મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગર: ગુજરાત રાજયના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર મતગણતરીમાં મોડું થઈ શકે છે અને ગુજરાતની લોકસભા બેઠકોનું પરિણામ ૩-૪ કલાક મોડુ જાહેર થાય તેવી શકયતા છે. મિસમેચમાં વીવીપીએટીના મત આખરી ગણવામાં આવશે. જેમાં 28 મતગણતરી હોલ અને સ્ટોરરૂમની બહાર સીસીટીવી લગાવવામાં આવ્યા હોવાથી મતગણતરીનું કોઈપણ જાતનું વેબકાંસ્ટીંગ નહીં થાય.

રાજ્યના મુખ્ય ચૂંટણી એસ. મુરલીક્રિષ્ણાએ જણાવ્યું છે કે, દરેક વિધાનસભાદીઠ પાંચ વીવીપેટીની ગણતરી કરવાની હોવાથી પરિણામ ત્રણથી ચાર કલાક મોડું જાહેર થશે. વીવીપેટ અને ઈવીએમના મતોમાં જો કોઈ તફાવત આવશે તો વીવીપેટના મતોને આખરી ગણવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, ઈવીએમ-વીવીપીએટીની ગણતરીને મેચ કરવાની હોવાથી આ પરિણામ ૨૩મીમે મોડી રાત્રે અથવા તો ૨૪મીએ સવારે જાહેર થઈ શકે છે.

ચૂંટણી પંચ દ્વારા મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. રાજ્યના ૨૮ કેન્દ્ર પર હાથ ધરાનાર મતગણતરીમાં ઈવીએમની સુરક્ષા સુનિશ્ચિત કર્યાનો ચૂંટણીપંચનો દાવો છે. તમામ મતગણતરી હોલ અને સ્ટ્રોન્ગ રૂમ સીસીટીવી કેમેરા હેઠળ રહેશે. મતગણતરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. ૩ ડીવાયએસપી, ૯ પીઆઈ, ૩૬ પીએસઆઈ, ૨૪૦ કોન્સ્ટેબલ, ૧૧૬ મહિલા પોલીસ, ૧૭ ટ્રાફિક પોલીસ, ૪ ઘોડેસવાર તૈનાત કર્યા છે. રાજ્યમાં ૧૩ સીએપીએફની કંપની બંદોબસ્ત કરશે.

આ સિવાય મતગણતરી માટે ૨૫૪૮ કૌન્ટિંગ આસિસ્ટન્ટ મતગણતરીમાં હશે. ૨૯૧૨ માઇક્રો ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ૨૬  આરઓ, ૧૮૨ એઆરઓ, ૧૦૩ મદદનીશ ચૂંટણી અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે. આ વખતે ૩થી ૪ કલાક પરિણામ મોડું આવવાની શકયતા છે. વિધાનસભા દીઠ પાંચ વીવીપીએટીની ગણતરી થશે. તફાવત આવે તો વીવીપીએટીના મતો આખરી ગણાશે.

રાજકોટના કણકોટ ખાતે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી હાથ ધરાશે. અહીં ૧૪ ટેબલ પર મતગણતરી કરાશે. જેમાં ૧ ટેબલ પર ૩ કર્મચારી ફરજ બજાવશે. પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરાશે. ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કુલ ૧૧,૮૯,૪૨૨ મતદારોએ મતદાન કર્યું છે. જ્યારે સુરતમાં મતગણતરીની તૈયારીઓ પૂર્ણ થઈ ત્યારે અને તંત્ર તૈયાર છે. સુરત બેઠકની મતગણતરી એસવીએનઆઈટીમાં સાત વિધાનસભા પ્રમાણે ગણતરી કરવામાં આવશે. ૧૦ લાખ ૬૬ હજાર ૩૬૨ મતની ગણતરી કરવામાં આવશે. વિધાનસભા મુજબ મતગણતરીને લઈ રાઉન્ડ નક્કી કરવામાં આવ્યા છે. ઓલપાડમાં ૩૧, કતારગામમાં ૨૧, સુરત પૂર્વમાં ૧૬, સુરત પશ્ચિમમાં ૧૬, વરાછામાં ૧૫, કરંજમાં ૧૩, સુરત ઉત્તરમાં ૧૨ રાઉન્ડ સુધી ગણતરી કરવામાં આવશે. પરંતુ તે પહેલા બેલેટ પેપર વોટની મતગણતરી કરવામાં આવશે.