મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ જેમ 8 નવેમ્બર લોકો માટે ભૂલાય નહીં તેવો દિવસ હતો તેમ 16મી સપ્ટેમ્બરની તારીખ પણ લોકો ભૂલી જાય તેવી નથી. 16મી સપ્ટેમ્બર એટલે કે નવા દંડ મુજબના ટ્રાફીક નિયમોનો અમલી દિવસ, આજે સવારથી જ પોલીસ જે કડકાઈથી ટ્રાફીક નિયમો તોડતા લોકોને દંડી રહી છે કદાચ દારૂના ધંધાદારીઓ, ગુંડાઓ, માફિયાઓ, ભ્રષ્ટાચારીઓ, હત્યારાઓ, બળાત્કારીઓ વગેરે સામે પણ આવી જ કામગીરી થતી તો લોકો અને પોલીસ આજે સાથે મળીને આ નિયમો હેતથી અપનાવતા પરંતુ હાલ લોકોમાં આ કારણોસર નારાજગી જોવા મળી રહી છે. વિરોધપક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશ્યલ મીડિયા પર કહ્યું કે, હર હર મેમો ઘેર ઘેર મેમો... સાથે જ તેમણે ગાડું ચલાવતી તસવીરો પણ શેર કરી છે અને તમામ પરેશાનીઓનો આ હલ ગમાવ્યો છે.

પ્રદુષણ મુક્ત ભારતનો સંકલ્પ એવા બેનર સાથે પરેશ ધાનાણીએ લખ્યું કે, ભારત સરકારે કાયમી કાર્બન ઓકતી વિદેશી મોટર કારને બદલે હવે દેશી બડદ ગાડાથી પ્રદુષણ મુક્ત પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે જ ભારતીય વાહન ચાલકોને આકરા દંડથી ડરાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે? સાથે જ ભરો ભરો નહીં તો મરો, ઈ વાહન મેમોના સૂત્ર સાથે તેમણે અન્ય ઘણી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મુકી છે.

તેમણે લખ્યું છે કે, "હર ઘરે મેમો" હવે ઘોડા-ગધેડા અને આખલાનાં ભાવ અઢી ગણા વધશે કારણ કે, પેટ્રોલની પીડા,પાર્કિંગનો પ્રશ્ન,હેલ્મેટની હોળી, ટોલટેક્ષનો ત્રાસ,પીયુસીની પરવાનગી,રોડની રમખાણ,સીટ બેલ્ટની સમસ્યા, સિગ્નલ અને ગતિ મર્યાદાની મોકાણમાથી મુક્તિ માટે માત્ર એક જ ઉપાય, "ગાડી" છોડો અને "ગાડુ" પકડો.!