પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણે ત્યાં ઈશ્વરમાં નહીં માનનારા લોકોને નાસ્તિક કહેવામાં આવે છે, જુની પેઢીનો અમુક વર્ગ અને નવી પેઢીનો મોટો વર્ગ ઈશ્વરના અસ્તિત્વને સ્વિકારતો નથી. ઈશ્વરના અસ્તિત્વને કોઈ ના સ્વિકારે તેમાં પણ વાંધો નથી તે તેમનો વ્યક્તિગત મત છે, પરંતુ સોશિયલ મીડિયાના આગમન પછી ઈશ્વરમાં નહીં માનનારા કે જેમને આપણે નાસ્તિક કહીએ છીએ તેઓ ઈશ્વરમાં માનનારાની ઠેકડી ઉડાવે છે. નાસ્તિક પોતાને બહાદુર અને આસ્તિકને નબળો અને કમજોર સમજે છે. આસ્તિક અને નાસ્તિક બંને પોતાની જગ્યાએ સાચા છે તેમનો પોતાનો મત છે, તેમાં કોઈ અપરાધ ભાવ કે બહાદ્દુરી નથી.

આસ્તિક હોવું અને નાસ્તિક હોવું આ મનની બે અલગ સ્થિતિઓ છે. જેઓ ઈશ્વરના અસ્તિત્વનો સ્વિકાર કરે છે, તેમના મનને ઈશ્વરની હાજરી છે તેવો અહેસાસ જીવવાનું બળ પુરુ પાડે છે. જેઓ ઈશ્વરના અસ્તિત્વને સ્વિકારતા નથી તેઓ પોતાની જાતને જ પોતાના બળ પર ઊભી રહેવા મહેનત કરે છે. પણ નાસ્તિક નકામા, નિષ્ઠુર અને પાપી છે તેવું પણ નથી. આસ્તિક અને નાસ્તિક એક બીજા ઉપર પીઠ કરીને ઊભા છે. બંને એક બીજાના અલગ મતનો આદર કરવો જોઈએ.

હિન્દુ જીવન પદ્ધતી વિજ્ઞાન આધારિત છે તેવું વૈજ્ઞાનિક રીતે પણ ઘણીવાર પ્રસ્થાપિત થયું છે. ઈશ્વરમાં માનનાર જેને ધર્મ માને છે અને જે જીવન પદ્ધતિ જીવે છે એ તેની પાછળનો વૈજ્ઞાનીક અભિગમ છે. જેમકે, બહારથી ઘરમાં દાખલ થતી વખતે હાથ પગ ધોવા. ઈશ્વરમાં માનનારાને એવી સમજણ આપવામાં આવી છે કે અપવિત્રતાને ઘરની બહાર છોડીને આવવી. તેવી જ રીતે ઈસ્લામમાં માનનારા નમાઝ પહેલા હાથપગ ધોવાની જે પ્રક્રિયા કરે છે તેને વઝુ કહેવામાં આવે છે. આમ હિન્દુ જીવન પદ્ધતિ કે ઈસ્લામિક જીવન પદ્ધતી તેની પાછળ વિજ્ઞાન છે. જેઓ ઈશ્વરમાં માનતા નથી તેઓ પણ આ તમામ પ્રક્રિયા કરે છે. આમ ઈશ્વરમાં માનનાર અને નહીં માનનારની જીવન પદ્ધતિ એક જ છે, પણ એક ધર્મના નામે કરે છે અને એક વિજ્ઞાનના નામે કરે છે. ઈશ્વરમાં માનનારા આસ્થાના નામે કરે છે, ઈશ્વરમાં નહીં માનનારા તર્કના નામે કરે છે. આમ ભલે બંને એક બીજાની તરફ પીઠ કરીને ઊભા હોય છતાં તેમની જીવન પદ્ધતી એક છે.

આમ કોઈએ આસ્તિક રહેવું અથવા ઈશ્વરના અસ્તિત્વને નકારવું તે સંપૂર્ણ પણે વ્યક્તિગત નિર્ણય છે તેનાથી એક માણસ તરીકેની સારપમાં રતીભારનો ફેર પડતો નથી, પરંતુ મેં જોયું છે કે ઈશ્વરમાં ભરોસો નહીં કરનાર મોટાભાગનો વર્ગ આસ્તિકોને તુચ્છ નજરે જુએ છે અને તેમની જાહેરમાં ટીકા કરે છે. આમ ઈશ્વરમાં નહીં માનનારા વ્યક્તિના જીવનમાં અને વ્યવહારમાં જાણે અજાણે તે બીજા કરતાં જુદો વધુ સમજદાર અને ચઢીયાતો છે તેવો ભાવ પેદા થાય છે. આ સ્થિતિ બહુ જ જોખમી છે, કારણ કે માણસને જ માણસથી અલગ કરવાની આ સ્થિતિ નિર્માણ થાય છે. આસ્તિક જે કાંઈ જીવન જીવે છે તેમાં નાસ્તિક કાયમ આમાં શું તર્ક છે તેવો પ્રશ્ન પુછે છે અને જીંદગી માત્ર તર્ક ઉપર ચાલતી નથી. કેટલીય વસ્તુઓ અનુભવવાની હોય છે.

આસ્તિક હોવાનો અર્થ એવો પણ નથી કે તમે રૂઢી ચુસ્ત થઈ જાઓ, તમે તમામ કર્મકાંડો આસ્થાના નામે કરો અને ઉત્તમ આસ્તિક થવા માટે સારા માણસ થવાની સીડી ચઢવાને બદલે પાછી ઉતરવા લાગો. આસ્થિક હોવાનો અર્થ એવો પણ નથી કે અન્ય જાતિના લોકોનો તિરસ્કાર કરીએ, દીકરા પ્રાપ્તિ માટે બલી ચઢાવીએ અને આપણને માણસ તરીકે ઓળખાવામાં પણ શરમ અનુભવાય તેવું કોઈ કામ કરીએ. આસ્તિક હોવાનો તો સરળ અર્થ એવો છે કે આપણે માણસ છીએ તેના કરતાં વધુ સારો માણસ થવાનો આપણો પ્રયત્ન હોય. આમ આસ્તિક અને નાસ્તિક બંને છેડા ઉપર ઊભા રહેલા છે, ઈશ્વર છે અને ઈશ્વર નથી તેના માટે ટંટો અને ફસાદ કરે છે અને આસ્તિક અને નાસ્તિક ભૂલી જાય છે કે તે માણસ છે. ઈશ્વરમાં માનવામાં કોઈ કાયરતા નથી અને ઈશ્વરમાં નહીં માનવામાં કોઈ બહાદુરી નથી આ મનની સુક્ષમ સ્થિતિ છે અને આવું કેમ તેના તર્કનો પણ કોઈ જવાબ નથી.

(સહાભારઃ ગુજરાતમિત્ર)