મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતના પુર્વ ગૃહમંત્રી હરેન પંડયાની 2003માં થયેલી હત્યાના મામલે ગુજરાત પોલીસ અને સીબીઆઈએ પકડેલા 12 આરોપીઓને અમદાવાદની પોટા કોર્ટ દ્વારા કસુરવાર ઠરાવી આજીવન કેસની સજા ફટકારી હતી, પરંતુ 2011માં ગુજરાત હાઈકોર્ટે તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી દીધા હતા, ગુજરાત હાઈકોર્ટના આ આદેશને સીબીઆઈ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, સુપ્રીમ કોર્ટની ડીવીઝન બેન્ચના જસ્ટીશ અરૂણ મીશ્રાએ શુક્રવારના રોજ ખુલ્લી અદાલતમાં ચુકાદો આપતા સીબીઆઈ અને ગુજરાત સરકારની અપીલ માન્ય રાખી ગુજરાત હાઈકોર્ટના હુકમને રદ કરી  અમદાવાદ કોર્ટ દ્વારા કરવામાં આવેલી આજીવન કેદની સજાને બહાલી આપી છે.

ગુજરાતમાં 2001માં નરેન્દ્ર  મોદી ગુજરાતના મુખ્યપ્રધાન થયા પછી કેશુભાઈ પટેલ જુથ પુર્વ ગૃહમંત્રી હરેન પંડયા અને મોદીના રાજકિય સંબંધોમાં ખટાશ આવી હતી, ત્યાર બાદ 2002માં થયેલી કોમી તોફાનો બાદ જસ્ટીશ સાવંતના તપાસ પંચ સામે હરેન પંડયાએ જુબાની આપી હતી જો કે સાવંત સામે આપેલી જુબાનીમાં તેમણે શું કહ્યું હતું તે આજ સુધી જાહેર થયું નથી., નરેન્દ્ર મોદી અને હરેન પંડયા વચ્ચે ચાલી રહેલા રાજકિય યુધ્ધ દરમિયાન 26 માર્ચ 2003ના રોજ અમદાવાદના લો ગાર્ડન બહાર હરેન પંડયાની કારમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી, આ હત્યા બાદ તરત હરેનના પિતા વિઠ્ઠલભાઈ પંડયાઓ પોતાના પુત્રની રાજકિય હત્યા થઈ છે તેવો આરોપ નરેન્દ્ર મોદી ઉપર મુકયો હતો.

હરેન પંડયાની હત્યાની ફરિયાદ એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ત્યાર બાદ આ તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને  સોંપવામાં આવી હતી, ત્યારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ડી જી વણઝારા હતા., જો કે હરેનની અતિમ વિધીમાં હાજર રહેલા લાલકૃષ્ણ અડવાણી દ્વારા આ તપાસ સીબીઆઈને સોંપી દેવાનો મત વ્યકત કરતા ગુજરાત સરકારે આ કેસ સીબીઆઈને સુપ્રત કર્યો હતો. સીબીઆઈ દ્વારા ક્રાઈમ બ્રાન્ચની મદદ લઈ કુલ 12 આરોપીઓને પકડયા હતા અને અમદાવાદનો પોટા કોર્ટમાં તહોમતનામુ ફરમાવ્યુ હતું. સીબીઆઈનો આરોપ હતો કે 2002માં ગુજરાતમાં થયેલી કોમી   તોફાનો અને તેમાં હરેન પંડયાની ભૂમિકાને કારણે બદલો લેવા માટે આરોપીઓ દ્વારા કાવત્રુ ઘડી હરેનની હત્યા કરવામાં આવી હતી.

અમદાવાદની પોટા કોર્ટ દ્વારા 2007માં તમામ 12 આરોપીઓને કસુરવાર ઠરાવી આજીવન કેદની સજા ફટકારી હતી, અમદાવાદ કોર્ટના સજાના હુકમને તમામ આરોપીઓએ ગુુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો 2011માં ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલા સજાના હુકમને રદ કરી તમામ આરોપીઓને શંકાનો લાભ આપી છોડી દીધા હતા, આ હુકમને સીબીઆઈએ અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો જેનો ચુકાદો આપતા તમામ આરોપીને અમદાવાદ કોર્ટે કરેલી સજા કાયમ રાખવામાં આવી છે. હવે સીબીઆઈ તમામ આરોપીઓને કસ્ટડી લઈ તેમને સાબરમતી  જેલમાં મોકલી આપશે.

આ કેસની સુનવણી દરમિયાન હરેન પંડયાના પિતા વિઠ્ઠલભાઈ પંડયા પોતાના પુત્રની હત્યા નરેન્દ્ર મોદીએ કરાવી છે તેવા જાહેરમાં આરોપ કરતા રહ્યા હતા, અને જાહેર સમારંભમાં પણ તેઓ ઉભા થઈ આ પ્રકારના આરોપ કરતા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી હતી, વિઠ્ઠલભાઈનો આરોપ હતો કે સીબીઆઈ દ્વારા પકડવામાં આવેલા આરોપીઓ ખોટા છે સીબીઆઈ નરેન્દ્ર મોદીને બાજુ ઉપર રાખી તપાસ કરી રહી છે, જો કે પુત્રને ન્યાય મળે તે માટે સડતા વિઠ્ઠલભાઈ પટેલનું થોડા વર્ષો પહેલા જ અવસાન થઈ ગયુ હતું.

જ્યારે આ મામલે હરેન પંડયાના પત્ની જાગૃતી પંડયા વર્ષો સુધી શાંત રહ્યા હતા, તેમને કહેવુ હતું કે હરેનની હત્યા વખતે તેમના બંન્ને બાળકો ખુબ નાના હોવાને કારણે તેમને મૌન રહેવાનું મુનાસીફ માન્યુ હતું પણ બાદમાં તેઓ પણ જાહેરમાં આવ્યા હતા અને તેમણે આ મામલે ફેર તપાસ થાય તેવી અરજી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ કરી હતી, વિઠ્ઠલ પંડયાની જેમ જાગૃતી પંડયા પણ મેદાને પડયા હતા અને તેમણે હરેનના સાચા હત્યારા પકડાય તે માટે ખાસ્સો સંઘર્ષ કર્યો હતો, તેઓ એલિસબ્રીજ વિધાનસભા બેઠક ઉપરથી ગોરધન ઝડફીયા દ્વારા બનાવવામાં આવેલા પક્ષમાંથી ચુંટણી લડયા હતા અને હાર્યા હતા.

નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા સદ્દભાવના  ઉપવાસ સ્થળે જાગૃતી પંડયા જવાના છે તેવી પોલીસને જાણ છતાં પોલીસે તેમને રસ્તામાં અટકાવી દીધા હતા, બીજી તરફ હરેનની હત્યા બાદ હરેનની પ્રતિમા અમદાવાદના નહેરૂનગર વિસ્તારમાં મુકાઈ નહીં તેવા તમામ પ્રયાસો ભાજપે કર્યા હતા આખરે આ મામલો ગંભીર બનશે તેવો ડર લાગતા હરેનની પ્રતિમા રોડની એક તરફ મુકવામાં આવી હતી. જાગૃતી પંડયા હરેનના સાચા હત્યારા પકડાય તે માટે ખુબ લડયા અંતે થાકી 2016માં તેઓ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપે તેમને બાળ વિકાસ નિગમનું ચેરમેન પદ આપ્યુ ત્યારથી જાગૃતી પંડયાએ પોતાની લડાઈ પડતી મુકી દીધી હતી.

જાગૃતી પંડયા પણ માનતા હતા કે પોલીસ અને સીબીઆઈ દ્વારા પકડવામાં આવેલા હૈદરાબાદના અસગરઅલી જેણે હરેનને ગોળી માર્યાનો આરોપ છે. ખરેખર અસરગરઅલીએ હરેનની હત્યા કરી નથી પણ કોઈ કારણસર તે પોતે હત્યાનો ગુનો કબુલ કરી રહ્યો છે, જેના કારણે જાગૃતી ખુદ અસગરઅલીને મળવા જેલમાં ગયા હતા અને તેમણે અસગરને ખાતરી આપી કે તેની ઉપર ભલે પોતાના પતિની હત્યાનો આરોપ છે પણ તેનો કેસ તે લડશે અને તેના માટે વકિલની  વ્યવસ્થા કરશે પણ અસગરઅલી પોતાની વાતને વળગી રહ્યો અને તેણે જાગૃૃતી પંડયાને કોઈ પણ પ્રકારની મદદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો

હરેન પંડયા હત્યા કેસમાં મહત્વની ભૂમિકા અદા કરનાર પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારાની ભૂમિકા પણ શંકાસ્પદ રહી હતી હરેનની હત્યાના કાવત્રામાં અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં મુફતી સુફીયાન પતંગીયાનું નામ ખુલ્યુ હતું, પણ સીબીઆઈ પતંગીયાને ત્યાં પહોચે તે પહેલા તેણે અમદાવાદ છોડી દીધી હતું. પતંગીયાના ઘરે ત્યાર બાદ ક્રાઈમ બ્રાન્ચનો પહેરો હોવા છતાં તેનો પરિવાર પણ એક રાત્રે ગાયબ થઈ હતો આ અંગે એવી શંકા કરવામાં આવે છે કે ખુદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સુફીયાને નિકળી જવા માટે સેઈફ પેસેજ કરી દેવામાં આવ્યો હતો ત્યાર બાદ તેના પરિવારને સુફીયાન પાસે પાકિસ્તાન મોકલી દેવામાં આવ્યો હતો.

હરેન પંડયા કેસની ફેર તપાસ થાય તે માટે જાગૃતી પંડયાએ ખુબ પ્રયત્ન કર્યા હતા, પણ તેમા તેમને કોઈ પણ સફળતા મળી ન્હોતી જયારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે જાગૃતી પંડયાએ કોંગ્રેસના નેતાઓને પણ  સંપર્ક કર્યો હતો જો કે કોંગ્રેસના નેતાઓ મદદ કરી રહ્યા હોવાનો દેખાવ કરતા હતા. પરંતુ તેમણે પણ જાગૃતી પંડયાને કોઈ મદદ કરી ન્હોતી. હરેન પંડયાની હત્યાની તપાસ નવેસરથી થાય તેવી એક જાહેરહિતની અરજી સીપીઆઈએલ નામની સ્વૈચ્છીક સંસ્થા દ્રારા કરવામાં આવી હતી જેનો ચુકાદો પણ શુક્રવારના રોજ આપતા ત્રાહિત  વ્યકિત દ્વારા કરવામાં આવેલી ફેર તપાસની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દઈ અરજદારને રૂપિયા 50 હજારનં દંડ પણ પડકાર્યો છે.

હરેન પંડયા હત્યા કેસમાં સીબીઆઈ પણ શંકા દાયરામાં હતી જે  પ્રકારે તપાસ થઈ રહી હતી અને પોલીસ વિઠ્ઠલ પંડયા અને જાગૃતી પંડયાની રજુઆતો ટાળી રહી હતી. જેના કારણે સીબીઆઈ કોઈ ચોક્કસ ફ્રેમમાં કામ કરી રહી હોવાનું તેવુ લાગી  રહ્યુ હતું. આ મામલના તપાસ કરનાર એક ડીવાયએસપી દ્વારા કેસની તપાસ પુરી થઈ તેની સાથે જ સીબીઆઈમાંથી રાજીનામુ આપી દિલ્હીમાં વકિલાતનો વ્યવસાય શરૂ કરી દીધો હતો. આમ તપાસ કરનાર અમલદાર સીબીઆઈ જેવી એજન્સીમાંથી અચાનક રાજીનામુ આપી વકિલ થઈ જાય તેનું પણ બધાને આશ્ચર્ય થયુ હતું. જો કે આ પ્રકારના અનેક રહસ્યો હજી પણ અકબંધ છે જેનો ઉત્તર કદાચ કયારેય મળવાનો નથી.