મેરાન્યૂઝ નેટવર્ક, ધોરાજી: આજ રોજ PAAS દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના તમામ કન્વીનરોની બેઠકનું આયોજન કરાયું હતું. ધોરાજીના લેઉવા પટેલ સમાજના ભવન ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ હતી. જેમાં મોરબી, અમરેલી, જૂનાગઢ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ સહિતના PAASના કન્વીનર્સ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમજ હાર્દિક પટેલ, મનોજ પનારા સહિતના તમામ અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

આ તકે હાર્દિકે ‘પાસ’ની આગામી રણનીતિ વિશે કહ્યું હતું કે, આગામી 5 તારીખે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ઘરે જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગ કરાશે અને તારીખ 20, 21 અને 22 ડિસેમ્બર એમ 3 દિવસ અમરેલી જિલ્લાના ખેડૂતોની વેદના જાણવા માટે પગપાળા રેલી યોજાશે. આ ઉપરાંત સુરતમાં અલ્પેશ કથીરીયાની જેલ મુક્તિ માટે એક દિવસ ધરણાનો કાર્યક્રમ કરવાની જાહેરાત પણ કરી હતી.

આ ઉપરાંત આગામી જાન્યુઆરી મહિનાથી સિદસરધામ ખાતે માતા ઉમિયાના દર્શન કરી સૌરાષ્ટ્રના તમામ તાલુકા તેમજ ગામડાઓમાં ખાસ જનજાગૃતિ માટેના કાર્યક્રમો કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. તેમજ મરાઠાને અનામત મળે તો પાટીદારોને કેમ નહીં? તેવો સવાલ પણ હાર્દિક પટેલે ઉઠાવ્યો હતો.