પ્રશાંત દયાળ (મેરાન્યૂઝ, અમદાવાદ): ગુજરાતમાં દારૂ અને જુગારની બદી વ્યાપક પ્રમાણમાં છે તેવું ગુજરાતના તમામ સિનિયર આઇપીએસ અધિકારીઓ માને છે.  ગુજરાતમાં જ્યાં પણ દારૂ જુગારના દરોડા પડે ત્યાં નાના પોલીસ અધિકારીઓ સામે શક્ય તપાસનો આદેશ અને તેમાં સજા પણ થાય છે. પરંતુ 2010માં તત્કાલીન ડીજીપી એસ ખંડવાવાલા એ કરેલા પરિપત્ર પ્રમાણે દારૂ જુગાર માટે સિનિયર પોલીસ અધિકારીઓ પણ એટલા જ જવાબદાર છે તેમની સામે પણ ખાતાકીય તપાસ કરવાનો આદેશ આપવો જોઈએ.

હાલના નિયમ પ્રમાણે સ્થાનિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારની કોઈ એજન્સી  10 હજાર કરતાં વધુ કિંમતનો દેશી દારૂ અને 25 હજાર કરતા વધુ કિંમતનો વિદેશી દારૂ પકડે, આ ઉપરાંત 15 હજાર કરતાં વધુ  જુગારના સ્થળે પકડાય તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા ઇન્સ્પેક્ટર સામે ખાતાકીય તપાસ અને સજા થાય છે. પરંતુ તેમની ઉપરના અધિકારીનો વાળ વાકો થતો નથી. વર્ષ 2010 ના તત્કાલીન ડીજીપી ખંડવાવાલાના પરિપત્ર પ્રમાણે આ પ્રકારના કિસ્સામાં નાયબ પોલીસ કમિશનરથી લઇ પોલીસ કમિશનર કક્ષાના અધિકારીને તેમની સેવા પોથીમાં આ ઘટનાની નોંધ કરવા જણાવ્યું હતું. આમ છતાં આટલા વર્ષો બાદ પણ એક પણ સિનિયર પોલીસ અધિકારી સામે કોઈ ખાતાકીય તપાસ થઈ નથી અને સજા પણ થઇ નથી. માત્ર પી.આઈ અને પી.એસ.આઇ ને સજા કરવામાં આવી છે

 

 2010 ના ખંડવાવાલાના આદેશ અનુસાર દરોડા દરમિયાન ૨૫,૦૦૦ કરતા વધુ કિંમતનો મુદ્દામાલ પકડાય તો પીઆઇ અને પીએસઆઇને જવાબદાર ઠેરવી તેમની સામે તપાસનો આદેશ આપવો,  50 હજાર કરતા વધુ કિંમતનો મુદ્દામાલ પકડાયા તો   આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અને એક લાખ કરતા વધુ કિંમતનો માલ પકડાયો તો નાયબ પોલીસ કમિશનરને જવાબદાર ગણી તેમની સામે તપાસનો આદેશ કરવો.  જો દોઢ લાખ કરતા કિંમતનો માલ પકડાયો તો પોલીસ કમિશનરને જવાબદાર ગણી લેવા. આમ આ પરિપત્ર પ્રમાણે દારૂ, જુગાર માટે પોલીસ કમિશનર સુધી જવાબદારી નક્કી કરવામાં આવી છે. આમ છતાં એકપણ અધિકારી સામે છેલ્લા દસ વર્ષમાં કાર્યવાહી થઈ નથી.

ગુજરાતમાં ચાલતા મોટાભાગના દારૂ-જુગારના અડ્ડાઓ તે વિસ્તારના આઇપીએસ અધિકારીઓની મંજુરીથી ચાલે છે. ગુજરાતના બહુ ઓછા આઇપીએસ અધિકારીઓ એવું માને છે કે તેઓ તેમના વિસ્તારમાં દારૂ, જુગાર ચાલવા દેશે નહીં. જે વિસ્તારમાં  દારૂ-જુગારના અડ્ડાઓ તેને સ્થાનિક પોલીસ ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબી દ્વારા ભલે મંજૂરી આપવામાં આવતી હોય પરંતુ તેમાથી ચોક્કસ હિસ્સો સિનિયર અધિકારીઓ સુધી પહોંચે છે. આમ આઇપીએસ અધિકારીઓ જાણે છે કે તેમના ક્યા વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે છે. પરંતુ પોતાનો હિસ્સો મળતો હોવાને કારણે તેઓ આંખ આડા કાન કરે છે પણ જ્યારે બહારની એજન્સી દ્વારા રેડ કરવામાં આવે ત્યારે આ ઘટના માટે પીઆઈ અને પીએસઆઈની જ જવાબદાર ગણી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.