મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: ગુજરાતમાં કોરોના મહામારીને ફેલાતી રોકવા માટે ગુજરાત હાઇકોર્ટ દ્વાર રૂપાણી સરકારને મોસ્ક ન પહેરનારા લોકો પાસેથી દંડની રકમ 500 રૂપિયાથી વધારી એક હજાર રૂપિયા કરવાના આદેશ બાદ ગુજરાત સરકારે આજે મંગળવારથી જ આ આદેશનું પાલન કરાવવાનું શરૂ કર્યુ છે.

ગુજરાત હાઇકોર્ટમાં કોરોના અંગે થયેલી સુઓમોટો અરજીની સુનાવણીમાં રૂપાણી સરકરાને દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતાં. જેના આધારે હવે રાજ્યમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાં માસ્ક વિના દેખાતે તો તંત્ર દ્વારા તેની પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પહેલા માસ્ક વિનાના લોકો પાસેથી 200 રૂપિયા દંડ કરવામાં આવતો હતો. જ્યાર બાદ આ રકમ વધારી 500 રૂપિયા કરવામાં આવી હતી. જ્યાર બાદ હવે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ રૂપાણી સરકારે માસ્ક વિના ફરતા લોકો પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે માત્ર અમદાવાદ શહેરમાં જ દરરોજ એક હજારથી 1500 લોકો માસ્ક વિના પકડાય છે અને તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે.

અહીં નોંધનીય છે કે ઝારખંડ રાજ્યમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી એક લાખ રૂપિયાના દંડની જોગવાઇ છે. ઝારખંડમાં કરવામાં આવતો આ દંડ ભારતમાં સૌથી વધુ માસ્ક નહીં પહેરવા બદલનો દંડ છે. ઉત્તરાખંડમાં માસ્ક નહીં પહેરનાર પાસેથી  પાંચ હજાર રૂપિયા, કેરળમાં બે હજાર રૂપિયાથી લઇને દસ હજાર રૂપિયા દંડની જોગવાઇ છે. મહારાષ્ટ્રમાં 500 રૂપિયાથી લઇને એક હજાર રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. દેશમાં સૌથી ઓછો દંડ માસ્ક વિનાના વ્યક્તિ પાસેથી પશ્ચિમ બંગાળમાં માત્ર 50 રૂપિયા છે. બિહારમાં પણ માત્ર 50 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. ગોવામાં પણ 100 રૂપિયા જ દંડ છે. દેશના અન્ય રાજ્યોમાં સો રૂપિયાથી લઇને 500 રૂપિયાનો દંડ માસ્ક વિનાના લોકો પાસેથી વસૂલવામાં આવે છે.  

અન્ય રાજ્યોની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં એક હજાર રૂપિયા, હરિયાણા, પંજાબ, આસામ, અરૂણાચલ પ્રદેશ, ઓરિસ્સા, તમિલનાડુમાં 500 રૂપિયા દંડ વસૂલવામાં આવે છે. છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં સો રૂપિયા અને કર્ણાટકમાં એક હજાર રૂપિયા માસ્ક વિનાના વ્યક્તિ પાસેથી દંડ તરીકે વસૂલવામાં આવે છે. આમ ભારતમાં પચાસ રૂપિયાથી લઇને એક લાખ રૂપિયા માસ્ક વિનાના વ્યક્તિ પાસેથી દંડ વસૂલવામાં આવે છે. કુલ મળીને દેશમાં ઝારખંડમાં સૌથી વધુ એક લાખ રૂપિયા અને દેશમાં સૌથી ઓછો દંડ પશ્ચિમ બંગાળ અને બિહારમાં માત્ર પચાસ રૂપિયા છે.