મેરાન્યૂઝ નેટવર્ક.અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોમાં સુપર સ્ટાર રજનીકાંત જેવી નામના ધરાવતા અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ તેમના મોતની વાતો ચાલતા આખરે હજુ તેઓ જીવીત હોવાનું અને લડત આપી રહ્યા હોવાની વાત તેમના પુત્ર સહિતના સ્વજનો દ્વારા જણાવાઈ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નરેશ કનોડિયાની એક તસવીર પણ વાયરલ થઈ હતી. ગત 20મી ઓક્ટોબરે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હજુ બે દિવસ પહેલા જ તેમના મોટા ભાઈ એવા ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ સાંસદ મહેશ કનોડિયાએ 83 વર્ષની ઉંમરે ગાંધીનગર કાતે ચીર વિદાય લીધી હતી. હજુ તો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેના ચાહકોમાં શોક ઓછો થયો ન્હોતો ત્યાં તેમના માટે વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે.


 

 

 

 

ઉલ્લેખનીય છે કે અગાઉ કોરોનાની એન્ટ્રી થઈ ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ...તારો બાપ ભગાડે’ ગીત ગાયું ત્યારે લોકોએ તેને પણ ખુબ પ્રેમ આપ્યો હતો. આજે આખરે તેઓ પોતે પણ કોરોનાનો ભોગ બન્યા હતા. અગાઉ જ્યારે અફવા ઉડી કે નરેશ કનોડિયાનું અવસાન થયું છે ત્યારે તેમના પુત્ર અને ઈડરના ધારાસભ્ય હિતુ કનોડિયાએ આ બાબત ખોટી હોવાનો ખુલાસો કર્યો હતો. જોકે આવી અફવામાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રુપાલા પણ આવી ગયા અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી શ્રદ્ધાંજલી પણ આપી દીધી હતી જોકે બાદમાં તેમને ખરી હકીકત જાણવા મળતાં પોસ્ટ ડિલિટ કરી હતી.

નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943 એ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી હતી. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમનો એક પુત્ર હિતુ કનોડિયા છે, હિતુ કનોડિયા પોતે પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે અને સાથે જ ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય પણ છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે.

નરેશ કનોડિયાી ફિલ્મી સફરની વાત કરીએ તો તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મોમાં કામ કર્યું કે જે ફિલ્મો આજે પણ ચાહકોને યાદ છે.