દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): દેશમાં હવે વેક્સીનેશનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પેહલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી હતી. બીજા તબક્કામાં ૪૫ થી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી અને હવે ત્રીજા તબક્કામાં ૧૮ થી ૪૫ વર્ષના લોકોને વેક્સિન આપવામાં આવશે. ૧લી મેથી ત્રીજા તબક્કાનું વેક્સીનેશન શરૂ થઈ ગયું છે. ત્યારે આવા સમયે ગુજરાતીઓમાં વેક્સીનેશનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે.

૧૫મી જાન્યુઆરીથી સમગ્ર દેશમાં વેક્સીનેશનની શરૂઆત થઈ ત્યાર થી અત્યાર સુધી ગુજરાતમાં ૬૦૭૭ સેન્ટરમાં કુલ ૧,૨૯,૩૧,૫૦૮ લોકોએ વેક્સિન લીધી છે. જેમાં ૧,૦૨,૨૬,૫૫૮ લોકોએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો છે અને ૨૭,૦૪,૯૪૯ લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. ગુજરાતમાં વેક્સિન લેનારા કુલ લોકોમાં પુરુષો ૫૪,૩૭,૦૯૨ , મહિલાઓ ૪૭,૮૮,૨૨૩ અને અન્ય જાતિના ૧૨૪૩ લોકો વેક્સિન લીધી છે. અત્યારે ગુજરાતમાં ૨ પ્રકારની રસી આપવામાં આવે છે કોવીશિલ્ડ અને કોવેક્સિન. ગુજરાતમાં કોવીશિલ્ડ રસીનું પ્રમાણ કોવેક્સિન કરતા વધારે છે. ગુજરાતમાં ૧,૧૬,૮૪,૪૭૩ લોકોએ કોવીશિલ્ડ રસી લીધી અને ૧૨,૪૭,૩૪ લોકો એ કોવેક્સિન રસી લીધી છે.

ગુજરાતમાં સૌથી વધારે વેક્સીનેશન ૪૫ થી ૬૦ વર્ષ સુધીના વયજૂથમાં કરવામાં આવ્યું છે. ૪૫ થી ૬૦ વર્ષની વયજૂથના લોકોમાં કુલ ૪૬,૭૬,૫૭૮ લોકોએ વેક્સિન લીધી છે. ત્યાર બાદ ૬૦ વર્ષથી વધુ વયના ૪૦,૪૧,૬૪૬ લોકોએ વેક્સિન લીધી. અત્યારે ત્રીજા તબક્કાનું વેક્સીનેશન શરૂ થતાં હવે ૧૮ થી ૪૫ વયના લોકોને વેક્સિન આપવાનું શરૂ થયું છે ત્યારે આ વયજૂથના ૧૫,૦૬,૨૨૧ લોકોએ વેક્સિન લીધી છે.

ગુજરાતમાં સુથી વધારે વેક્સીનેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં થયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૧૨,૬૪,૧૩૩ લોકોએ વેક્સિન લીધી છે. ત્યાર બાદ બીજો નંબર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનો આવે છે. સુરતમાં કુલ ૯,૫૯,૬૦૨ લોકોએ વેક્સિન લીધી છે અને ત્રીજા નંબરે બનાસકાંઠા આવે છે. બનાસકાંઠામાં અત્યાર સુધી કુલ ૬,૭૭,૮૭૧ લોકોએ વેક્સિન લીધી છે.

અમદાવાદમાં જોઈએ તો અત્યાર ૨૧૩ સેન્ટરમાં કુલ ૧૨,૬૪,૧૩૩ લોકોએ વેક્સિન લીધો છે જેમાં ૯,૬૪,૬૫૦ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે અને ૨,૯૯,૪૮૩ લોકોએ બંને ડોઝ પૂર્ણ કર્યા છે. અમદાવાદમાં ૫,૩૧,૧૨૧ પુરુષો, ૪,૩૩,૬૫૪ મહિલાઓ અને ૭૩ અન્ય લોકો વેક્સિન લીધી છે. અમદાવાદમાં પણ ૪૫ થી ૬૦ વર્ષ સુધીના વયજૂથના વેક્સિન લેવાનું પ્રમાણ વધારે છે. આ વયજૂથના ૪,૦૦,૮૮૨ લોકોએ વેક્સિન લીધી છે. ત્યાર બાદ ૬૦ વર્ષથી વધુ વયના ૩,૩૩,૦૫૧ લોકોએ વેક્સિન લીધી છે. ૧લી મે થી શરૂ થયેલા વેક્સીનેશનમાં ૧૮ થી ૪૫ વર્ષ સુધીના ૨,૩૦,૪૯૩ લોકોએ વેક્સિન લીધી છે. અમદાવાદમાં ટાગોર હોલ ખાતે આવેલા વેક્સિન સેન્ટરમાં સૌથી વધારે ૫૮,૨૬૦ લોકોએ વેક્સીન લીધી છે. બીજા નંબરે ઘાટલોડિયા સેન્ટરમાં ૩૩,૪૬૨ લોકોએ વેક્સિન લીધી છે અને ત્રીજા નંબરે આંબલી સેન્ટરમાં ૨૯,૪૦૫ લોકોએ વેક્સિન લીધી છે.