પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): તમે તમારા ઘરમાં જ આ સંવાદ અનેક વખત સાંભળ્યો હશે, આજે શું જમવું છે તેવો ઘરના રસોડોમાંથી અવાજ સંભળાય તેની સાથે વળતો જવાબ મળે, કંઈ પણ ચાલશે. આવુ ઘરમાં જ નહીં કોઈ રેસ્ટોરન્ટમાં પણ પરિવાર અને મિત્રો જાય ત્યારે જેના હાથમાં મેનુકાર્ડ હોય તે વ્યકિત બધા સામે જોઈ પુછે કે બોલો શું ઓર્ડર કરું તો મોટા ભાગના સભ્યો કહેશે તમને ઠીક લાગે તે આપો. આવું માત્ર જમવાની બાબતમાં નથી ધીરે ધીરે આપણે ઘણી બધી બાબતમાં આપણો મત અથવા આપણને શું ગમે છે તે કહેવાનું ટાળીએ છીએ ક્રમશઃ આપણે પોતે જ ભુલી જઈએ છીએ કે આપણને શું ગમે છે. આપણી દરેક સ્થિતિમાં પોતાને ઢાળી લેવાનો પ્રયત્ન કરતા કરતા આપણે પોતાની ઓળખ ભુલતા જઈએ છીએ. શરૂઆતના ગાળામાં આપણી પસંદને આપણા માતા-પિતા નિયંત્રીત કરતા હતા, જયારે આપણે મોટા થયા ખુદ સંતાનના પિતા અથવા માતા  થયા ત્યારે આપણી ગમા-અણગમાને બાજુ ઉપર રાખી સંતાનની પસંદને અગ્રતા આપવા લાગ્યા એક તબક્કો એવો છે કે જયારે આપણને શું ગમે છે તે જ આપણી ભુલી જઈએ છીએ.


 

 

 

 

 

તમે સ્ત્રી હોવ કે પુરૂષ તમારા જન્મની સાથે તમારી પસંદ-નાપસંદના ધોરણો તમે નક્કી કરતા થાવ છો, પણ બાળપણથી આપણને જે ગમે છે તેના અંગે બીજા શું વિચારે છે. તેવી સમજ અજાણપણે આપણી અંદર પરિવારના વડિલ સભ્યો દ્વારા રોપી દેવામાં આવે છે, એટલે આપણને ગમતા કપડાં, આપણને ગમતો ખોરાક, આપણને ગમતી રમત, આપણને ગમત વ્યવસાય આપણને ગમતા મિત્રો, આપણને ગમતી કલા સહિત જીવનની નાની ગમતી બાબતો અંગે આપણી આસપાસના લોકો શું વિચારે છે. તેની તરફ આપણું ધ્યાન કેન્દ્રીત થવા લાગે છે, એટલે જયારે પ્રારંભીક તબક્કામાં આપણને આપણી ગમતી બાબત કરવાનો વિચાર આવ્યો તે જ ક્ષણે લોકો શું કહેશે તેવો વિચારનો સ્પાર્ક થાય અને ત્યારથી જ આપણે આપણને ગમતી બાબત કરવી કે નહીં તે વિચાર કરી મોટા ભાગ ગમતી બાબતોને પડતી મુકીએ છીએ.

આપણી ગમતી બાબત આપણી છે, પણ આપણની જાણ બહાર આપણી નજીકના લોકો જેમાં પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બહેન પુત્ર વધુ અને મિત્રો માત્ર નિયંત્રીત નહીં તેને પ્રભાવીત કરી આપણના નિર્ણયને બદલવાની આપણને ફરજ પાડે છે, ઉદાહરણ રૂપે કહુ તો મારી દિકરીને ગીટાર વગાડવી,ચિત્રો દોરવા ગમે છે, પણ તે જયારે પણ ગીટાર વગાડવા બેસે તેની સાથે હું અને મારી પત્ની કહેવાની શરૂઆત કરીશું અરે બેટા આખો દિવસ શું ગીટાર વગાડે છે, આ ગીટાર તારી જીંદગીમાં શું કામ આવશે ? આવુ એક વખત થતુ નથી, આવું અવારનવાર થાય છે ક્રમશઃ મારી દીકરી પણ એવુ માનતી થઈ  જાય છે કે ગીટાર વગાડવુ તેના માટે સમય બગાડવા બરાબર છે એટલે એક દિવસ તે પોતાની ગીટાર ખુણામાં મુકી દેશે અને વર્ષો પછી તેને યાદ પણ નહીં હોય કે કયારેક તેને ગીટાર વગાડવી ગમતી હતી, આવુ જ જો  દિકરાને કસરત કરવી ગમતી હોય તો અરીસા સામે ઉભો રહી પોતાના બાવડાને જોતા દિકરાને બાપ ટપારે છે તારે કયાં મોડલીંગ કરવાનું છે આ કસરત છોડ અને નોકરી ધંધાનું કંઈક વિચાર આપણી આપણી ગમતી બાબતો આ રીતે ધીરે ધીરે છૂટવા લાગે છે.


 

 

 

 

 

પછી આપણી ધ્યાન આપણી નોકરી આપણા વ્યવસાય, આપણો પરિવાર અને આપણા પ્રશ્નો તરફ કેન્દ્રીત થઈ જાય અને આપણે આપણને શું ગમે છે તે ભુલી જઈએ છીએ, જીંદગીનો એક મોટો તબ્બકો આવી રીતે પસાર થઈ જાય છે, જ્યારે માણસ પોતાની પોતાની મોટા ભાગની જવાબદારીઓ પુરી કરી નાખે છે અથવા પુરી કરવાના આરે આવે છે ત્યારે પોતાને એકલો સમજવા લાગે છે, કારણ તેણે પોતાની ગમતી બાબતો જેમના માટે છોડી તેઓ બધા જ પોતાના માર્ગે આગળ વધી જાય છે ત્યારે તેની પાસે પોતાનું હોય તેવું કંઈ જ રહેતુ નથી, ઘણા બધા માણસોએ પોતાની યુવાનીકાળમાં પોતાના શોખ અને પોતાના ગમતા મિત્રોને છોડી દે છે પણ જ્યારે તેમનો નિવૃ્ૃતીકાળ નજીક આવે છે ત્યારે તેમની પાસે કોઈ પ્રવૃત્તી જ રહેતી નથી, ખાસ કરી જેઓ ગૃહેણી છે. તે પણ આવી જ મનોદશામાંથી પસાર થાય છે. તમે તમારા ઘરની ગૃહેણીનો વ્યવહાર જોશો તો તમને ખ્યાલ આવશે કે તેઓ કંટાળો આવી રહી હોવાની ફરિયાદ કરતી હશે.

આપણે સ્ત્રી હોઈએ કે પુરૂષ આપણે અરીસા સામે ઉભા રહી આપણી જાતને પુછવું પડશે આપણને ગમતુ કામ કયું છે, અને આપણને જે પહેલા ગમતુ કામ હતું તે કરવું પડશે,તમે શહેરના બગીચા અને મંદિરમાં નજર કરશો તો ત્યાં આવતા વૃધ્ધોના ચહેરા નીસ્તેજ અને નીરસ છે, મંદિર અને બગીચામાં જવું ખોટું નથી પણ પોતાની પાસે કોઈ ગમતું કામ નહીં હોવાને કારણે તેઓ મંદિર અને બગીચામાં આવી બેસે છે,તેમની આસપાસ પણ તેવા જ નીરસ અને ડીપ્રેશ સાથીઓ હોય છે જે તેમના કંટાળામાં ઉમેરો કરે છે. તમને જયારે પણ કોઈ વ્યકિત નીસ્તેજ ચહેરા સાથે જોવા મળે ત્યારે સમજી લેજો કે તેણે પોતાની ગમતી બાબતોને દફન કરી દીધી છે જેના કારણે તેના ચહેરા ઉપર નુર નથી, આપણુ જીવન મશીન નથી જે ઘડીયાળના ટકોરે કામ કરે છે શરીર થાકે તેમ મન પણ થાકે છે, શરીર તો થાકયા પછી ફરી ઉભુ થઈ જશે પણ મન થાકી જશે તો તેને શરીર મદદ કરી શકશે નહીં, એટલે મન થાકી ધ્વસ થઈ જાય તે પહેલા કોઈ ગમતુ કામ શોધી લેજો જેથી કરી કંટાળો દુર કરવા મંદિરમાં જવુ પડે નહીં.