ચંદુ મહેરિયા (મેરાન્યૂઝ,અમદાવાદ): ગુજરાતમાં ત્રીસ વરસથી સત્તાવિહીન  કૉંગ્રેસને સત્તાની તડપ છે અને તે માટે પાટીદાર વોટની તરસ છે. ગુજરાત વિધાનસભાની છેલ્લી ચૂંટણીમાં પાટીદાર અનામત અંદોલનને કારણે, સામાન્ય રીતે કૉંગ્રેસથી વિમુખ રહેતા પાટીદાર વોટ કૉંગ્રેસને મળ્યા અને તે સત્તાની લગોલગ પહોંચી શકાય એટલી બેઠકો મેળવી શકી હતી. એ જોતાં કૉંગ્રેસને પાટીદાર વોટ માટે હાર્દિકને કાર્યકારી અધ્યક્ષ બનાવવા પડ્યા હોય તે શક્ય છે.

હાર્દિક પટેલને આ જવાબદારી સોંપવામાં જેમ કૉંગ્રેસની નજર પાટીદાર મતદારોને તેમ યુવા મતદારોને પણ પોતાના તરફ વાળવાની હોઈ શકે.છે.  ન.મો.ને કેન્દ્રમાં જવાનું થયું અને ગુજરાત આનંદીબહેન પટેલના હવાલે કરવામાં આવ્યું તે પછી  હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીની યુવા ત્રિપુટીએ ગુજરાતમાં જે આંદોલનો જગવ્યાં તેનો પણ ગુજરાત વિધાનસભાનાં પરિણામોમાં મોટો ફાળો છે. હવે એ બાબત તો જગજાહેર છે કે આ યુવા ત્રિપુટી પર ભાજપી અસંતુષ્ટોનો અને કૉંગ્રેસનો વરદ હસ્ત હતો. સત્તાકારણમાં અને ચૂંટણીકારણમાં સીધા પ્રવેશીને હાર્દિકઅલ્પેશજિજ્ઞેશે પણ તે વાત પર મંજૂરીની મહોર મારી છે. આ ત્રણેય યુવા નેતાઓને રાજકારણનો, સત્તાના રાજકારણનો કશો છોછ નથી અને તેમણે તેમની મહત્ત્વાકાંક્ષાઓ પણ છૂપાવી નથી. જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસના સમર્થનથી કૉંગ્રેસની સૌથી વધુ સલામત દલિત અનામત બેઠક પર ચૂંટાઈને ધારાસભ્ય બનવા સાથે તેમની આંદોલનકારીની ભૂમિકા બરકરાર રાખવા સતત પ્રયત્નશીલ છે.

અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં કંઈ વિપક્ષના ધારાસભ્ય થવા ગયા નહોતા. એટલે સત્તા ન મળી તો તેમણે કૉંગ્રેસ છોડી ભાજપનો હાથ ઝાલ્યો અને આજે પૂર્વ ધારાસભ્યનું કાયમી પદ મેળવી ખૂણો પાળી રહ્યા છે. હાર્દિક પટેલ વિધાનસભાની ચૂંટણી વખતે ઉમેદવારી કરવાની લઘુતમ ઉમર ધરાવતા નહોતા. તેમણે કૉંગ્રેસી બનીને લોકસભાની ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેમની સામેના અદાલતી કેસો અવરોધરૂપ બન્યા. લોકસભાની ચૂંટણીમાં હાર્દિક કૉંગ્રેસના સ્ટારપ્રચારક હતા અને બીજા કોંગ્રેસી નેતાઓને ઈર્ષ્યા કરાવે તેવી હેલિકોપ્ટરની દુલર્ભ સેવા લાભ્યા હતા. વિધાનસભા ચૂંટણીની બેઠકોના હિસાબે તો કૉંગ્રેસ લોકસભાની આઠથી દસ બેઠકો મેળવી શકે તેમ હતી. પરંતુ યુવા ત્રિપુટી પર મોદીની લોકપ્રિયતા અને અમિત શાહની સ્ટ્રેટેજી ભારે પડતાં કૉંગ્રેસને એકેય લોકસભા બેઠક ન મળી.

હાર્દિક પટેલ ફક્ત લોકસભાના ચૂંટણી- પ્રચારમાં.મળેલા હેલિકોપ્ટરથી રાજી ન હોય તે સ્વાભાવિક છે. એટલે હવે કૉંગ્રેસના આઠ ધારાસભ્યોનાં રાજીનામાંથી ખાલી પડેલી બેઠકો, મહાનગરપાલિકાઓ અને પંચાયતની ચૂંટણીમાં કૉંગ્રેસને જો હાર્દિક મારફતે યુવા અને પાટીદાર વોટ જોઈતા હોય તો મોટું પદ આપવું પડે. કૉંગ્રેસ પાસે (અને ભાજપ પાસે પણ) ગુજરાતવ્યાપી ઓળખ ધરાવતું નેતૃત્વ નથી. એ ખોટ હાર્દિકની વરણીથી પૂરી થશે. પણ કૉંગ્રેસની સમસ્યા નેતૃત્વની નહીં, સંગઠનની છે. ઠાકોર અને ઓબીસીના મોટા  સંગઠન છતાં અલ્પેશ ઠાકોર પેટાચૂંટણી જીતી શક્યા નથી. હાર્દિક પટેલ તો પાટીદાર અનામત આંદોલન સમિતિનું સંગઠન અને નેતૃત્વ બંને તેમની નાદાનીઓથી ગુમાવી ચૂક્યા છે, ત્યારે કૉંગ્રેસના જમીની સંગઠન સિવાય તેઓ શું ઉકાળી શકશે .તે સવાલ છે. ખાસ કશા પ્રયત્નો સિવાય માત્ર સારા અને મજબૂત ઉમેદવારના જોરે કૉંગ્રેસ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ઘરે બેસાડી શકી હતી. એટલે હાર્દિક સામે વિધાનસભાની પેટાચૂંટણીમાં બે કરતાં વધુ બેઠકો મેળવવાનો પડકાર પણ છે જ.

કૉંગ્રેસ જેમ સંગઠનના મુદ્દે કમજોર છે તેમ જૂથવાદના મુદ્દે બળુકી છે. હાર્દિક કૉંગ્રેસના જૂથવાદને બાજુ પર રાખી સૌને સાથે રાખી ઉમેદવારોની પસંદગી કરી શકે તેવી શક્યતાઓ બહુ ઓછી છે. તે પરંપરાગત કૉંગ્રેસી કલ્ચર પ્રમાણે પોતાનું જૂથ ઉભું કરવાનો, પોતાના માણસોને ટિકિટ અપાવવાનો પ્રયત્ન કરશે. સામે હાર્દિકનાં વિરોધી જૂથો અને બીજેપી તેમને આ પેટાચૂંટણીમાં જ તેમનું  સ્થાન બતાવી દેવા ઉત્સુક હશે. તેઓ કોઈ પણ રીતે હાર્દિકનું નેતૃત્વ ઉભું ન થાય તે માટે તમામ પ્રયાસો કરશે. તે કસોટી પણ હાર્દિકે પાર કરવાની રહેશે. કૉંગ્રેસને જરૂર ચૂંટણી જીતાડી શકે, બીજેપીની વોટબેન્કમાં ગાબડું પાડી શકે તેવા નેતૃત્વની નથી, પરંતુ છેક તળિયેથી કૉંગ્રેસનું સંગઠન ઉભું કરી શકે તેવા સંગઠકની છે. હાર્દિકમાં એ કાબેલિયત જરાય નથી. અને ચૂંટણીજીતાઉ તરીકેની તેમની હેસિયત લોકસભા ચૂંટણીમાં પરખાઈ ચૂકી છે.
 
દરેક વસ્તુનું ઉપયોગિતા-મૂલ્ય હોય છે, તેવો અર્થશાસ્ત્રનો નિયમ યુવાત્રિપુટી રાજકારણમાં અજમાવે છે. અલ્પેશ ઠાકોરે યોગ્ય સમયે નિર્ણય ન લઈને પોતાનું ઉપયોગિતા-મૂલ્ય બેકાર કરી નાંખ્યું. હતું. જિજ્ઞેશ મેવાણી ગુજરાતમાં પગ જમાવેલા રાખીને રાષ્ટ્રીય લેવલે પહોંચવા મથ્યા કરે છે અને પોતાનું ઉપયોગિતા-મૂલ્ય સમયેસમયે દર્શાવતા રહે છે. હવે હાર્દિક પટેલે ગુજરાત કૉંગ્રેસનું સુકાન સંભાળવા જેટલી મોટી અને ભારે જવાબદારી માગીને ખુદનું ઉપયોગિતા-મૂલ્ય વટાવ્યું છે. હાર્દિકના ગુજરાત કૉંગ્રેસના પ્રમુખ થવાનો મતલબ હાલ તો આટલો જ છે, બાકીનું ભાવિના ગર્ભમાં છૂપાયેલું છે. (ડિજિટલ સાપ્તાહિક નિરીક્ષક)