પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ): 2019ની ચૂંટણીમાં સરકાર બનાવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાજકિય પક્ષો મરણીય થઈ ચૂંટણી લડી રહ્યા છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ માટે ગુજરાત હોમ પીચ હોવાની સાથે સેફ પીચ પણ છે. આમ છતાં કેન્દ્રમાં ક્યા પક્ષની સરકાર બનશે તે નક્કી કરવા માટે અથવા દેશના મતદારોનું મન સમજવા માટે ગુજરાતના પરિણામો નિર્ણાયક સાબિત થવાના છે. હાલમાં ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો ભાજપ પાસે છે. ભાજપ માટે આ તમામ બેઠકો જાળવી રાખવી લગભગ અશક્ય છે. જ્યારે કોંગ્રેસ માટે વકરો એટલો નફો જેવી સ્થિતિ છે. પરંતુ જો કોંગ્રેસ પોતાની અપેક્ષા કરતા વધુ બેઠકો ગુજરાતમાંથી મેળવે તો ગુજરાતનું પરિણામ માપદંડ બની જશે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને યથાવત રાખવી કે નહીં તેનો નિર્ણય ગુજરાત કરશે.

હાલની સ્થિતિ પ્રવાહી છે, દેશમાં ક્યા પક્ષને કેટલી બેઠકો મળશે તે અંગે વિવિધ પ્રકારના સર્વે થઈ રહ્યા છે તેમજ રાજકિય પંડિતો પોતાના અનુમાનો લગાવી રહ્યા છે. આ જ પ્રકારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતી હોવાને કારણે ગુજરાતમાં શું થઈ રહ્યુ છે તે અંગે પણ દેશની ઉત્સુકતા છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી ગુજરાતનું સુકાન પહેલા આનંદીબહેન પટેલને અને ત્યાર બાદ વિજય રૂપાણીને  સોંપવામાં આવ્યુ છે. સ્વભાવીક રીતે નરેન્દ્ર મોદી જેવુ શાસન કરવુ ભાજપના કોઈ પણ નેતાની હેસીયત બહારની બાબત છે, જેના કારણે ક્રમશ: ગુજરાતમાં ભાજપનો ગ્રાફ નીચે ગયો છે. જેની પહેલી અસર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં થઈ હતી. હવે તેની અસર લોકસભાની ચૂંટણીમાં પણ થતાં ગુજરાત ભાજપની નેતાગીરી રોકી શકે તેમ નથી.

જ્યારે ગુજરાત કોંગ્રેસ સંગઠનની દ્રષ્ટીએ અત્યંત પાંગળી છે. ખાસ કરી શહેરી વિસ્તારમાં કોંગ્રેસ પાસે બુથ ઉપર કાર્યકર મુકવા માટે પણ શોધવા જવુ પડે તેવી સ્થિતિ છે, જેની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસે અસર દેખાય તેવુ કાઠુ કાઢ્યું છે. ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો પણ અનેક  છે જેમાં ખાસ કરી ખેડૂતોના પ્રશ્ન ભાજપને નડી જાય તેના કારણે કોંગ્રેસ તેનો ફાયદો લેશે. બીજી તરફ કોંગ્રેસમાંથી આયાતી માલ લેવાની ભાજપની નીતિનો જાહેરમાં કોઈ ભાજપી વિરોધ કરતા નથી પણ અંદરથી આ પધ્ધતિ સામે ખાસ્સી નારાજગી છે. આ સ્થિતિમાં ભાજપ પોતાની વધુ બેઠકો ઘટે નહીં તેવા પ્રયાસમાં છે. હાલની સ્થિતિ પ્રમાણે  કોંગ્રેસ ભાજપ પાસેથી ત્રણ બેઠકો ચોક્કસ રીતે છીનવી શકે તેવી સંભાવના છે. જો કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ બેઠકો જીતી શકે તો અન્ય રાજ્યોમાં ભાજપની વધુ બેઠકો ઘટે.

એક ગણિત પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ જો ત્રણ બેઠકો જીતે તો દેશના મતદારોનો મત કંઈક અંશે ભાજપ વિરૂધ્ધ થયો છે તેવુ માની શકાય. ગુજરાતમાં જો કોંગ્રેસને ત્રણ બેઠકો મળે તો દેશના અન્ય રાજ્યોમાં પણ  કોંગ્રેસને લઘુત્તમ ત્રણ બેઠકો તો મળે તેવુ ગણિત માંડીએ તો સંસદમાં કોંગ્રેસ 100નો આંકડો પાર કરે અને કોંગ્રેસને જે 100 બેઠકો મળે તે તમામ બેઠકો ભાજપના ખાતામાંથી જ ઓછી થાય. આમ ભાજપ સંસદમાં 180 બેઠકની આસપાસ જઈ શકે છે. આ સ્થિતિમાં પણ એનડીએની સરકાર તો બને પણ વડાપ્રધાન કોણ હશે તે અંગે એનડીએસમાં ફેર વિચારણા થાય. હાલમાં ભાજપનો હાથ ઉપર હોવાને કારણે એનડીએના સાથી પક્ષો બહુ ચંચુપાત કરતા નથી પણ જો ભાજપની બેઠકો ઘટે તો એનડીએના સાથી પક્ષોનો અવાજ સાંભળવો અનિવાર્ય બને.

જો ગુજરાતમાં કોંગ્રેસ ત્રણ બેઠકો કરતા વધુ બેઠકો મળે અને છનો આંકડો પાર કરે તો કેન્દ્રમાં ભાજપની સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે તેવુ રાજકિય ગણિત માંડી શકાય કારણ 2014ની સરખામણીમાં 2019માં ભાજપની સ્થિતિ સમગ્ર દેશમાં ખરાબ થઈ રહી છે જેના કારણે નરેન્દ્ર મોદી સહિત સમગ્ર ભાજપ પોતાનું નુકશાન ઘટાડી સરકાર જાળવી રાખવા માટે પ્રયત્ન કરી રહ્યા છે.