મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં જોડાયા પછી હર્દિક પટેલને વિવિધ પદો પર નિયુક્તિ મળતાં રાજકીય ક્ષેત્રમાં કદ વધ્યું છે. સ્મૃતિ ઈરાનીએ આમ તો હાર્દિક પટેલ પર શાબ્દિક હુમલો કર્યો છે પરંતુ તેમના આ શાબ્દિક હુમલાએ હાર્દિક પટેલનું કદ અને હાર્દિકની નોંધ હવે કેવી રીતે લેવાય છે તેનું પણ એક ઉદાહરણ પુરું પાડ્યું છે. મોરબી ખાતે બેઠકમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કેમ્પેઈનને ધ્યાને લઈ બેઠક યોજી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં નોકરીએ લાગ્યા હોય તેવું નિવેદન કર્યું છે. જોકે ભાજપના કદાવર નેતાઓમાં તેમની ગણના થાય છે અને ભાજપના કદાવર નેતાઓ પોતાના પ્રતિસ્પર્ધીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરતા હોય છે જોકે અહીં આખું અલગ જ ચિત્ર જોવા મળ્યું હતું.

મોરબીમાં માળીયા બેઠક પર પેટા ચૂંટણી જીતવા ભાજપ કોંગ્રેસ બંને જોર લગાવી રહ્યા છે. જોકે અહીં ભાજપે પોતાના કદાવર નેતાઓને મેદાનમાં જોતરી દીધા છે. હાલમાં જ ખુદ ગૃહમંત્રી અહીં ગુજરાતમાં અને ઉપરાંત સ્મૃતિ ઈરાની પણ અહીં આવ્યા છે. થોડા સમયમાં ખુદ નરેન્દ્ર મોદી પણ અહીં આવવાના છે. મોરબીમાં ઈલેક્શન કેમ્પેઈનને ધ્યાને લઈ સ્મૃતિ ઈરાની અહીં આવ્યા ત્યારે તેમના વક્તવ્યમાં અહીંના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાનું નામ ન્હોતું લીધું પણ હાર્દિક પટેલનું નામ લીધું. ખુદ અહીંની સભામાં ભાજપના ઉમેદવાર જ ગેરહાજર હતા. જોકે તેમની અહીં ગેરહાજરી પાછળ કોઈ કારણ હોઈ શકે છે પરંતુ તેમના જ માટે થઈ રહેલા પ્રચારને લઈને આટલી મોટી સભા થઈ રહી હોય ત્યારે તેમની ગેરહાજરી લોકોની ચર્ચાનો વિષય બની ગઈ છે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ અવારનવાર ભાજપ અને સરકાર પર ચાબખા મારતા રહે છે. હાલમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પર તેમણે કરેલા આક્ષેપોને લઈને સ્મૃતિ ઈરાનીએ જવાબ આપ્યો હતો અને કહ્યું કે, હાર્દિક છ મહિના પૂર્વે જ કૉંગ્રેસમાં જોડાયો છે અને બેરોજગારને નોકરી આપી હોય તેમ ખેડૂતોની વાતો કરતાં કરતાં કૉંગ્રેસમાં જોડાઇ ગયો હતો. આજે અમારા ભાજપના 40 વર્ષના પાયાના કાર્યકર્તા પર આક્ષેપ કરે તે તેના મોઢે શોભતા નથી. તેમણે અહીં ભાજપ સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયો અને કામોની પણ અહીં વાત કરી હતી.

ભાજપની આ સભામાં કાર્યકર્તાઓના જ ખિસ્સા કપાઈ ગયા હોવાની માહિતીઓ સામે આવી હતી. કોરોનાને લઈને અહીં લાંબા સમય પછી ભાજપ પાર્ટીની સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.