મેરાન્યૂઝ નેટવર્ક, ભૂજ: કોરોનાકાળમાં પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી એકબાદ એક વિવાદમાં સપડાઇ રહ્યા છે. ઘરે વેક્સિન લેવાનો મુદ્દો હજુ માંડ શમ્યો છે ત્યાં હવે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને એક ફાર્મહાઉસમાં ડાયરો આયોજીત કરવા બદલ ગીતા રબારી અને ડાયરના સંચાલક સંજય ઠક્કર સામે ગુનો દાખલ કરવામાં આવ્યા છે. 

પદ્ધર પોલીસ મથકે નોંધાયેલી ફોજદારી મુજબ, રેલડી ગામે આવેલા લક્કી ફાર્મ ઉપર પેડીનો કાર્યક્રમ સંજયભાઇ પ્રતાપભાઇ ઠક્કર (રહે. ગાંધીધામ) અને લોકગાયિકા ગીતાબેન રબારી (રહે. અમદાવાદ) વાળાએ કોરોના મહામારી હોવા છતાય લોકોના જીવ જોખમમાં મુકાય તેવુ બેદરકારીભર્યુ કૃત્યુ કરવા બદલ ગુનો નોંધાયો હતો. 21મી જુનના રાત્રે રેલડી ફાર્મહાઉસ પર સંજયભાઇ ઠક્કરે ડાયરો યોજવાની વાત અગાઉથી ગીતા રબારીને કરી હતી, ગીતા રબારીએ સહમતી પણ દર્શાવી હતી અને પોતાના ગ્રુપ સાથે હાજર રહી લોકડાયરો યોજયો હતો. કોરોના મહામારીમાં આવુ કૃત્ય કરવા બદલ કલેકટરના જાહેરનામા તેમજ આઇપીસી 188, 269, 270 સહિતની કલમો તળે બંને સામે ફોજદારી નોંધાઇ હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગીતા રબારી થોડા દિવસ પૂર્વે જ પોતાના ઘરે વેકસિન લીધી હોવાનો ફોટો વાયરલ કર્યો હતો, જે બનાવમાં સરકારનો ઠપકો સાંભળ્યો હોવા છતાંય થોડા દિવસમાં જ આ ડાયરામાં હાજર રહી કોરોનાનો ભય ન હોય તેમ 250થી વધુ લોકોને એકત્ર કરી ડાયરાની રમઝટ બોલાવી હતી.