મિલન ઠક્કર (મેરાન્યઝ.અમદાવાદ):  હેડિંગ કદાચ તમને અજુગતું લાગશે, પણ આ વાક્ય લગભગ બધાનાં મનમાં ક્યાંકને ક્યાંક ખૂણેખાંચરે પડેલું જ હોય છે. અહીં માત્ર તેને ફંફોસવાનો પ્રયાસ કર્યો છે. આજે સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો રવિવાર, એટલે કે, "ડોટર્સ ડે". દરેક દીકરી અને દીકરીના માતા-પિતાને અભિનંદન આપીને મારી વાતની શરૂઆત કરું છું. આ વાત મારી, તમારી અને આપણી આસ-પાસ રહેતા દરેકની છે.

“દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય”, “દીકરી વ્હાલનો દરિયો”, “हमारी छोरीया छोरो से कम हे के?” આવું ઘણી વાર આપણે કહેતા અને સાંભળતા હોઈએ છીએ, પણ શું ખરેખર એવું વર્તન દરેક દીકરી સાથે થાય છે? આજે પણ ઘણા લોકો એવું માને છે કે, દીકરીને બધી છૂટ ના અપાય, દીકરીને બને એટલી અંકુશમાં જ રાખવી જોઈએ, વંશ વધારવા એક દીકરો તો હોવો જ જોઈએ, દીકરો ઘડપણની લાકડી કહેવાય વગેરે. આ માન્યતા જાણી અજાણી રીતે જ આપણાં મનમાં ઘર કરી ગઈ છે. આપણે નાનપણમાં (મોબાઈલ કે કાર્ટૂન ન્હોતા તે સમયમાં) એવી જ વાર્તાઓ વાંચી છે કે, જેમાં ભાઈ ક્રિકેટ રમતો હોય અને બહેન ઘરમાં વાસણ ઘસતી કે કપડાં ધોતી હોય અથવા પપ્પા અને ભાઈ બજારમાં ગયા હોય અને દીકરી માતા સાથે રસોડામાં કામ કરતી હોય. જે મોટાભાગનાં ઘરોમાં બનતું પણ ખરું. પણ હવે સમય બદલાયો છે. આજે સમાજમાં શિક્ષણ અને સમજણનું પ્રમાણ વધ્યું છે. સાથે દીકરીઓને પહેલા કરતા વધુ છૂટ-છાટ મળી રહી છે અને શિક્ષણ સહિત લગભગ દરેક વ્યાવસાયિક કામમાં પણ દીકરીઓ આગળ વધી રહી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે, હજી માણસની માનસિકતા પૂરેપૂરી બદલાઈ નથી. આજે પણ અવાર-નવાર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાતનાં કિસ્સા સામે આવી રહ્યા છે.


 

 

 

 

 

મારી દીકરીને તો હું દીકરા જેવી જ ગણું છું!

મેરાન્યૂઝ દ્વારા અનેક માતા-પિતા સાથે વાત કરી જેમાં એવું જાણવા મળે છે કે, દીકરી દિકરા કરતા વધુ લાગણીશીલ હોય છે. ઘણા ઘરોમાં દીકરી અને દિકરા વચ્ચે કોઈ જ ભેદ રાખવામાં નથી આવતો એ બહુ જ સારી વાત છે. મારે દીકરી તો છે જ પરંતુ ઘરમાં એક દિકરો તો હોવો જ જોઈએ. એવું પણ ઘણા લોકો માને છે. ઘણા લોકો કહે છે ‘મારી દીકરીને તો હું દિકરા જેવી જ ગણું છું.’ અરે, આમ બોલીને જ તમે દિકરાને દીકરી કરતા ચઢિયાતો ગણતા હોવાનું ફલિત થાય છે.

દીકરીને તો આપણે લક્ષ્મી જ કહીએ છીએ, સરસ્વતી કેવી રીતે કહેવાય?

દીકરીને લક્ષ્મી કહેવાની પ્રથા ખૂબ જ પ્રચલિત છે. એ એક સારી વાત છે પણ એક દીકરીના આગમનથી ઘરમાં જાણી અજાણી રીતે ઘણી વિદ્યા પણ આવતી હોય છે. જેને આપણે સાદી ભાષામાં શિસ્ત કહીએ છીએ. જેમ કે, દીકરી ઘરમાં હોય ત્યારે અમુક પ્રકારનું વર્તન ન કરવું અથવા અમુક પ્રકારની ભાષા ન બોલાવી જોઈએ એવું માનવામાં આવે છે. દીકરી સાથે હોય ત્યારે અમુક જગ્યાએ જવાનું અથવા અમુક રસ્તેથી નીકળવાનું ટાળવું જોઈએ. બની શકે કે, આની પાછળ કોઈ પ્રકારનો ડર રહેલો હોય. અંતે તે આપણને શીખવે તો એ જ છે જે આપણે વિદ્યાપ્રાપ્તિ દ્વારા શીખીએ છીએ. તો એને સરસ્વતી પણ કહી શકાયને?

કોઈની પણ દીકરી એ દીકરી જ છે.

આપણાં ઘરની કે કુટુંબની દીકરીને જેટલાં માન અને સમ્માન આપીએ એટલાં જ અન્યોની દીકરીને પણ આપવાં જોઈએ. આ એક આદર્શ વાત છે. પણ શું ખરેખર આવું બને છે? આ પ્રશ્ન એટલા માટે થાય છે કે, આજના સોશિયલ મીડિયાના યુગમાં ઘણીવાર આપણી સામે એવા બનાવો આવે છે, જે આપણાં હ્રદયને હચમચાવી મુકે છે. કોઈ શારીરિક શોષણ અથવા બળાત્કારનો ભોગ બનેલી દીકરીની તસવીરો અને નામ સહિતની અનેક વિગતો સોશિયલ મીડિયામાં 4G કરતા વધુ સ્પીડથી વાયરલ થવા લાગે છે. કોઈ હિરોઈન કે સેલિબ્રિટીની તસવીર કે વીડિયો પર અભદ્ર કમેન્ટ્સ કરવામાં આવે છે. નૃત્ય કે અભિનય જેને આપણે “કલા” કહીએ છીએ તેવી કલા પ્રદર્શિત કરતી દીકરીને પણ ઘણી વાર અશ્લીલ કે અભદ્ર કહેવામાં આવે છે. કલા અભદ્ર કઈ રીતે હોઈ શકે? એ શારીરિક શોષણ અથવા બળાત્કારનો ભોગ બનનાર કે કલાકાર પણ એક દીકરી જ છે જે આપણે ન ભૂલવું જોઈએ.


 

 

 

 

 

દીકરી એટલે જવાબદારી!

ઘણા લોકો કહે છે દીકરી એટલે એક બહુ જ મોટી જવાબદારી. તેઓને સવાલ કરવાનું મન થાય કે, શું દીકરો એ પણ એક જવાબદારી નથી? એક દીકરીને જન્મથી લઈને મોટી કરવામાં માતા-પિતાએ જે યોગદાન આપવું પડતું હોય છે એ જ દીકરાને મોટો કરવામાં પણ આપવું પડે છે.

મણિ તો ખરેખર ‘મણી’ છે! – ગાંધીજી

આપણે શ્રેષ્ઠ દીકરીઓના ઉદાહરણ ઘણા લઈ શકીએ. ભારતના લોહપુરુષ સરદાર પટેલના પુત્રી “મણિબહેન” જેઓ આજીવન કુંવારાં રહ્યાં અને હમેશા પિતાના P.A. તરીકે કામ કર્યું. પિતાના અવસાન બાદ પણ તેઓ પિતાના આદર્શો પર જ ચાલ્યાં. મહાત્મા ગાંધીએ પણ તેઓનાં વખાણ કરતા કહ્યું છે કે, “મણિ તો ખરેખર ‘મણી’ છે” ગાંધીજીએ પણ તેમના આશ્રમમાં રહેતા દૂધાભાઈની દીકરી “લક્ષ્મી”ને દત્તક લીધી હતી.

સહુને એક સવાલ (જવાબ જરૂરી નથી)

આમ તો આપણે સહુએ દિકરો-દીકરી એક સમાન એવી વિચારધારા કેટલાયે દાયકાથી અપનાવી છે. એ આપણાં મનમાં પણ છે. ત્યારે એક સવાલ આપણે આપણી જાતને જ કરવાનો છે. જેનો જવાબ કોઈનેય આપવાની જરૂર નથી. પણ શું એનું ઇમ્પ્લિમેન્ટ બરાબર થઈ રહ્યું છે? જો જવાબ ના હોય તો એના માટે માત્ર દૃઢ સંકલ્પ કરવાની જરૂર છે અને એવરી ડે ડોટર્સ ડે બનાવવાની જરૂર છે.

जरा सी आहट पर जाग जाता है वह रातो को
ए खुदा गरीब को बेटी दे, तो दरवाजा भी दे।

        આ અજ્ઞાત શાયરનો શેર ઘણું કહી જાય છે. કોઈ ડિસ્ક્રિપ્શનની જરૂર નથી.