મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કનોડિયાનું નિધન થયુ છે. મહેશ કનોડિયા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. મહેશ કનોડિયાનું 83 વર્ષની વયે ગાંધીનગરમાં નિધન થયુ છે. મહેશ-નરેશની જોડીએ દેશ વિદેશમાં અનેક મ્યુઝિકલ કાર્યક્રમો આપ્યા છે. તે ત્રણ વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા હતા. નરેશ કનોડિયા હાલ કોરોના વાયરસના કારણે દાખલ છે ત્યારે તેમના નિધનની અફવાઓ પણ ઉડી હતી તેવામાં મહેશ કનોડિયાના નિધનના સમાચાર સામે આવતા ગુજરાતી સિને જગતમાં દુખની લાગણી છવાઈ છે. ઉલ્લેખનીય છેકે નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ થતાં યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે અને તેમની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.

ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશભાઈએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેરફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે ગણી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે

મહેશ કનોડિયાના ભાઇ નરેશ કનોડિયા પણ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ છે. થોડા સમય પહેલા નરેશ કનોડિયાના મોતની અફવા પણ ઉડી હતી. જોકે, તેમના પુત્ર અને ધારાસભ્ય હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી હતી કે મારા પિતાજી એકદમ સ્વસ્થ છે અને અફવાઓ ઉપર કોઇએ ધ્યાન ના આપવુ.