મુકુંદ પંડ્યા (મેરાન્યૂઝ.અમદાવાદ): ગુજરાતમાં, કોરોનાનો પ્રસાર ઘાતક બની રહ્યો છે. સરકાર એની રીતે કામ કરી રહી છે, પણ લાગે છે એવું કે એનો પનો ટૂંકો પડી શકે છે. એમ એટલા માટે કહેવું પડે છે કે સરકારી પ્રક્રિયામાં લોકોની સામેલગીરી નથી. સરકાર, લોકોને આ કે તે પ્રતિબંધ છે, આમ જ કરો, અમે કહીએ તેમ કરતા રહો એવી નિર્દેશાત્મક  સૂચનો વધુ કરે છે પણ આવો, આપણે સાથે મળીને મહામારી સામે લડીએ  તેવું ભાગ્યે જ કહે છે. હા, કહે છે ત્યારે એમ સમજાવવા કે આ તો તમારી જવાબદારી છે!કોઇ સૂચનો(સરકાર સિવાયના) એ ભાગ્યે જ ધ્યાનમાં લે છે. પોતાને સર્વજ્ઞ માનતા અધિકારીઓ જે નિર્ણય લે તેને આખરી ઉપાય માની લેવાની વૃત્તિ, સરકાર ચલાવતા પ્રજાકીય પ્રતિનિધિઓ ધરાવે છે. એમાંના  કોઈ  નિષ્ણાત તો નથી ઉપરથી  જે નિષ્ણાતોથી ગુજરાત  રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, સેવા અને રાહત પ્રવૃત્તિઓ ક્ષેત્રે અત્યાર સુધી દેશ આખાને દોરવણી મળી છે  તેમને પણ આ આપદાની ઘડીમાં સાથે લેવાની સહજ ઈચ્છા નથી રાખતા.


 

 

 

 

 

ગયા વર્ષથી શરૂ થયેલી મહામારી સામેની લડાઈનો વહીવટી જશ  સરકાર ભલે લેતી, આંકડાઓ આપીને આમ કે તેમ કર્યું એવું ભલે કહે પણ  ગુજરાતીઓના લોહીમાં રહેલી સેવા-રાહત કાર્યોની  વૃત્તિને કારણે ઘણું બધું , જાહેરમાં ના આવ્યું હોય તેવું સરાહનીય કામ થયું છે તેનો આભાર સરકારે કદી નથી માન્યો.બે-પાંચ કુમાર, પ્રસાદ જેવા અધિકારીઓ કે એકાદ સાંસદે કરેલી કામગીરીનો વારંવાર ઉલ્લેખ કરતી સરકાર કયારેય લોકોએ આપેલા સહકારને સરાહતી કદાચ જ જોવા મળી છે. આજે જે પરિસ્થિતિ પેદા થઈ છે તેનો સામનો કરવા  બીજા હજારો હાથની જરૂર છે. સરકાર એમ કરે તો મહામારીનો મુકાબલો કરવો સરળ થઈ પડે તેમ છે.

આ, સરકાર વિપક્ષને રાજકીય મતભેદોના કારણસર ક્યાંય સાથે નથી રાખતી એ સ્પષ્ટ બાબત છે પણ એથી ય નવાઈની વાત એ છે કે  ખુદ સત્તાધારી પક્ષમાં છે એવા નિષ્ણાત આયોજનકારોને ય સામેલ કરતી નથી. દા. ત. અમદાવાદમાં સુરેન્દ્ર પટેલ કે જયનારાયણ વ્યાસ જેવા નિષ્ણાત છે.  એમને કમસે કમ અમદાવાદ પૂરતી  જવાબદારી સોંપી  સ્વૈચ્છિક સંસ્થાઓ જોડે સંકલન કરી , લોકભાગીદારીવાળી પ્રવૃત્તિ  કરી શકાય. અસંખ્ય નિષ્ણાત ડૉક્ટરોને એમાં સામેલ કરી લડાઈ જોમવંતી બનાવી શકાય. અત્યારના રાજકારણીઓને ભાગ્યે જ ખ્યાલ હશે એવી એક ઘટના આવા જ સંદર્ભમાં યાદ કરાવવા માગું છું: ૧૯૮૩માં  સૌરાષ્ટ્રકાંઠે આવેલા વાવાઝોડાએ  જૂનાગઢ આદિ વિસ્તારોમાં ખાનાખરાબી સર્જી હતી.


 

 

 

 

 

સ્વ. માધવસિંહ સોલંકી ત્યારે મુખ્યમંત્રી હતા. તેમણે, ત્યાં રાહત પ્રવૃત્તિઓના  સંકલન માટેની સમિતિના અધ્યક્ષપદે ભૂતપૂર્વ મુખ્યમંત્રી  સ્વ. બાબુભાઈ જશભાઈ પટેલને પસંદ કર્યા હતા. એ સમિતિના અધ્યક્ષને કેબિનેટ કક્ષાના મંત્રી જેટલી સત્તા, સગવડ આપેલી. બાબુભાઇ જેમને માત્ર  સોલંકી જ કહેતા હતા એવા માધવસિંહ, આમ  તો કટ્ટર રાજકીય હરીફ હતા પણ જ્યાં લોકોને મદદ પહોંચાડવાની વાત આવી ત્યારે મતભેદ કોરાણે રાખીને કામ કરવાનું અગત્યનું મનાયું હતું! બાબુભાઈએ પણ સુંદર કામ કરી બતાવ્યું જેથી જશ તો સરકારને મળ્યો હતો. એ દિવસોમાં, ધારાસભ્યોને પેન્શન આપવાની નીતિ વિરુદ્ધ આંદોલન શરૂ થયું. બાબુભાઇ આંદોલનને સમર્થન કર્યું. સરકારની સમિતિના અધ્યક્ષ તરીકે રહીને સરકાર વિરુદ્ધ આંદોલન કરવું બા.જ. પટેલને યોગ્ય ના લાગ્યું. એમણે રાજીનામું આપ્યું. ત્યારે બન્યું એવું કે માધવસિંહે રાજીનામાનો અસ્વીકાર કરતાં કહ્યું કે  પેન્શન-વિરોધી આંદોલન હજીય વધુ જોરથી લડજો પણ  રાહત સમિતિના કામ સાથે એને કોઈ નિસ્બત નથી! આવી પરિપક્વ રાજકીય સમજદારી આજના રાજનેતાઓ પાસે રાખી શકો?

ખેર, વાત તો એટલી જ કરવી છે કે રાજકીય મતભેદ ભૂલી, મહામારીનો મુકાબલો કરવામાં સરકાર  સહુને સાથે લે એ ઈષ્ટ છે. સંવેદનશીલ રાજકીય નેતાઓ, પૂર્વ સનદી અધિકારીઓ(દા.ત. પ્રવીણભાઈ લહેરી) , સામાજિક અગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ , ડૉક્ટરો વગેરેને  સામેથી બોલાવી દાખલો બેસે તેવી સુંદર કામગીરી કરે. આખરે એમ કરવાથી જીવ તો લોકોના બચવાના છે, હિત ગુજરાતનું થશે. સરકાર નાની નહીં જ દેખાય કેમકે કામ મોટું ને સુંદર જ થશે.