિર્લજ્જ હોય છે/માનવીય સંવેદનાઓને કચડનારી હોય છે/અમાનુષી હોય છે/લોકોની આંખોમાં ધૂળ નાખનારી હોય છે/સત્તાપક્ષની ગુલામ હોય છે; તેનો નમૂનો ઉત્તરપ્રદેશના હાથરસ ગેંગરેપ કિસ્સામાં દેશ/દુનિયાએ જોયો ! સત્તાપક્ષની આબરુ બચાવવા હાથરસ જિલ્લાના DM/SP/ADGP જેવા ઉચ્ચ અધિકારીઓ અત્યંત હલકી કક્ષાનું પાશવી વર્તન કરે છે ! 19 વર્ષની ગરીબ/અભણ છોકરી ઉપર ગેંગરેપ થાય છે તો પોલીસ માત્ર છેડતીની ફરિયાદ લઈ ગુનો મિનિમાઈઝ કરે છે. છેડતીનો ગુનો દાખલ થાય અને 7-8 દિવસ થઈ જાય તો રેપના પુરાવા નાશ પામે. ADGP કહે છે કે ‘FSLનો રિપોર્ટ આવી ગયો છે; છોકરી ઉપર રેપ થયાની પુષ્ટિ મળતી નથી ! શુક્રાણુઓ મળ્યા નથી !’ આવું કહેતા એને શરમ પણ આવતી નથી !


 

 

 

 

પોલીસ ગુનો છેડતીનો દાખલ કરે તો શુક્રાણુઓ મળે ખરાં? આ છોકરી તેમને થયેલ ઈજાઓને કરણે મરણ પામી કે હાર્ટએટેકથી? વિક્ટિમની લાશને પોલીસ તેમના માતા/પિતા/ભાઈને બતાવ્યા વિના રાત્રે 2:30 વાગ્યે બળજબરી કરી સળગાવી નાખે છે; શું આ પોલીસની ફરજમાં આવે છે? વિક્ટિમની લાશનો નિકાલ કરવાની ઉતાવળ પાછળ તો એક જ તર્ક બચે છે કે પરિવારજનો ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગણી ન કરે ! રાખ થોડી કહેવાની છે કે ગેંગરેપ થયો હતો ! વિક્ટિમના સગાસંબંધીઓ/મીડિયા/વિપક્ષના નેતા વિક્ટિમના પરિવારનો સંપર્ક ન કરી શકે તે માટે CrPC કલમ-144નો હવાલો આપી રોકી રાખે; એ કેવી લોકશાહી? SP કહે છે કે ‘પરિવારજનોની સંમતિથી વિક્ટિમની અંતિમવિધિ કરી હતી અને તેના દાદા ચિતા પાસે હાજર હતા; જોઈ લો વીડિયો !’ સત્તાપક્ષના IT Cellએ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વહેતો કરીને કહ્યું કે ‘જૂઓ, જૂઓ વિક્ટિમની અંતિમ વિધિ દાદાએ કરી છે; પોલીસે નહીં !’ પરંતુ altnewsની પત્રકાર પૂજા ચૌધરીએ આ જૂઠ પકડ્યું કે ‘વિક્ટિમના દાદા તો 2006માં ગુજરી ગયા હતા.

પોલીસે તેને 29 સપ્ટેમ્બર 2020ના રોજ જીવતા કરી તેમની પાસે વિક્ટિમની અંતિમવિધિ પણ કરાવી !’ DM વિક્ટિમના ઘેર જઈને કહે છે કે ‘આ મીડિયાવાળા કાલે જતા રહેશે પછી તમારે અહીં જ રહેવાનું છે ! તમારે નિવેદનો બદલવા છે કે નહીં તે નક્કી કરી લો !’ એક ગરીબ પરિવાર શોકમાં ગરકાવ હોય; આગલા દિવસે તેમની દીકરીને ધરાર સળગાવી દીધી હોય ત્ત્યારે DM આ પ્રકારની ધમકી આપે; આ કેવી નોકરશાહી? શામાટે અધિકારીઓ આટલી હદે વિવેકહીન/અમાનવીય વર્તન કરે છે? CMને રાજી કરવા માટે; સત્તાપક્ષની આબરુ બચાવવા માટે ! જ્યારે વિક્ટિમનું મોત થઈ ગયું છે ત્યારે રેપની પુષ્ટિ નથી થતી; એમ કહીને તંત્રનું નાક બચે ખરું? આ કારણોસર પોલીસની/તંત્રની ઈમેજ ખરાબ થઈ રહી છે.

હાથરસની આ ઘટના એ દર્શાવે છે કે DM/SP/ADGP એમ આખું તંત્ર સત્તાપક્ષનું ગુલામ હોય છે ! સભ્ય સમાજના નાગરિક બનવા માટે આપણે જાગવું પડશે; હાથરસની ઘટનામાં બંધારક્ણીય મૂલ્યો/માનવમૂલ્યોનો ભોગ લેવાયો, તેવું ન બને તે માટે આપણે અવાજ ઊઠાવવો પડશે. આગળ આવવું પડશે. વહીવટીતંત્રને/પોલીસને સત્તાપક્ષ તરફી નહીં, લોકલક્ષી બનાવવાનું ભગીરથ કાર્ય હાથમાં લેવું પડશે !

(લેખક નિવૃત્ત IPS અધિકારી છે, અહીં હેતુ માત્ર તેમના વિચારો અને લેખન કલાને રજુ કરવાનો છે)