પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ.અમદાવાદ): આજે ગુજરાતનો સ્થાપના દિવસ છે,ગુજરાતી હોવાનું ગૌરવ લેતા કેટલા માતા-પિતાએ અંગ્રેજી માધ્યમમાં ભણતા પોતાના બાળકોને આજે આપણા ગુજરાતનો બર્થ ડે છે તેની  જાણકારી આપી તેવો પ્રમાણિક સવાલ દરેકે પોતાનો પુછવો જોઈએ,ખરેખર તો આપણે જય જય ગરવી ગુજરાતનો જે નારો બોલીએ છીએ તે તો આપણા સરકારી કાર્યક્રમો પુરતો સિમીત રહી જાય છે, ખરેખર તો સાચુ પુછો તો આપણને કયારેય ગુજરાતી હોવાનું ગૌરવ થયુ જ નથી, તેનો પહેલો પુરાવો છે આપણી ભાષા, આપણે કયારેય આપણી ગુજરાતી ભાષાને પ્રેમ કર્યો જ નથી,અંગ્રેજી અથવા બીજી ભાષા શીખવી ખરાબ નથી, જેમને અંગ્રેજી ભાષા આવડતી નથી,તેનો તેમને સંકોચ થાય  છે, પણ અમારા મોન્ટુને તો  ગુજરાતી આવડતી જ નથી તેવું કહેતા માતા-પિતા ગૌરવ લઈ રહ્યા છે.

ખરેખર  જે બાબતની આપણને શરમ આી જોઈએ તેનું આપણને ગૌરવ  થાય તેના કરતા આપણી કમનસીબી શુ હોઈ  શકે ? આપણે ત્યાં  ભાષાને માતાન દરજ્જો આપવામાં આવ્યો છે,આપણે માતૃભાષાએ કહી છીએ પણ આપણે આપણી માતૃભાષાને પ્રેમ જ કરતા નથી, બાળક ભલે અંગ્રેજી માધ્યમમાં ભણે પણ આપણે ઘરમાં તેની સાથે ગુજરાતીમાં વાત કરવાનું છોડી દીધુ, તમે તરત કહેશે ના ના અમે તો અમારા બાળકો સાથે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, જો જરા યાદ કરીને કરીને કહો કેવી ગુજરાતી ભાષામાં આપણે વાત કરીએ છીએ, બેટા ટેન મિનીટમાં ઘરમાં આવો, હવે લંચન ટાઈમ થઈ ગયો છે, કંઈક આવી જ ભાષામાં આપણે બાળકો સાથે વાત કરીએ છીએ.

અહિયા વાંક  સંતાનોનો નથી,મા-બાપનો  છે. અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકને ગુજરાતી માહોલ મળવાની સંભાવના ઓછી છે ત્યારે માતા  પિતાએ ઘરમાં સંતાનો માટે  ગુજરાતી માહોલ ઉભો  કરવો પડશે, બાળક  આપણને પરેશાન કરે નહીં માટે આપણે તેને ફોન અને ટેબલેટ આપી દઈએ છીએ, પણ તેનું માઠુ પરિણામ આપણે ભોગવુ પડશે,જે બાળકને પોતાની ભાષા સાથે પ્રેમ નથી, અને જેમને પોતાની ભાષા આવડતી નથી તેવા યુવાનો  અને પ્રજા  પોતાના  પ્રેમ અને ગુસ્સાને યોગ્ય શબ્દોમાં વ્યકત કરી શકતા નથી, ભાષા આપણુ ઘડતર કરે  છે  તેવુ ગુજરાતીઓને આપણને કયારેય લાગ્યુ જ નહીં.
આજે પણ ગુજરાતમાં અખબારને ખર્ચ માનવામાં આવે છે જેથી અખબાર પણ માંગીને વાંચી છીએ અને  તેવી જ રીતે પુસ્તક પણ ખરીદી વાંચવુ આપણને બહુ મુશ્કેલ કામ લાગે છે, કોઈ મલ્ટીપ્લેક્ષમાં આપણને હજાર રૂપિયા  ખર્ચી  નાખીએ છીએ પણ કોઈ બુક  શોપમાં જઈ બસો રૂપિયાનું પુસ્તક આપણે ખરીદતા નથી. જેની સરખામણીમાં બંગાલ અને મહારાષ્ટ્રમાં સામાન્ય માણસ પણ પોતાની ભાષાને પ્રેમ કરે છે,મહારાષ્ટ્રના અનેક શહેરોમાં જેમના ઘરમાં લાયબ્રેરીના ના થાય તેવા ઘરમાં   પોતાની દિકરી આપવાનું માતા પિતા પસંદ  કરતા નથી સામાન્ય માણસોની જેમ મહારાષ્ટ્રના નેતા પણ નેશનલ મિડીયા સાથે મરાઠીમાં જ  વાત કરે છે તેમનું હિન્દી અને અંગ્રેજી ઉત્તમ હોવા છતાં પોતાની ભાષાને પ્રેમ કરે છે તેનું આ પરિણામ છે.

જે  સંતાનો  પોતાના બાળકોને  પોતાની  ભાષાને પ્રેમ કરવાનું  શીખવાડતા નથી, તે સંતાનો પણ પોતાના માતા પિતાથી  દુર થવા  લાગે છે,કારણ ભાષાની અગણનાને કારણે તેઓ ગુજરાતી પરંપરાથી પણ દુર જવા લાગે  છે આપણી વિટંબણા કેવી  છે કે જયારે આપણે ભારતમાં  હોઈએ ત્યારે  અંગ્રેજીનું વળગણ થાય  છે અને અમેરીકા  જઈએ ત્યારે સંતાનો ભારતીય સંસ્કૃતી શીખે   તેની  ચીંતા હોય છે, જાણિતા હાસ્યકાર સ્વર્ગસ્થ વિનોદ ભટ્ટ કહેતા કે રસ્તા ઉપર કોઈ  કુતરો લઈ  ફરવા નિકળે અને જો  કુતરાનો માલિક જો કુતરા  સાથે  અગ્રેજીમાં વાત કરે  તો  માની લેજો  માલિક ગુજરાતી  છે, ખરેખર તો કુતરાને તો વિશ્વની તમામ ભાષા આવડે પણ ગુજરાતી માલિક માને છે કે કુતરો ઈગ્લીશ જ જાણે છે  વિનોદ ભટ્ટ આગળ લખે  છે બીનગુજરાતી  માલિક તેના કુતરા સાથે પોતાની માતૃભાષામાં જ વાત કરે છે.