પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવાના અધિકારીઓની બદલી અને બઢતીની સત્તા રાજ્ય સરકારો પાસે હોવાને કારણે મોટા ભાગના અધિકારી બદલી અને બઢતીમાં થતાં વિલંબને કારણે સરકારને અનુકુળ થવાનો પ્રયાસ કરતા હોય છે પણ અનેક અધિકારીઓ પોતાની પ્રકૃત્તિ અને પ્રવૃત્તી બદલી શકતા નથી જેના કારણે તેમને એકઝિક્યૂટિવ પોસ્ટીંગ લાંબો સમય નસીબમાં રહેતુ નથી, ગુજરાત સરકારે શનિવારની રાતે આઈપીએસ અધિકારીઓની બદલી અને બઢતીનો ગંજીફો ચીપ્યો હતો. જેમાં આઈપીએસ અધિકારીઓની ગમતી જગ્યાઓ ઉપર ગુજરાતી આઈપીએસ અધિકારીઓની દબદબો રહ્યો છે. જયારે કેટલાંક ગુજરાતી અને બીનગુજરાતી આઈપીએસ અધિકારીઓ પોતાના કામને કારણે નહીં પણ પ્રકૃતિ નહીં બદલી શકતા ફરી વખત હાંસિયામાં ધકેલાયા છે.

ગુજરાતના ડીજીપી પદ પછી અમદાવાદ પોલીસ કમિશનર પદ સૌથી મોટું ગણાય છે, સિનિયોરીટીમાં નંબર બે ઉપર હોય તેવા આઈપીએસ અધિકારીને તે પદ આપવાની પ્રણાલિકા છે, હાલમાં એસીબીના વડા અને ડીજીપી કેશવકુમાર આ પ્રણાલિકા પ્રમાણે પોલીસ કમિશનર થવા જોઈએ, પણ તેઓ અનુકુળ અધિકારીઓનામાં સમાવીષ્ટ નથી, જેના કારણે કેશવકુમાર પછીના ક્રમે રહેલા સીઆઈડી ક્રાઈમના વડા સંજય શ્રીવાસ્વતને અમદાવાદ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ પછી વસ્તી અને ક્રાઈમની રીતે મોટા ગણાતા સુરતના પોલીસ કમિશનર રાજુ બ્રહ્મભટ્ટ જેમને થોડા મહિના પહેલા જ સુરત મુકવામાં આવ્યા હતા. તેમને સુરતથી ખસેડી સુરત કરતા નાના શહેર વડોદરાના કમિશનર બનાવવામાં આવ્યા છે.

રાજુ બ્રહ્મભટ્ટ સરકારની ગુડબુકના અધિકારી છે પરંતુ સુરતની બિલ્ડર લોબી લાંબા સમયથી તેમને ખસેડવા મેદાનમાં હતી તે સફળ રહી હોવાનું કહેવાય છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરને સુરત કમિશનર પદ મળ્યું છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત બીનવિવાસસ્પદ અધિકારીને સ્વભાવે સૌમ્ય ગહેલોત પણ સરકારની અનુકુળતા અને જરૂરિયાતો સારી રીતે સમજે છે અને કોઈ પણ સરકાર માટે તેમના આંખ અને કાન સમાન ઈન્ટેલીઝન્સ વીંગ મહત્વની હોય છે તેના કારણે તેમને આઈબીના વડા તરીકે મુકવામાં આવ્યા છે, જ્યારે બહુ ઓછો સમય મહત્વની બ્રાન્ચમાં રહેતા ડૉ. શમશેરસિંગને સીઆઈડીમાંથી ખસેડી ફરી ટેકનીકલ સેલમાં મુકી દીધા છે. જ્યારે તેમના સ્થાને હોમગાર્ડમાંથી ટી એસ બીસ્ટને મુકવામાં આવ્યા છે, તેવી જ રીતે નીરજા ગોતરૂ પણ ફરી વખત સાઈડ પોસ્ટીંગના ભાગ રૂપે હોમગાર્ડમાં ગયા છે. જ્યારે સેકટર-1ના જોઈન્ટ કમિશનર અમિત વિશ્વકર્માને ક્રાઈમ બ્રાન્ચમાં મુકતા તેમને દબદબો વધ્યો છે.

આજ પ્રકારે ફરી મેદાનમાં આવેલા અધિકારીઓમાં ગૌતમ પરમારને સીઆઈડી રેલવેમાંથી અમદાવાદ સેકટર-2માં અને અમદાવાદ ગ્રામ્ચના ડીએસપી રાજેન્દ્ર અસારીને બઢતી સાથે સેકટર-1માં મુકવામાં આવ્યા છે., જ્યારે ડીસીપી કંટ્રોલરૂમ વિજય પટેલે અમદાવામાં જ ડીસીપી ઝોન-2માં મુકાયા છે. રેંજ આઈજીપીની બદલીમાં અભય ચુડાસમા વડોદરાથી ગાંધીનગર રેંજમાં આવ્યા છે અને ગાંધીનગર રેંજમાંથી મયંકસિંહ ચાવડા અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં આવ્યા છે, જ્યારે વડોદરા રેંજમાં હરેકૃષ્ણને વડોદરા રેંજમાં મુકવામાં આવ્યા છે. અમદાવાદ રેંજની ખાલી પડેલી જગ્યા ઉપર કેસરીસિંહ ભાટી મુકવામાં આવ્યા છે જ્યારે કાયમ પ્રમાણે બોર્ડર રેંજમાંથી સુભાષ ત્રિવેદ્દી ફરી સાઈડ પોસ્ટીંગ સીઆઈડીમાં આવી ગયા છે જયારે તેમના સ્થાને જે આર મોથલીયાને મુકવામાં આવ્યા છે. આમ ઉચ્ચ અધિકારીઓમાં ગુજરાતી અધિકારીઓને સ્થાન મળ્યું છે.

જયારે લાંબો સમયથી બ્રાન્ચમાં રહેલા સુજાતા મઝમુદાર તાપીના એસપી તરીકે મુકાયા છે, જ્યારે તેમના બેચ મેટ ઉષા રાડાને મહિસાગરથી સુરત ગ્રામ્યમાં મુકયા છે, અમદાવાદ સાઈબર સેલના ડીસીપી ડૉ રાજદિપસિંહ ઝાલા વલસાડના એસપી થયા છે આમ અનેક જિલ્લામાં ગુજરાત એસપીઓની સંખ્યામાં વધારો થયો જો કે અનેક ગુજરાત અધિકારીઓની બઢતી મળી હોવા છતાં તેમના સાઈડ પોસ્ટીંગ પણ થયા છે.