મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતમાં હાલ ટ્રાફીકની સમસ્યા એક માથાનો દુઃખાવો બની ગઈ છે. ટ્રાફીકને કારણે લોકો જેટલા પરેશાન છે તેનાથી થોડી ગણી સરકાર પણ પરેશાન છે, જોકે સરકારની ગંભીરતા લોકો જોઈ પણ શકે છે. રોડ રસ્તા, ટ્રાફીકના નિયમો વગેરે રીતે. જોકે દિવસેને દિવસે જેમ નવાનવા વાહનો રસ્તા પર ઉતરતા જાય છે તેમ તેમ વધુ વકરતી ટ્રાફીકની સમસ્યા છતાં ગુજરાતીઓ વાહન ખરીદવામાં ક્યાંય પાછા પડે તેમ નથી. દેશભરમાં ગુજરાત વસ્તીના ધોરણે નંબર વન પર છે. તેના પછી તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તે પછી ઉત્તરપ્રદેશનો વારો આવે છે.

રાજયમાં દર 1000 નાગરિકો દીઠ 450 વાહનો છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ વાહનોનું આંકડાકીય વિશ્ર્લેષણ કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં વસતીના આધારે વાહનોની સૌથી વધુ સંખ્યા ગુજરાતમાં હોવાનું દર્શાવાયું છે. 31મી ડિસેમ્બર 2019 સુધીની વાહનોની આંકડાકીય માહિતીના આધારે રિપોર્ટ તૈયાર થયો છે. એવું પણ નથી કે ગુજરાત હાલ જ નંબર વન થયું છે, માત્ર 2019 જ નહીં, છેલ્લા પાંચ વર્ષથી વાહનોની સંખ્યામાં ગુજરાતમાં ટોચ પર છે.

સ્વાભાવીક છે કે ગુજરાતીઓ આમેય જાહેર પરિવહન કરતાં પોતાનું વાહન લઈને જવાનું વધુ પસંદ કરતાં હોય છે. કે જેને કારણે જ્યાં જવું હોય ત્યાં મુક્ત પણે અને પોતાના સમયે સગવળે જઈ શકે. ગુજરાતીઓની આ માનસિક્તા પણ વાહનોની ખરીદી પાછળ કારણભૂત બને તેમ છે.

દેશમાં બીજો ક્રમ તમીલનાડુનો છે. જયાં 1000 માણસોએ 445 વાહનો છે. કર્ણાટકમાં 372, મહારાષ્ટ્રમાં 335 તથા ઉતરપ્રદેશમાં 190 વાહનો છે. નિષ્ણાંતોએ એવો સૂર દર્શાવ્યો છે કે શહેરોમાં નબળી પબ્લીક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, ગામડાઓમાં ઓછી બસ સુવિધા તથા વ્યક્તિગત ધોરણે વાહનો રાખવાની માનસિકતાને કારણે ગુજરાતમાં વાહનોની સંખ્યા વધુ છે.

સમગ્ર ભારતમાં વાહનોની કુલ સંખ્યા 31.72 કરોડ છે. તેમાંથી 49 ટકા વાહનો માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક અને તમીલનાડુ એવા પાંચ રાજયોમાં છે.સૌથી વધુ 11.99 ટકા વાહનો મહારાષ્ટ્રમાં છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં 11.38 ટકા, તમીલનાડુમાં 10-11 ટકા, ગુજરાતમાં 8.54 ટકા તથા કર્ણાટકમાં 7.19 ટકા છે. પરિવહન મંત્રાલયની 2017ની ‘પર-બુક’માં એમ દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 2.21 કરોડ રજીસ્ટર્ડ વાહનો છે તેમાંથી બે કરોડ નોન-કોમર્સીયલ અર્થાત ખાનગી વાહનો છે. 25.28 લાખ કાર છે. 2017 થી 2019ના ત્રણ વર્ષમાં નવા 51 વાહનોનો ઉમેરો થયો છે.

માર્ગ સલામતી ક્ષેત્રના નિષ્ણાંતો, જો કે, એવી ટકોર કરી રહ્યા છે કે ખાનગી વાહનોની વધતી સંખ્યા જાહેર પરિવહન સેવાની નિષ્ફળતાનો પુરાવો છે. ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં બીઆરટીએસ તથા સીટી બસ સેવા ઉપલબ્ધ છે. મહાનગરો કરતા કામકાજના સ્થળોનું તર પ્રમાણમાં ઓછું છે એટલે લોકો ખાનગી વાહનોમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.
શહેરમાં બીઆરટીએસની શરુઆત પુર્વે અંદાજે આઠ લાખ લોકો સીટીબસનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સીટીબસ તથા બીઆરટીએસનો ઉપયોગ કરનારાની સંખ્યા ઘટીને 6.50 લાખ થઈ ગઈ છે. આ સિવાય મોટાભાગના ગામડાઓમાં બસ સેવા દૈનિક એક કે બે વખત જ મળે છે. પરિણામે લોકોને ફરજીયાતપણે ખાનગી વાહનો વાપરવા પડે છે. શહેરોમાં પણ બસ માટે 10-15 મીનીટની રાહ જોવી પડે છે. તેટલીવારમાં છ કીમીનું અંતર કપાઈ શકે છે. લોકો સમય બગાડવા તૈયાર થતા નથી. બસોની સંખ્યા પણ તેના ઓપ્શન વધતાં ઓછી થવા લાગી છે. હજુ ગણા ગામડાઓમાં લોકો બસ લેવા વલખા મારે છે.