મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી સંલગ્ન ફાર્મસી અને એન્જિનિયરિંગની ૬ કોલેજાએ પોતાના અભ્યાસક્રમ બંધ કરવા માટે ક્લોઝર નોટિસ મોકલી છે. ગુજરાત રાજયમાં ધોરણ ૧૨ સાયન્સમાં છેલ્લા સાત વર્ષમાં સૌથી ઓછું પરિણામ આવવા સાથે કેટલાંક વર્ષોથી વિદ્યાર્થીઓ નહીં મળતાં આ કોલેજો બંધ કરવા માટે ક્લોઝર નોટિસ પાઠવી છે. જેમાં મહેસાણા અને હિંમતનગરની ફાર્મસી અને સિધ્ધપુર તથા જૂનાગઢની મેનેજમેન્ટ કોલેજ સામેલ છે. જ્યારે રાજકોટની એમસીએ અને ગાંધીનગરની એન્જિનિયરિંગ કોલેજ બંધ થશે. જેમાં એક એન્જિનિયરિંગ કોલેજ બંધ થવા છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યમાં ૩૦ હજાર જેટલી બેઠકો ખાલી રહેશે.

ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ ૧૨ સાયન્સમાં ૧.૪૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર ૯૫ હજાર વિદ્યાર્થીઓ જ પાસ થયા છે. તે પૈકી એ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ૩૯ હજાર હોવા સાથે તેમાંથી ૪૫ ટકા ઉપર ટકાવારી મેળવનાર વિદ્યાર્થી જ એન્જિનિયરિંગમાં પ્રવેશને પાત્ર છે. જેમાં છેલ્લાં કેટલાક વર્ષોથી પુરતી સંખ્યામાં વિદ્યાર્થીઓ નહીં મળતાં દર વર્ષે સરેરાશ ૩૦ હજાર જેટલી બેઠકો ઈજનેરી શાખામાં ખાલી રહે છે. આ જ રીતે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ નહીં મળવાનાં કારણે જીટીયુ સંલગ્ન ૬ કોલેજા બંધ થશે.

ગુજરાતમાં બંધ થનારી આ કોલેજોમાં રત્નમણી ફાર્મસી કોલેજ, ક્રિષ્ણા કેમ્પસ, શંખલપુર બેચરાજી, મહેસાણા, આઈકે પટેલ કોલેજ ઓફ ફાર્મ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ હાજીપુર હિંમતનગર, ગોલ્ડન જ્યુબિલી ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેક્નોલોજી સિધ્ધપુર પાટણ, મુરલીધર ગ્રૂપ ઓફ ઇન્સ્ટિટયૂશન રાજકોટ, શ્રી બ્રહ્માનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ જૂનાગઢ, એફ ડી મુબિન ડિગ્રી કોલેજ ઓફ એÂન્જનિયરિંગનો સમાવેશ થાય છે.