રમેશ સવાણી (મેરાન્યૂઝ.અમદાવાદ): પોલીસના પંચો કોણ હોય છે? ગુનાની કે અકસ્માત મોતની તપાસ વેળાએ પોલીસે પંચનામાં કરવા પડે; તેમાં ઓછામાં ઓછા બે પ્રતિષ્ઠિત પંચ હોવા જરુરી છે. પંચનામાં વિનાની તપાસ હોઈ શકે નહીં. પંચનામામાં તપાસ કરનાર અધિકારી તથા પંચોએ જે કંઈ જોયું હોય, અવલોકન કર્યું હોય, તે વિશે લેખિત યાદી તૈયાર કરવામાં આવે છે. સ્વતંત્ર પુરાવો એકત્ર કરવા માટે, તપાસને સમર્થન આપવા માટે પંચનામું કરવામાં આવે છે. એન્ટિ કરપ્શન બ્યૂરો/ CID ક્રાઈમ/ CBI તપાસમાં ‘સરકારી’ પંચો રાખે છે. સરકારી પંચો કોર્ટ સમક્ષ ફરતા નથી; જો ફરી જાય તો તેમની સામે ખાતાકીય શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે. જ્યારે રીક્ષાવાળા/ ગલ્લાવાળા/ છકડાવાળા/ રેંકડીવાળા વગેરે પંચમાં હોય છે, તેને આરોપીના વકીલો ફેરવી નાંખે છે. પોલીસની મહેરબાનીની જરુર પડે એટલા માટે તેઓ પંચ માટે તૈયાર થાય છે. પોલીસ ‘વંદે માતરમ્’/ ‘ભારત માતાકી જય’ના નારા બોલનારાઓને  પંચમાં રહેવાનું કહે તો તૈયાર થતાં નથી ! પંચમાં રહેવા કેમ કોઈ તૈયાર થતું નથી ? મુખ્ય કારણો આ છે : [1] પોલીસનું તોછડું વર્તન. લોકો માને છે કે પોલીસની મથરાવટી મેલી છે; તેથી પોલીસથી દૂર સારા. [2] કોર્ટની મુદતે હાજર રહેવું પડે. કોર્ટના ધક્કા ખાવા પડે. [3] કોર્ટમાં સાક્ષીઓ/ પંચોને બેસવાની વ્યવસ્થા નથી હોતી. [4] આરોપીના વકીલોના સવાલોનો સામનો કરવો પડે. સરકારી વકીલ તરફથી માર્ગદર્શન મળતું નથી. [5] પોલીસ કે કોર્ટ તરફથી પંચની કદરનો અભાવ.

રીઢા ગુનેગારો પંચ/સાહેદ/ફરિયાદીના મર્ડર કરે છે; હાડકાં ભંગાવે છે. કોર્ટ સમક્ષ સત્ય રજૂ ન થાય તે માટે. પંચોને/સાહેદોને ફેરવી નાંખવાની મોડસ ઓપરેન્ડી પણ છે. ફરી જવાથી આરોપીને સજા થઈ શકતી નથી. એક વ્યક્તિ અનેક કેસમાં પંચ તરીકે હોય છે; એના કારણે કોર્ટ ટીકા પણ કરે છે. મોટા ભાગના કેસોમાં આરોપીને શંકાનો લાભ આપી કોર્ટ નિર્દોષ છોડી દે છે. કોઈનું મર્ડર થાય, જીવ જતો રહે, છતાં કોઈને સજા થતી નથી ! આવા કિસ્સામાં કોર્ટ શંકાનો લાભ આપી આરોપીને છોડી મૂકે ત્યારે મનમાં સવાલ ઊભો થાય છે કે કોઈક તો મર્ડર કરનાર હશેને? એ ગુનેગારને શોધવાનો કે નહીં? એ માટે કોઈની જવાબદારી થાય કે નહીં ? નાગરિકો જો પંચમાં રહે તો વિક્ટિમને ન્યાય મળે; આરોપીને સજા થાય. લોકો પંચમાં રહેવા તૈયાર થાય તે માટે પોલીસનું વર્તન સુધારવું પડે/કોર્ટની મુદતે હાજર રહે તે વખતે તેની જુબાની લેવાઈ જવી જોઈએ/કોર્ટમાં પંચો-સાહેદો-ફરિયાદી-તપાસ કરનાર અધિકારી માટે બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ/પંચો-સાહેદો-ફરિયાદીને માર્ગદર્શન મળવું જોઈએ/સત્યની સાથે ચાલનાર પંચો-સાહેદોની કદર થવી જોઈએ.

પોલીસ કઈ રીતે પંચો/સાહેદોની કદર કરી શકે ? વર્ષમાં બે વખત, 26 મી જાન્યુઆરી  પ્રજાસત્તાક દિન અને 15 મી ઓગષ્ટ આઝાદી દિનની ઉજવણી નિમિત્તે ‘સત્યમેવ જયતે’નું સૂત્ર સાર્થક કરી શકાય છે. આ ઊજવણીમાં એવા પંચો/સ્વતંત્ર સાહેદોનું જાહેરમાં સન્માન કરવું જોઈએ, જેઓ કોર્ટ સમક્ષ સત્યને વળગી રહ્યા હોય; જેના કારણે આરોપીને 5 વર્ષ કે તેથી વધુ સજા કોર્ટે કરી હોય ! પંચોની કદર થાય તો કન્વિક્શન રેટ પણ સુધરે; વિક્ટિમને ન્યાય મળે. લોકોને પોલીસ અને ન્યાયતંત્રમાં ભરોસો બેસે. મેં આ પ્રયોગ સાબરકાંઠા/જૂનાગઢ/અમદાવાદ સિટીમાં કર્યો હતો. ફેબ્રુઆરી 2013માં, અમદાવાદમાં જજીજ બંગલા પાસે વિસ્મય શાહ પોતાની BMW કારથી અકસ્માત કરી નાસી ગયો હતો. ગુજરાત જ નહીં, આખા દેશમાં આ ‘હિટ એન્ડ રન’ કેસે ચકચાર જગાવી હતી. તેમાં રાહુલ પટેલ અને શિવમ દવેનું મૃત્યુ થયું હતું. રાહુલ અને શિવમ સાથે બીજા બે મિત્રો હતા; તે બન્ને મિત્રો કોર્ટ સમક્ષ ફરી ગયા ! કેસ લૂલો થઈ ગયો હતો. આરોપી વિસ્મય શાહે આ અકસ્માત કર્યો તે પહેલા થોડે દૂર એક કારને ડાબી સાઈડથી ઓવરટેઇક કરી ઘોબો પાડી દીધો હતો; તે કાર મિતેશ શાહની હતી, તેની નઝર સામે જ વિસ્મયે રાહુલ/શિવમને હવામાં ઉલાળ્યા હતાં. આરોપીના વકીલે સાહેદ મિતેશ શાહની સતત 4 કલાક સુધી ઉલટતપાસ કરી હતી. આ સાહેદના કારણે જ જૂન 2015માં સેશન્સ કોર્ટે, વિસ્મય શાહને પાંચ વર્ષની જેલની સજા કરી.મિતેશ શાહને ફેરવવા માટે ખટપટ થયેલી પરંતુ તેઓ કોર્ટ સમક્ષ સત્યને વળગી રહ્યા. આ બાબત મને સ્પર્શી ગઈ. એ વખતે અમદાવાદ સિટીમાં IGP હેડક્વાર્ટરનો વધારાનો હવાલો મારી પાસે હતો. 26 જાન્યુઆરી 2017, પ્રજાસત્તાક દિનની ઉજવણી વેળાએ, શાહીબાગ પરેડ ગ્રાઉન્ડ ઉપર પોલીસ કમિશ્નર એ. કે. સિંધના હસ્તે મિતેશ શાહનું જાહેર સન્માન કર્યુ હતું. દરેક જિલ્લામાં/શહેરમાં રાષ્ટ્રિયપર્વની ઊજવણી વેળાએ દર વર્ષે પંચો/સ્વતંત્ર સાહેદોની કદર કરવામાં આવે તો લોકો પંચમાં રહેવા/સાહેદ તરીકે નાગરિકધર્મ બજાવવા ઉત્સાહ દાખવે જ. સુધારાની તાતી જરુરિયાત છે. પોલીસ નાગરિકોની કદર કરતા શીખશે? પોલીસ પોતાની ‘ફ્યુડલ વર્તણૂક’ છોડીને ‘ડેમોક્રેટિક વર્તણૂક’ અપનાવશે?