પ્રિય દોસ્ત મેરાન્યૂઝ

તા 9 નવેમ્બર 2016નો દિવસ અમે બધા ખુશ હતા કારણ તારી (મેરાન્યૂઝ) સાથે અમારી જીંદગીની નવી સફર શરૂ થવાની હતી. તારા જન્મ પહેલા અમે ખુબ તૈયારીઓ કરી હતી. અમારા મનમાં ખુબ ઉત્સાહ હતો. તારા રંગ, તારા આકાર અને તારા સ્વભાવને લઈ અમે રાત દિવસ વિચારતા અને કામ કરતા, કયારેક એવું પણ થતું અમે તારી જે કલ્પના કરી હતી, તેને સ્વરૂપ આપતા અને પછી નદીની રેતમાં બાળક પોતે જ બનાવેલા ઘરને તોડી નાખે તેવું પણ કર્યું. તને ઉત્તમ બનાવવો હતો, તેના માટે અમારા ઘણા સાથીઓ મહેનત કરતા હતા, તેના કેટલા નામ ગણાવું તને જન્મ આપતા પહેલા અને તારા ઉછેરમાં કેટલા સાથીઓ મહેનત કરી છે.

દોસ્ત તારો જન્મ થયો તે દિવસે અમે ખુબ રાજી હતા, કારણ અમે હમણાં સુધી બધા સાથીઓએ કયાંકને કયાંક નોકરી કરી હતી, અમારી નીસ્બત અમારો પગાર હતો, પણ તારી સાથે અમારો નાતો કાંઈક જુદો હતો. કારણ તું અમારૂ સર્જન હતો, આજે જેવો છે તેવો ત્યારે ન્હોતો, અમે રોજબરોજ તારા વ્યવહાર અને સમજમાં ફેરફાર કરતા રહ્યા ખરેખર તો તું જેવો હતો, તે અમારી કલ્પના હતી, એટલે તું ચાલતો થયો પછી તારી સાથે પ્રયોગ કરતા રહ્યા, પરિચીત અને અપરિચીતો તારા વખાણ કરતા ત્યારે અમારી છાતી ગજગજ ફુલતી હતી, કારણ તું અમારો છે અને અમારો રહીશ. પોર્ટલની દુનિયામાં ઘણા ખેલાડીઓ હતા અને મોટા ભાગના મોટા ગજાના ખેલાડીઓ હતા. તેમની વચ્ચે તને રજુ કરવામાં અમને ડર પણ લાગતો હતો. કારણ અમારી પાસે એટલા રૂપિયા અને વ્યવસ્થા ન્હોતી, પણ તું અમારી હિંમત હતો.


 

 

 

 

 

જ્યારે કોઈ અમને પુછતા કે, કેવું ચાલે છે મેરાન્યૂઝ?.. તો અમે જવાબ આપતા અમારૂ તો તે સંતાન છે દરેકને પોતાનું સંતાન તો ઉત્તમ જ લાગે, તમને કેવુ લાગે છે? તે મહત્વનું છે. આમ તો માધ્યમો સરકાર-પોલીસ-તંત્ર અને લોકોએ શું કરવાની સલાહ આપવાનું જ કામ કરતા હોય છે, લાંબો સમય અમે પણ તેવું જ કર્યું, પણ પછી તે અમને શીખવ્યું કે આપણું કામ માત્ર દંડો લઈ દંડવાનું જ નથી, કયારેક આપણા સ્વભાવમાં નરમાશ, ક્યારેક કઠોરતા પણ હોય પણ કઠોરતામાં બદલો દેવાની નહીં પણ બદલાવની ભાવના હોય. અમને ખબર છે અમે અનેક વખત ભુલ પણ કરી છતાં તે અમને અમારી ભુલ બતાડી અને જીવનને નવો ડાયવર્ઝન પણ આપ્યો. તારા કારણે સરકારો નારાજ પણ થઈ, પણ તારો ઈરાદો કોઈને નારાજ કરવાનો ન્હોતો. તારૂ કામ તો લોકોના પ્રશ્ન તરફ સરકારનું ધ્યાન દોરવાનો હતો.

થોડાક મિત્રોની નારાજગી વચ્ચે તને પ્રેમ કરનારા મિત્રોની સંખ્યા લાખોની સંખ્યામાં પહોંચી ગઈ છે. જેઓ નારાજ છે તેઓ પણ તને પ્રેમ કરતા થઈ જાય તેવો પ્રયાસ અને મનનો ભાવ છે. લાખો લોકો જ્યારે તને વાંચતા હોય ત્યારે અમને ગૌરવ થવું સ્વભાવીક છે પણ દરેક દિવસ સરખો હોતો નથી, તારા સર્જનમાં જેમનો અમને સહયોગ મળ્યો, તેવા મિત્રોને તારા કારણે પરેશાન થવાનો પણ વખત આવ્યો હતો. તને જે મિત્રો પસંદ કરતા ન્હોતાા, તેમણે તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. છતાં તે મિત્રો પોતાની લડાઈ મહિનાઓ સુધી લડયા અને તેમની પણ મર્યાદાઓ આવી, તેઓ થાકી ગયા. તેમણે બે વર્ષ પહેલા અમને કહ્યું કે હવે અમે મેરાન્યૂઝની સફરના સાથી રહી શકીએ તેમ નથી. અમે બધા નિરાશા થઈ ગયા હતા, કારણ હવે તારી સાથેની સફર અધુરી છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ જ ન્હોતો.

પણ દોસ્ત અમને એક વિચાર આવ્યો, અમે સાથે કામ કરનાર સાથીઓમાં કોઈ પાંચ તો કોઈ દસ અને મારા જેવો માણસ પત્રકારત્વમાં ત્રીસ વર્ષ પસાર કરી નાખ્યા હતા, પણ બે વર્ષની નાનકડી સફરમાં તે જે અમને આપ્યું અને તારી પાસેથી અમે જે શીખ્યા તેને શબ્દોમાં કહી શકતા નથી, અમે ખુબ નાના માણસ છીએ, અમારે પણ પરિવાર અને રોજબરોજના ખર્ચાઓ છે ત્યારે તારો ઉછેર કેવી રીતે કરવો તે મોટો પ્રશ્ન હતો, પણ એક નાનકડો વિચાર આવ્યો, જે બાળક (મેરાન્યૂઝ)ને આપણે જન્મ આપ્યો તેને આમ વેરાન રસ્તે છોડી જતા રહીશું ? સવાલ બે ટંકના રોટલાનો હતો... જે ખુબ જ મોટો હતો. પણ જે ઈશ્વર આકાશમાં ઉડતા પંખીઓના દાણાની વ્યવસ્થાની કરે, તે આપણી કરશે કે નહીં... અને અમે પગાર નહીં મળે તો કાંઈ નહીં, તારી સાથેની સફર આગળ વધારવોનો નિર્ણય કર્યો.


 

 

 

 

 

દોસ્ત મેરાન્યૂઝ સાચુ કહું તો તે અમને જે ખુબ આપ્યું છે, પણ તેની સાથે એવા સાથીઓ અમને આપ્યા છે કે જેમને છેલ્લાં બે વર્ષથી પગાર મળ્યો નથી. કારણ આવક શૂન્ય છે છતાં તેમની અંદર લડવાનો જુસ્સો અકબંધ છે. મને લાગે છે આવા સાથીઓ મળવા ઈશ્વરની કોઈ મોટી કૃપા અથવા ગયા જન્મના પુણ્ય છે. જ્યારે અમારી પાસે પૈસા નથી તેવી ખબર પડી ત્યારે અમારી સાથે એક પછી એક ઘણા સાથીઓનો ઉમેરો થતો ગયો. આ કોઈ નાનો સમય નથી હવે ચાર વર્ષ થઈ ગયા પણ તને જીવાડવામાં અમને અનેક મિત્રો મળતા ગયા. જ્યારે આપણો ખરાબ સમય હોય ત્યારે નબળી ક્ષણ પણ આવે, અમારી સામે પણ તેવો સમય આવ્યો છતાં ત્યારે પણ તારી શાખ ખરાબ થાય નહીં તેનું અમે ધ્યાન રાખવાનો પુરતો પ્રયાસ કર્યો છે. તારી ઉપર અનેક શંકાઓ અને આક્ષેપો પણ થયા પણ અમારી ઉપર ભરોસો રાખ અમે તને પ્રમાણિક રાખવાનો સદૈવ પ્રયત્ન કર્યો છે, તને પ્રમાણિક રહેવાનું છે તે વચન અમે બીજા કોઈને નહીં અમારી જાતને આપ્યું છે.

મેરાન્યૂઝ તું કોણ છે?, કોંગ્રેસી છે?, ભાજપી છે?, હિન્દુ છે?, હિન્દુ વિરોધી છે?, મુસ્લીમ વિરોધી છે?, આતંકવાદી તરફી છે?, અર્બન નકસલ છે?, તેવા અનેક સવાલ તને પુછવામાં આવ્યા અને શંકાઓ પણ થઈ, પણ તને કોઈ ઓળખી શક્યું જ નહીં કારણ તારે મન તો બધા જ માણસ છે. તારી વાતો અનેક વખત બહુજન સમાજ સમજી શકયો નહીં, કયારેક તો તારા પોતાના પણ નહીં, પણ તે નક્કી કર્યું હતું તારી પ્રસંશા થાય તારી ટીકા થાય તું કોઈને જવાબ આપીશ નહીં કારણ તારૂ કામ કોઈને રાજી કરવાનું અને દુઃખી કરવાનું નથી. તારો હેતુ એક એક માણસના જીવનમાં સારુ કરવાનો છે, સમય લાગશે... અમને ખબર છે આ લડાઈ સહેલી નથી, અમે કિંમત ચુકવી રહ્યા છીએ અને ચુકવીશું પણ આજે મેરાન્યૂઝ તને એટલું જ કહીશું... હેપી બર્થ ડે એન્ડ લવ યુ

તારો -



 

પ્રશાંત