મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતીય ટીમનો જાણિતો ઓફ સ્પિનર હરભજન સિંહ સોશિયલ મીડિયા પણ ઘણો એક્ટિવ રહે છે. તે ક્રિકેટ સાથે સાથે કેટલીક વાર સામાજીક બાબતો પર પણ પોતાનું મંતવ્ય સોશિયલ મીડિયા પર મુકે છે. હાલમાં જ તેને તગડું વીજળીનું બીલ આવ્યું છે જેને લઈને પણ તેને સોશિયલ મીડિયા પર મેસેજ મુક્યો છે. ભજ્જીએ પોતાનું બિલ આટલું વધુ આવતા આશ્ચર્ય વ્યક્ત કર્યું છે અને ટ્વીટર પર પોસ્ટ મુકીને તેના દ્વારા તેની ફરિયાદ પણ કરી છે.

ગત કેટલાક સમયથી મહારાષ્ટ્રમાં લોકોને વીજળીનું તગડું બીલ આવી રહ્યું છે. સેલિબ્રિટિઝને પણ તેના કારણે પરેશાની ભોગવવી પડી રહી છે તો સામાન્ય વ્યક્તિની તો શું વાત કરવી રહી. તાપસી પન્નૂ, હુમા કુરેશી, અરસદ વારસી સહિતના ઘણા સેલેબ્સ દ્વારા વીજળીના બીલને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકાઈ હતી. આમ લોકો સાથે સાથે સેલેબ્સને પણ સોશિયલ મીડિયા પર સંબંધિત વીજળીના બીલને લઈને પોસ્ટ કરીને પરેશાની વ્યક્ત કરાઈ હતી. આ લીસ્ટમાં હવે ભજ્જીનું પણ નામ જોડાઈ ગયું છે.

હરભજન સિંહના ઘરે વીજળીનું બીલ રૂપિયા 33900.00 આવ્યું છે. જેને જોઈને તે ઘણો હેરાન થઈ ગયો હતો. તેણે પોતાના ઓફિશ્યલ ટ્વીટર હેન્ડલરથી એક ટ્વીટ કર્યું છે. ભજ્જી તેમાં લખે છે કે, બીલ પુરા મહોલ્લાનું લગાવી દીધું છે કે શું... આ સાથે તેણે પોતાને જે વીજળી બીલ માટેનો મેસેજ આવ્યો હતો તે મુક્યો છે અને કહ્યું છે કે, 7 ગણું વધારે?? વાહ

આપને જણાવી દઈએ કે કોરોના વાયરસને પગલે ભારતમાં તમામ ક્રિકેટ ગતિવિધિઓ પર બ્રેક લાગી ગઈ છે. એવામાં હરભજનસિંહ પરિવાર સાથે સમય વ્યતિત કરી રહ્યો છે, જોકે જલ્દી જ બાકી ક્રિકેટર્સ સાથે ભજ્જી પણ મેદાનમાં જોવા મળશે. આઈપીએલ 2020ના આયોજનનું એલાન થઈ ગયું છે. કોરોના વાયરસને બદલે અનિશ્ચિત સમય સુધી આ ટૂર્નામેન્ટ સ્થગિત કરાઈ હતી જે 19 સપ્ટેમ્બર થી 8 નવેમ્બર વચ્ચે યુએઈમાં થશે. હરભજન સિંહ આઈપીએલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો હિસ્સો છે.