મેરાન્યૂઝ નેટવર્ક.ગુરદાસપુરઃ પંજાબના ગુરદાસપુરના બટાલામાં બુધવારે એક ફટાકડા ફેકટ્રીમાં આગ લાગ્યા પછી જોરદાર બ્લાસ્ટ થયો જેમાં અત્યાર સુધી 20 લોકોના મોત થયા છે અને અંદાજે 15 લોકો ઈજાગ્રસ્ત હોવાની માહિતી મળી છે. આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે કે અત્યારે પણ કાટમાળમાં કેટલાક લોકો ફસાયેલા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પરિજનો સામે સંવેદના વ્યક્ત કરી છે.

સિવિલ હોસ્પિટલ બટાલાના સીનિયર મેડિકલ ઓફિસર (ઈંચાર્જ) ડો. સંજીવ ભલ્લાએ એક મીડિયાને જણાવ્યું કે, અત્યાર સુધી 20 લાશો હોસ્પિટલ પહોંચી છે, 15 લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને હોસ્પિટલ લવાયા છે. જેમાંથી 5ને અમે અમૃતસર ગુરુનાનક મેડિકલ કોલેજ માટે રિફર કર્યા છે.

સતત આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. સ્થાનિકોનું કહેવું છે કે આસપાસ ધૂમાડો એટલો છે કે બચાવ કાર્ય કરનાર ટીમોને ભારે મુશકેલીઓમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સૂત્રોનું કહેવું છે કે 5 સપ્ટેમ્બરે એક લગ્નના કાર્યક્રમનું આયોજન હતું, જેને માટે ફેક્ટ્રીમાં ફટાકડા તૈયાર કરાઈ રહ્યા હતા. તે દરમિયાન આ ઘટના બની ગઈ. ભીષણ બ્લાસ્ટ બાદ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારી સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ આ ઘટના બાદ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે ડીસી અને એસએસપીના નેતૃત્વમાં બચાવ અભિયાન ચલાવાઈ રહ્યું છે.

ગુરુદાસપુર બેઠકના સાંસદ સની દેઓલે પણ ઘટનાને લઈને ટ્વીટ કર્યું કે, બટાલા ફેક્ટ્રીમાં બ્લાસ્ટના સમાચાર સાંભળીને દુઃખી છું. બચાવ કાર્યના માટે એનડીઆરએફની ટીમ અને સ્થાનીક તંત્ર સ્થળ પર પહોંચી ચુક્યું છે.