તુષાર બસિયા (મેરાન્યૂઝ.અમદાવાદ) :  અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમાં આવતા પોલીસે કાર્યક્રમનો વિરોધ ના થાય માટે સાવચેતીનાં પગલા લીધા હતા. આ પગલામાં મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને રવીવારે રાત્રે અમદાવાદ પોલીસ ઉઠાવી ગયાની ઘટના સામે આવી છે. આટલી ગંભીર બાબત કેમ્પસમાં બનવા છતાં કુલનાયક અનામીક શાહ બીજા દિવસ સાંજ સુધી અજાણ હોવાનું કથન કરે છે.

સમગ્ર હકિકત એવી છે કે ગુજરાત વિદ્યાપીઠમાં પીએચડીનો અભ્યાસ કરતો અનીસ વિદ્યાપીઠની હોસ્ટેલમાં રાત્રે સુતો હતો. ત્યાં જ મોડી રાતે 3 વાગ્યા આસપાસ અમદાવાદ પોલીસ તેના રૂમ પર આવી અનીસને પકડી જાય છે. અનીસના કહેવા પ્રમાણે નંબર પ્લેટ વિનાની ગાડીમાં બેસાડી, સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસકર્મી તેને હવેલી પોલીસ સ્ટેશન ખાતે લઇ ગઇ હતી. જ્યાં તેની પુછપરછ કરવામાં આવી અને 14 કલાક સુધી અટકમાં રાખવામાં આવ્યો હતો. પોલીસે ટ્રમ્પનાં પ્રવાસનાં કારણે તેને અટકમાં લીધો હતો. તેમજ પોલીસે તેની પુછપરછ કરી હતી કે તે શું ટ્રમ્પના કાર્યક્રમનો વીરોધ કરવાનો છે, કોણ કોણ આ પ્રદર્શનમાં જોડાશે, તેમજ અનિસને પોતે કયા પુસ્તકો વાંચે છે જેવા પ્રશ્નો કર્યા હતાં. આટલી ગંભીર ધટના બાદ પણ વિદ્યાપીઠના તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા નથી.

આ બાબતે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક અનામીક શાહ સાથે વાત કરતા તેઓ ઘટનાનાં બીજા દિવસ સુધી અજાણ હોવાનું કથન કરતા જણાયા. કુલપતિના જણાવ્યાં અનુસાર ટ્રમ્પનાં આવવાનાં પગલે આગોતરા પગલાનાં ભાગ રૂપે 4 વિદ્યાર્થીઓની પોલીસે અટક કરી હતી. લાપરવાહ કુલનાયકએ વાત પણ જણાવતા ખચકાયા કે યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસ કુલનાયકની મંજુરી વીના પ્રવેશી હતી કે નહીં પણ એ વાત ચોક્કસ પણે જણાવે છે કે મંજૂરી વિના પોલીસ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રવેશ કરી શકે નહીં. તો હવે જ્યારે આ ગંભીર ઘટના ઘટી ચુકી છે તો જવાબદાર કોણ અને જવાબદારો સામે શું પગલા લેશો ? તેના જવાબમાં કુલપતિ જણાવે છે કે ઓફિસીયલ વધુ વિગતો ખ્યાલ નથી. કુલપતિના કહેવા મુજબ કેમ્પસમાં અવર જવર નોંધવા માટે રજીસ્ટર રાખવામાં આવ્યું છે જે ચકાસવામાં આવશે, હજૂ મારી પાસે કોઇ વિગત આવી નથી જેવા બહાના સાથે સ્વીકાર કરે છે કે પોલીસ કેમ્પસમાં આવતી હોય છે.

મહત્વની વાત એ છે કે હોસ્ટેલમાં સુતેલા વિદ્યાર્થીને પોલીસ આવીને લઇ જાય છે છતાં તંત્રને ખ્યાલ નથી ? જો કોઇ અસામાજીક તત્વ આવીને કોઇ વિદ્યાર્થીને ઉઠાવી લઇ જાય તો કોણ જવાબદાર ? સિક્યોરીટી, ગૃહપતિ, રજીસ્ટ્રાર અને કુલનાયક શોભાના ગાંઠીયા છે?

નોંધનીય છે કે ગુજરાતમાં નાગરીકતા કાયદાનાં વિરોધ પ્રદર્શનોમાં ગુજરાત વિદ્યાપીઠનાં વિદ્યાર્થીઓ સામેલ જોવા મળ્યા ત્યારથી જ પોલીસની નજર વિદ્યાર્થીઓ પર છે. પતંગ ચગાવવા વખતે તો પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે રીતસરની રકઝક થઇ ગઇ હતી. આ બાદ વિદ્યાર્થીઓ એ વિદ્યાપીઠના તંત્ર સામે ભારોભાર રોષ પણ ઠાલવ્યો હતો, પરંતુ આ ઘટના બાદ કુલનાયકની બચાવ મુદ્રા સ્પષ્ટ જણાવે છે કે ગાંધીની સંસ્થા હવે અન્યાય સામે ઝઝુમવાનું છોડી ચુકી છે.