મેરાન્યૂઝ નેટવર્ક.મોરબીઃ હળવદના ચુપણી ગામે અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે. બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા સત્યના પારખા કરવા જતાં મહિલા દાઝી ગઈ છે. બન્ને પરિવારે સામસામી અરજી કરતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

આજના શિક્ષિત યુગમાં હજુ પણ કયાંક અંધશ્રદ્ધા ધૂણી રહી છે.આવી જ એક અંધશ્રદ્ધાની ઘટના હળવદના ચુપણી ગામે પ્રકાશમાં આવી છે. જેમાં બે પાડોશી પરિવાર વચ્ચે વાડો કોનો છે તે નક્કી કરવા માટે સત્યના પારખા કરવા માટે એક મહિલાનો હાથ ઉકળતા તેલમાં નખાવતા તે મહિલા દાઝી ગઈ હતી. બે દિવસ પહેલા બનેલી આ અંધશ્રદ્ધાની ઘટનાની બન્ને પરિવારે સામસામી અરજી આપતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે. હળવદના ચુપણી ગામે બનેલી આ ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર ચુપણી ગામે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ બાજુ બાજુમાં રહે છે અને તેમના મકાનની બાજુમાં સરકારી જમીન પર વાડો આવેલો છે.

આ વાડાની માલિકી માટે રૈયાભાઈ ભરવાડ અને ગેલાભાઈ ભરવાડ વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પરમ દિવસે ગેલાભાઈના પુત્રએ આ વિવાદિત વાડામાં પોતાના પશુ બાંધતા રૈયાભાઈએ આ વાળો આમારો છે તેવું કહેતા બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારે વાડો કોનો છે તે અંગે ચાલતી કાયમી માથાકૂટનું નિરાકરણ લાવવા માટે રૈયાભાઈએ ઉકળતા તેલમાં હાથ નાખીને સત્યના પારખા કરવાનો ઉપાય સુચવ્યો હતો.

આથી સત્યના પારખા કરવા માટે ગેલાભાઈના પત્ની લક્ષમીબેને ઉકળતા તેલમાં હાથ નાખતા તેઓ દાઝી ગયા હતા. આ મહિલા હાથ અને પગે દાઝી ગયા છે પરમ દિવસે બનેલી આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર સમાજમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ છે અને આ બાબતે ગેલાભાઈએ હળવદ પોલીસમાં અરજી કરી હતી. આથી બચાવ માટે સામે રૈયાભાઈએ પણ હળવદ પોલીસમાં અરજી કરી હોવાનું જાણવા મળે છે. હળવદ પોલોસે બન્નેની સામસામી અરજી લઈને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના યુગમાં પણ ક્યાંક ને ક્યાંક આવી અંધશ્રદ્ધાની ઘટના બને છે. ત્યારે હળવદના ચુપણી ગામે વધુ એક ઘટના બની છે જેનાથી લોકોમાં આઘાતની લાગણી ફરી વળી છે. આ ઘટના સમગ્ર સાક્ષર સમાજ માટે લાલબત્તી સમાન છે અને ગુજરાતને બધી બાબતમાં નંબર વન ઘણાવતા લોકો માટે પણ આવા કિસ્સાઓ નવો પડકાર છે.