તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ): મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી સમયે પ્રધાનસેવક મોદી અને ગૃહમંત્રીએ જાહેરાત કરી હતી કે સાવરકરને ભારત રત્ન એનાયત કરવામાં આવશે. જે વાતને કારણે દેશભરમાં બુમરાણ મચી હતી કે અંગ્રેજોને માફીનામુ આપનાર સાવરકરને ભારત મળે તો ભગતસિંહ, સુખદેવ અને રાજ્યગુરૂ કે જેમને હસતા મોંઢે ફાંસીના માંચડે ચડવાનું સ્વીકાર્યું તેમને ભારત રત્ન કેમ નહીં? જેના માટે રાજકોટના હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિયેશન ગ્રુપે દેશભરમાંથી ૧ લાખ કરતા વધું પોસ્ટકાર્ડ પ્રધાનસેવક મોદીને ભગતસિંહ સહિતનાને ભારતરત્ન અપાવવા લખ્યા છે. જેના ભાગ રૂપે આજે રવિવારે રાજકોટમાં ભગતસિંહને ભારત રત્ન રેલી કાઢવામાં આવી હતી. 

હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન સોસિયેશન ગ્રુપ રાજકોટની માંગણી છે કે દેશ માટે લડીને જીવ આપી ચૂકેલા ક્રાંતિકારીઓને ભારતરત્ન મળવું જ જોઈએ.  રાજકારણના ભોગે આઝાદી માટેની લડતમાં ન્યોછાવર થયેલા અને આઝાદીના સ્વપ્નને કાજે અંગ્રેજો સામે લડત ચલાવી ફાંસીના માંચડે ચડેલા ક્રાંતિવિરોને આઝાદી પછી પણ ન્યાય મળ્યો નથી. આ ગ્રુપના પ્રમુખ દિપક બોરીચા જણાવે છે કે "અંદમાનની જેલમાંથી અંગ્રેજોને માફીનામા લખનારા અને અંગ્રેજોની મદદ કરવા માટે લેખિત તૈયારી દાખવનાર સાવરકારને જો ભારત રત્ન મળે તો, અંગ્રેજો સામે ક્યારેય નહીં ઝુકનારા આ ત્રણેય ક્રાંતિવિરોને કેમ નહીં ?"

આ ગ્રુપનાં નેજા હેઠળ ચાલતી ભારત રત્નની રજૂઆતમાં ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, અને આંધ્રપ્રદેશના યુવાનો અને નેતાઓ જોડ્યા છે. પંજાબના આમ આદમી પાર્ટીના વિરોધપક્ષના નેતા હરપાલસિંહ ચીમા સહિતના ધારાસભ્યોએ જણાવ્યું છે કે "અમે આ ક્રાંતિવિરોનાં ભારત રત્ન માટે સમર્થન આપીએ છીએ." હરપાલસિંહ વધુમાં જણાવે છે કે " ગ્રુપનો ખૂબ ધન્યવાદ છે. અમારે (પંજાબ) જે માંગણી કરવાની હોય તે ગુજરાતના આ ગ્રુપે ઉઠાવી છે. જો તેમની માંગણી સ્વીકારી આ ત્રણેય ક્રાંતિવિરોને ભારત રત્ન નહીં મળે તો અમે પંજાબ વિધાનસભામાં આ મુદ્દે લડત આપીશું."