મિલન ઠક્કર (મેરાન્યૂઝ અમદાવાદ): અમદાવાદમાં જ બનેલી ગુજરાતી વેબ સિરીઝ ‘બસ ચા સુધી’ સિઝન-૩નું આજે સોમવારે અમદાવાદ એ.એમ.એ. ખાતે ટ્રેલર લોંચ કરવામાં આવ્યું હતું. (ટ્રેલરની લિંક અંતમાં આપેલી છે). હાલ ગુજરાતી કલાકારોમાં વેબ સીરિઝનું ચલણ વધ્યું છે. ખાસ કરીને લો બજેટમાં થતી મોટી કમાણી પણ તેનો ભાગ હોઈ શકે છે.

‘બસ ચા સુધી સફર’ સિઝન-3 શું છે? એ વિશે લેખકે જણાવ્યું હતું કે, ‘બસ ચા સુધીની સફર’માં અત્યાર સુધી એક છોકરા કે છોકરીની ચા સાથને વાત કે વાર્તા હતી. આ વખતે કંઈક અલગ છે અમારા પાત્રો દર્શન, મોનલ અને ભૂમિકા ચાના બહાને કે ચાની સાક્ષીમાં પ્રેમ, મિત્રતા, ગુસ્સો, સમર્પણ જેવી લાગણીઓ સમજવાનો સફળ અથવા નિષ્ફળ પ્રયાસ કરે છે. કોણ કેટલા હદે સાચું છે કે ખોટું છે કે દરેક પોતપોતાની રીતે સાચા છે આ બધુ ચા ને તો ખબર જ છે.

‘બસ ચા સુધીની સફર’ પ્રોડ્યુસર જય વ્યાસે કહ્યું કે, બસ ચા સુધીની સફરની શરુઆત એક પ્રાયોગાત્મક ધોરણે થઈ હતી. શરૂથી શરૂ કરીએ તો સિઝન વન માટે ટીમમાં જોડાયેલા દરેકનો પ્રોફેશનલ લેવલે આ ફર્સ્ટ અટેમ્પ્ટ હતો ત્યારે કોઈએ પણ બસ ચા સુધીની સફળતાની કલ્પના કરી ન્હોતી. પછી એ રાઈટર, પ્રોડ્યુસર કે ડિરેકટર હોય. દરેકનો ધ્યેય પોતાનું બેસ્ટ આપવાનો રહ્યો હતો. રાઈટરના એક આઈડિયા પર વિશ્વાસ મુકીને બેસ્ટ કેમ કરી શકાય એ કર્યું. પ્રોડક્શન ડિરેક્ટરે કેમેરામાં કલ્પનાઓને સરસ રીતે કંડારી અને ચાને મધમીઠી બનાવવાનો પ્રયત્ન કર્યો. એના સુરીલા સંગીત અને બન્ને એક્ટર પાત્રોને સમજીને જીવી ગયાં.

આ સીરિઝના બજેટ વિષે પુછવામાં આવતાં હિરેન દોશીએ જણાવ્યું હતું કે આ સિરીઝમાં કુલ ૯ એપિસોડ છે. જેનું એવરેજ બજેટ ૧-૧ લાખ રૂપિયા છે અને કોઈ પણ પ્રકારની અપેક્ષાઓ વિના દર્શકોને પીરસી દેવામાં આવ્યા છે.

સફરની શરૂઆત વિષે ટીમે જણાવ્યું હતું કે, સિઝન-૧ દરેકની ધારણા બહાર લોકોને ખૂબ જ પસંદ પડી. આ રીતે સફરની શરૂઆત થઈ. પહેલી સિઝનની સફળતા બાદ દરેકનો ઉત્સાહ વધ્યો પોતાનું બેસ્ટ આપવનો ઉત્સાહ બમણો થયો અને વધારે સારા લેવલ પર દર્શકો સમક્ષ સિઝન-૨ આવી અને તેમની અપેક્ષા સંતોષવાનો પ્રયત્ન કર્યો. લોકોને પ્રેમ સતત મળતો રહે છે અને માટે જ બસ ચા સુધીની સફર સતત ચાલું રાખવાનું અમને પણ મન થાય છે. સિઝન-3માં પણ દરેકે એટલી જ મહેનત કરી છે. હવે જોઈએ આ વખતે કેવો પ્રતિસાદ મળે છે.  તથા સિઝન-૪ના પ્રોજેક્ટ પર પણ કામ ચાલું છે અને બહુ જલ્દી લોંચ કરવાની પણ જાહેરાત કરી હતી.

આસ્થાની યુટ્યુબ ચેનલ પર 110kથી પણ વધારે સબસ્ક્રાઈબર અને 7.8 મિલિયન વ્યૂયર ધરાવે છે આ વેબ સિરીઝ. તેમાં આસ્થા પ્રોડક્શનને પાયોનિયરનો ખિતાબ પણ મળી ચૂક્યો છે. આસ્થા પ્રોડક્શન આ વર્ષમાં પાંચ વેબ સિરીઝ નવી આપશે. બસ ચા સુધીની સફર આ વેબ સિરીઝના બે ભાગ પણ લાખો લોકો નિહાળી ચૂક્યા છે.

આ લોન્ચિંગમાં પ્રોડ્યુસર જય વ્યાસ (જય વ્યાસ પ્રોડક્શન), ધ્રુશ્મા એન્ડ હિરેન દોશી (આસ્થા પ્રોડક્શન), ડિરેક્ટર પ્રિયલ પટેલ, કો-ડિરેક્ટર હિરેન દોશી તેમજ આસિ. ડિરેક્ટર મૌલિક પટેલ લીડ એક્ટર ગૌરવ પાસવાલા, એક્ટ્રેસ ઝિનલ બેલાની, લેખક સંદિપ ઉપસ્થિત રહ્યાં હતા.