મેરાન્યૂઝ નેટવર્ક.હળવદ : શહેરમાં 10 દિવસ પહેલા 11 વર્ષનો માસુમ બાળક ગુમ થયાની ફરિયાદ નોંધાઇ છે. આ ઘટનાની તપાસ દરમિયાન સાવકી માતાએ જ એ માસૂમને નર્મદા કેનાલમાં ફેંકી દીધાનો ઘટસ્ફોટ થતાં ચકચાર મચી છે. જેના પગલે પોલીસ અને એનડીઆરએફની ટીમ દ્વારા હવે નર્મદા કેનાલમાં બાળકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મહામુસીબતે આખરે બાળકની લાશ મળી આવી હતી.

આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, હળવદમાં મોરબી-માળિયા ચોકડી પાસે આવેલા વિશાલ પેકેજીંગ નામના કારખાનામાં ડ્રાઈવર તરીકે કામ કરતા અને ત્યાં રહેતા જયેશ જયંતીભાઈ પ્રજાપતિનો 11 વર્ષનો પુત્ર ધૂ્રવ ઉર્ફે કાનો ગત તા.6ના રોજ અચાનક ગુમ થઈ જતાં શોધખોળનાં અંતે હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પરિણામે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલુ કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન લાપતા બાળકની માતા ભાવિષાબેનની પૂછતાછ કરતા પુત્ર મોરબી ગયો છે અને કેનાલમાં પડી ગયો છે. જેવા જુદા-જુદા જવાબો આપતા પોલીસને શંકા ગઈ હતી. આ ઉપરાંત અન્ય પૂછપરછમાં પણ પોલીસને ગોળ-ગોળ જવાબ આપતા અંતે આગવી ઢબે પૂછતાછ કરતા પોતે જ પુત્ર ધૂ્રવને કેનાલમાં ફેંકી દીધાની કબૂલાત આપતા પોલીસ ચોંકી ઊઠી હતી.

પોલીસ સમક્ષ કબૂલાતમાં તેણીએ જણાવ્યું કે, આઠેક વર્ષ પહેલાં જયેશ પ્રજાપતિ સાથે તેણીનાં લગ્ન થયા હતા. બંનેના બીજા લગ્ન છે. ધૂ્રવ જયેશની પહેલી પત્નીનો પુત્ર હતો. જેથી તેણી તેની સાવકી માતા હતી. બાદમાં બીજા લગ્નમાં પુત્ર થયો, જે હાલ છ વર્ષનો છે. જેથી પોતાનાં પુત્રને જ બધા હક્ક-અધિકાર અને પ્રેમ મળે એટલે પતિ જયેશની પહેલી પત્નીનાં પુત્ર ધુ્રવને ગત તા.6નાં રોજ નવડાવવાના બહાને નર્મદા કેનાલે લઈ જઈને પાણીમાં ફેંકી દીધો હતો. બાદમાં તે ગુમ થઈ ગયાની વાત ઉડાવી હતી. 

સાવકી માતાની આવી કબૂલાત મળતા જ હળવદનાં પીઆઈ દેકાવડિયા અને પીએસઆઈ રામાનુજે તુરંત રાજકોટથી NDRFની ટુકડીને બોલાવી નર્મદા કેનાલમાં બાળકની શોધખોળ હાથ ધરી હતી. જો કે, ગત મોડી સાંજ સુધી બાળકનો પત્તો લાગ્યો ન્હોતો તે બાળકની લાશ મળી આવી હતી. બીજી તરફ સાવકી માતા ભાવિષાબેન સામે ફરિયાદ દાખલ કરવા પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.