મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગાંધીનગર મુખ્યમંત્રી ઓફીસથી માત્ર ૧૪  કિમી દુર આવેલા જમિયતપુરા ગામ અને જ્યાં રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી તે રાજ્યની પેહલી સ્માર્ટ સ્કૂલ આજે ભંગાર હાલતમાં છે અને બાળકો ભયના નેજા હેઠળ અભ્યાસ કરી રહ્યા છે.  ૨૫,૪૪ની વસ્તી ધરાવતા આ ગામમાં પંચાયતે CCTV કેમેરા તો લગાવ્યા છે પણ સરકારી  એસ ટી બસ પણ આવતી નથી.  આ ગામ એ વાતનું ઉદાહરણ છે કે પોતાની ક્ષમતાએ આગળ વધતાં ગામની પણ રાજ્ય સરકાર દ્વારા ઉપેક્ષા કરવામાં આવે છે.

આનંદીબેન પટેલ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેઓએ સર્વપ્રથમ આ ગામમાં આવેલ સ્માર્ટ સ્કૂલની મુલકાત લીધી હતી. તે સમયે જીલ્લા કલેકટર સહીત અન્ય અધિકારીઓ સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટ માટે આ ગામમાં આવ્યા હતા જ્યાં બાળકોને સીધું દિલ્લીથી ‘સ્માર્ટ લર્નિંગ’ શીખવવામાં આવે, પણ આજે આજ જ સ્કૂલની સ્થિતિ એકદમ બદતર હાલતમાં છે. સ્કૂલનું બિલ્ડીંગ અત્યંત કફોળી સ્થિતિમાં છે.

કોઈ મોટી દુર્ઘટના બને એના એંધાણ સ્કૂલના મકાનમાં જ જોઈ શકાય છે.  જેમાં બીમ નીચેના ભાગ તૂટી ગયા છે, પ્લાસ્ટર ઉખડી ગયું છે અને સળિયા પણ દેખાઈ રહ્યા છે. આ બાબતે જમિયતપુરા ગ્રામ પંચાયત દ્વારા ચાર વર્ષ પેહલા રજૂઆત કરવામાં આવી હતી અને આ સ્કૂલને તોડી નાખવાનો ઓર્ડર પણ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો હોવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી.  આ સ્કૂલમાં ધોરણ ૧થી ૮ ધોરણના બાળકો અભ્યાસ કરે છે જેમાં દરેક ક્લાસરૂમમાં સ્માર્ટ લર્નિંગ સીસ્ટમ ગોઠવેલી છે.

ગામના આગેવાન ચેતનજી ઠાકોરે જણાવ્યું કે, અમે વારંવાર રજૂઆત કરી છે, અમારા પિતા જે ગામના સરપંચ છે એમણે પંચાયત તરફથી એ પણ જાણ કરી છે કે, સ્કૂલનુંમાં કેટલાક વર્ષોથી ભયજનક હાલતમાં છે અને તેણે તોડીને નવું મકાન બનાવવામાં આવે. ગ્રામ પંચાયત તરફથી આ સમય દરમિયાન બાળકોના શિક્ષણ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું જાણવવામાં આવ્યું છે છતાં સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવતા નથી. આ કારણે બાળકો અને શિક્ષકો ભય હેઠળ સ્કૂલમાં રહે છે અને મકાનની પરીસ્થિતિ  એટલી ગંભીર એનું કારણ એ પણ છે કે, આ સ્કૂલ ૧૯૧૦માં બની હતી.