પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ):  9  નવેમ્બર 2016 meranews નો જન્મ થયો, અનેક મોટા અને જુના ખેલાડીઓ વચ્ચે તેને પોતાની ઓળખ ઉભી કરવાની હતી,  meranewsની ટીમમાં લગભગ નવા જ સાથીઓ પોર્ટલનો અનુભવ નહી બરાબર હતો, પણ મનમાં જુસ્સો કઈક નવુ કરવાનો હતો, આમ તો મારો પરિચય  meranewsના માલિકો સાથે 2015માં થયો, તેમને ગુજરાતમાં એક નવા પ્રકારનું પત્રકારત્વ કરવુ હતુ, જો કે પત્રકારત્વનો તેમનો વિષય અને અનુભવ બંન્ને ન્હોતા, એક વર્ષની લાંબી માનસીક મથામણ પછી નક્કી થયુ કે આપણે  meranews નામનું ગુજરાતી પોર્ટલ શરૂ કરીએ અને 9 નવેમ્બર 2016માં તેનો પ્રારંભ થયો, માલિકોની એક શરત હતી, અમારા નામ ગુપ્ત રહેશે, કારણ અમે તે પ્રકારનું પત્રકારત્વ શરૂ કરવા માગીએ છીએ તેનો અમારે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ લાભ લેવો નથી, છતાં પત્રકારત્વ આકરૂ જરૂર હશે તેના કારણે અમને અને આમારા વ્યવસાયને નુકશાન થાય તે પણ અમને પરવડે તેમ નથી આવા માલિકો નસીબે જ મળે છે.

આ સમાચાર છાપો અથવા આ સમાચાર રોકો તેવી કોઈ પણ સુચના વગર પત્રકારત્વ કરવા મળે તો મને લાગે છે કે એક પત્રકારના જીવનમાં તે જીવનનો સુર્વણકાળ હોય છે, અનેકો  હકારાત્મક સ્ટોરી પણ કરી, પણ અનેકો સ્ટોરી સરકારનો કાન પકડનારી હતી, કારણ અમને રોકનાર અને ટોકનાર કોઈ ન્હોતુ, કોઈ પણ શાસન માટે સત્ય લખનાર પત્રકાર તેનો વિરોધી છે તેવુ માની લેવામાં આવે છે, અમે પક્ષના વાડાથી દુર રહ્યા પરંતુ શાસક પક્ષે અમને વિરોધી માની લીધા હતા, એટલે સરકારની તપાસનો દૌર શરૂ થયો, સરકાર અમારી આર્થિક હેસીયત જાણતી હતી, સરકારને ખબર હતી કે આ પ્રકારનું પોર્ટલ ચલાવવા માટે જે આર્થિક વ્યવસ્થા જોઈએ તે અમારી પાસે ન્હોતી, સરકાર તો આખરે સરકાર હોય છે,  meranewsના માલિકોની વિગતો અને વ્યસાયની માહિતી પહોંચી ગઈ

Advertisement


 

 

 

 

 

એક તબક્કો એવો આવ્યો કે  meranewsના માલિકો સામે તેમના વ્યકિગત વ્યવસાય સંબંધી એક પછી એખ કેસ થવા લાગ્યો, અનેક માનસીક અને શારિરીક યાતનાઓમાંથી તેઓ પસાર થયા, વાંક તેમનો એટલો જ કે તેમણે એક ડર વગરના પત્રકારત્વનો અવકાશ ઉભો થયો, આપણી રાજકિય વિટંબણા એવી છે કે જે પક્ષ વિરોધ પક્ષમાં હોય ત્યારે પ્રમાણિક પત્રકારત્વની અપેક્ષા રાખે છે અને તે જ પક્ષ જયારે શાસક બને છે ત્યારે પ્રમાણિક પત્રકારત્વ કઠે છે. આખરે થાકી  meranewsના માલિકોએ ડિસેમ્બર 2018માં  meranews બંધ કરવાનો નિર્ણય કર્યો અમારી માટે આધાતજનક બાબત હતી, વાત માત્ર અમારી રોજગારીની ન્હોતી, પણ લાંબા સમય પછી ગુજરાતી પત્રકારત્વ ખુલ્લા આકાશ જેવી મોકળાશ મળી હતી તે છીનવાઈ જવાની હતી.

હું પણ વ્યકિતગત રીતે દુખી હતો, ટુંકા સમયગાળામાં અમે લાંખો વાંચકો અહેસાસ અપાવી શકયા હતા કે અમે તમારા અને તમે અમારા છો, મારા સાથીઓને પણ ઘર પરિવાર હતો, હવે અમારે બધાએ એક નવી સફર શરૂ કરવાની હતી, પણ કુદરત પણ કયારેક કમાલ કરે છે, હું વ્યથીત હ્રદયે મારા સાથીઓ પાસે પહોંચ્યો, મેં માલિકોની વ્યથા, અને તેમના નિર્ણયની જાણ કરી ત્યારે જવાબ મળ્યો આપણે વગર પગારે કામ કરીશુ, હું તેમની સામે જોઈ રહ્યો, કારણ બોલવુ સહેલુ હોય છે જીવવુ અઘરૂ હોય છે, એકાદ બે મહિનાની વાત ન્હોતી સફર લાંબી હતી, કયારે અને કયાંથી મદદ આવશે તેની ખબર ન્હોતી, મારી આંખો વાંચી તેમણે જવાબ આપ્યો આપણે  meranewsને જીવાડવા બીજી નોકરી કરીશુ અને અહિયા વગર પગારે કામ કરીશુ, બહુ મોટો નિર્ણય હતો.

Advertisement


 

 

 

 

 

પણ વગર પગારે નોકરીની શરૂઆત થઈ, અમારી પાસે પૈસા નથી તેવી ખબર પડી ત્યારે સામાન્ય રીતે સાથે ઉભા રહેલા માણસો ભાગી જાય પણ તેના કરતા વિપરીત થયુ ગુજરાતના પત્રકાર સાથીઓએ અમને કહ્યુ અમે  meranews માટે કોઈ પણ પ્રકારના માનધનની અપેક્ષા વગર લખીશુ, આ ઈશ્વરની મોટી મદદ અને આશીર્વાદ હતો,, છેલ્લાં ત્રણ વર્ષથી  meranews આ પ્રકારે જ ચાલે છે, આજે સફર પાંચ વર્ષ પુરા કરે છે માર્ગમાં અવરોધ છે પણ અવરોધ દુર કરનાર સાથીઓની મદદ કદરને પાત્ર છે, આ સફર દરમિયાન અનેક સાથીઓ આવ્યા અને ગયા પણ તેઓ આજે પણ અમારી સાથે છે. હું પાંચ વર્ષ પુરા કરવા માટે માલિકો, મારા સાથીઓ અને અમને પ્રેમ કરનાર અને ઘૃણા કરનાર તમામનો આભારી છુ, અમને પસંદ નહી કરનારનો એટલે વિશેષ આભાર કારણ તેમણે અમને સતત અમારી જાત તપાસની તક આપી છે, કોઈને વ્યકિતગત નુકશાન પહોંચાડવાનો અને દુખી કરવાનો અમારો ઈરાદો ન્હોતો છતાં સંભવ છે તેવુ બન્યુ જ હશે તે તેમની પણ ક્ષમાયાચના છે. આખી સફર તો ત્યારે જ મઝાની બની જયારે લાખો  વાંચકો અમારી સાથે જોડાયા, અમે રોજ પ્રયત્ન કરીએ છીએ કે વાંચકોની અપેક્ષામાં ખરા ઉતરીએ.

ખબર નથી આ વિકટ પરિસ્થિતિમાં હું અને મારા સાથીઓ કયાં સુધી કામ કરીશુ, પણ ઈશ્વરમાં ભરોસો છે કયારેક કોઈ દરવાજો ખુલશે, અમારી હિમંત અને જુસ્સો આમ જ જળવાઈ રહે તે માટે તમે ઈશ્વરને અમારી માટે પ્રાર્થના કરશો, કયારેક થાક પણ લાગે અને નિરાશા પણ આવે પણ થાક અને નિરાશા અમને પરવડે તેમ નથી કારણ અમારી સમસ્યા કરતા લોકોની સમસ્યા વધારે મોટી છે, જેઓ પણ એક આદર્શ પત્રકારત્વ કરવા માગે છે તેમને મન જતા પહેલા એક એક માણસના જીવનમાં સારૂ થાય તેવુ કઈક કરવાની છે, તેવો જ એક નાનકડો પ્રયાસ અમે પણ કરી રહ્યા છીએ બસ આજે આટલુ જ.