મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા:  વડોદરા શહેર નજીક આવેલા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના સંત હરિપ્રસાદ સ્વામીજી સોમવારે મોડી રાત્રે 11 કલાકે 88 વર્ષની ઉંમરે અક્ષરનિવાસી થયા છે.  હરિપ્રસાદ સ્વામીજીની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત રહેતી હતી. સ્વામીજીને સોમવારે સાંજે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યાં રાત્રે તેમની તબિયત લથડતાં ડોક્ટર દ્વારા સારવાર શરૂ કરાઇ હતી. જોકે મોડી રાત્રે 11 વાગે સ્વામીજીએ નશ્વરદેહ છોડ્યો હતો તેમ સાધુ પ્રેમસ્વરૂપદાસ મહારાજે જણાવ્યું હતું.

યોગી ડિવાઇન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગવલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઇના સંયુક્ત નિવેદનમાં જણાવ્યા મુજબ, યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને 26 જુલાઇ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતાં અક્ષરધામમાં બિરાજી ગયા છે.

Advertisement


 

 

 

 

 

અત્રે નોંધનીય છે  હરિપ્રસાદ સ્વામીજીનો જન્મ વર્ષ 1934માં થયો હતો. તેઓ બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખસ્વામી મહારાજના ગુરુભાઈ હતા. 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટય દિન ભક્તોએ ઊજવ્યો હતો. હરિપ્રસાદ સ્વામીજી વડોદરા શહેર-જિલ્લા ઉપરાંત દેશ-વિદેશમાં પણ બહોળી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા હતા. સ્વામીજીના પાર્થિવ દેહના હરિધામ પરિવાર દ્વારા આજે અંતિમ દર્શન કરવામાં આવશે. ત્યાર બાદ બુધ, ગુરૂ, શુક્ર અને શનિવારે જુદાજુદા પ્રદેશમાંથી આવતા ભક્તો માટે દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાર બાદ રવિવારે તેમના નશ્વર દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે ટ્વીટ કરીને સ્વામીજીને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે દાસના દાસનું અનંતની સફરે પ્રયાણ.. યોગી ડિવાઈન સોસાયટીના પ્રણેતા તથા યોગીજી મહારાજના શિષ્ય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના નિર્વાણના સમાચાર જાણી દુ:ખી છું. સ્વામીજી આપણા સૌના હૃદયસ્થ રહી આપણને ધર્મનો માર્ગ બતાવતા રહે એ જ તેમની પાસે પ્રાર્થના.

Advertisement