મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ વડોદરામાં રહેતા અને ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુ પંડ્યાનું આજે સવારે હૃદય રોગના હુમલાને કારણે નિધન થઈ ગયું હતું. હાર્દિક અને કૃણાલ પંડ્યાના પિતાના અવસાનના સમાચાર મળતાં જ પંડ્યા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. વડોદરામાં વડીવાડી સ્મશાન ગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર વિધિવત્ રીતે કરવામાં આવ્યા છે. આર્થિક મુશ્કેલીઓમાં પણ જેમણે બંને ભાઈઓને ક્રિકેટના સપના જોતા કરી દીધા તે પિતાને જ્યારે અંતિમ વિદાય આપી રહ્યા હતા ત્યારે તેમની આંખો ભીંજાઈ ગઈ હતી.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાં ખુબ જ ઓછા સમયમાં નામના મેળવનારા પંડ્યા બંધુઓના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું છે. જે અંગેની જાણ થતાં કૃણાલ પંડંયાએ વડોદરામાં ચાલતી મુસ્તાક અલી ટ્રોફી મેચ બીસીએ (બરોડા ક્રિકેટ એસો.)ના સત્તાધીશોની પરવાનગી સાથે છોડી દીધી હતી. પિતાના આકસ્મિક અવસાને તે બંનેને આધાત પહોંચાડ્યો હતો. હાર્દિક પણ આ સમાચાર મળતાં તાબડતોબ મુંબઈથી વડોદરા આજે બપોરે આવી પહોંચ્યો હતો.

પુત્રોએ વડીવાડી સ્મશાન ગૃહ ખાતે પિતાના નશ્વરદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા. કોરોના મહામારીને ધ્યાને લઈ આ અંતિમ ક્રિયામાં વધુ લોકો જોડાયા ન્હોતા. ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે હાર્દિક અને કૃણાલે એક ટાંણું પણ કરવું પડતું હતું. અત્યંત આર્થિક કટોકટીમાંથી આજે આ મુકામ સુધી પહોંચ્યા તેમાં હાર્દિક અને કૃણાલના પિતા હિમાંશુભાઈનો મોટો હાથ હતો. હિમાંશુભાઈને ક્રિકેટમાં ખુબ રસ હતો. તેઓ વખતો વખત હાર્દિક અને કૃણાલને મેચ બતાવવા લાવતા અને પૈસા બચાવી તેમને સ્ટેડીયમમાં પણ મેચ બતાવતા.