મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ અરવલ્લી જીલ્લામાં નીલ ગાય અને ભૂંડના ત્રાસથી ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. શિયાળુ પાકનો ખાત્મો બોલાવતા નીલગાય અને ભૂંડના ત્રાસથી બચવા માટે ખેડૂતોને રાત્રે ફરજીયાત ઉજાગરા કરવાની નોબત આવી છે. ખેડૂતો રાત્રીના સુમારે પોતાના મહામુલા પાકને બચાવવા જીવન જોખમે ચોકી કરી રહ્યા છે ત્યારે માલપુર તાલુકાના મેવડા ગામે ખેતરમાં ખેતીનું રખોપુ કરવા ગયેલા યુવકને નીલગાયના ટોળાએ અડફેટે લેતા યુવક કુવામાં ખાબકતા મોત નિપજતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. નીલગાયની અડફેટે યુવકનું મોત થતા માલપુર પોલીસે યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
સોમવારે રાત્રે રાબેતા મુજબ, માલપુર તાલુકાના મેવડા ગામના જગદીશભાઈ રમણભાઈ પટેલ (ઉં.વર્ષ-આશરે.૪૨) તેમના ખેતરમાં પકવેલા પાકનું નીલગાયોથી થતું ભેલાણ અટકાવવા ચોકી પહેરો કરવા ગયા હતા. ખેતરમાં યમદૂત બનીને ત્રાટકેલા નીલગાયોના ટોળાને ભગાડવા જતા નીલગાયોનુ ટોળું જગદીશ ભાઈ તરફ ધસી આવતા નીલગાયની ટક્કરથી ખેડૂત ખેતરમાં રહેલા કુવામાં ખાબકતા કુવમાં રહેલા પાણીમાં ગૂંગળાઈ જવાથી મોત નિપજતા ભારે ચકચાર મચી હતી. રાત્રીએ ખેતરનું રખોપુ કરવા જનાર ખેડૂત ઘરે પરત ન  ફરતા પરિવારજનોએ શોધખોળ હાથધરાતા ખેડૂતનો મૃતદેહ કુવામાંથી મળી આવતા પરિવારજનોએ ભારે આક્રંદ કરી મુકતા વાતાવરણમાં ભારે ગમગીની છવાઈ હતી.
માલપુર પોલીસે વિઠ્ઠલભાઈ વાલાભાઇ પટેલની જાહેરાતના આધારે મૃતક જગદીશભાઈ રમણભાઈ પટેલના મૃતદેહને પીએમ માટે માલપુર સીએચસીમાં ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.