મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરા: ગત મોડીરાત્રે શહેરનાં બાવામાનપુરામાં ત્રણ માળની એક ઈમારત ધરાશયી થતા 3 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ ઈમારત નિર્માણાધીન હોવાનું અને મૃતકોમાં એક મહિલા અને બે પુરુષ મજૂરો પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો દોડી ગયો છે. અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ અંગે જાણવા મળતી વિગત અનુસાર, શહેરનાં બાવામાનપુરા વિસ્તારમાં અચાનક એક નિર્માણાધીન ઈમારત ધસી પડી હતી. દુર્ઘટના ઘટી ત્યારે ઈમારતની છત પર 4 લોકો સૂતા હતા. જેમાં અત્યાર સુધીમાં એક મહિલા અને બે પુરુષો સહિત 3 લોકોના મૃત્યુ થયા છે. અને 18 વર્ષના એક યુવકને જીવતો બહાર કાઢવામાં આવ્યો છે. જો કે ફાયર બ્રિગેડ દ્વારા હજુ પણ રેસ્ક્યૂ કામગીરી ચાલુ છે. અને તમામ કાટમાળ હટાવીને કોઈ વ્યક્તિ દબાયેલો છે કે નહીં તે ખરાઈ કરવામાં આવી રહી છે.

સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ તંત્રની બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો છે. અને જણાવ્યું હતું કે, ઈમારત પહેલેથી જ એક બાજુ નમેલી હતી. તેમજ તેઓએ તેની ફરિયાદ પણ કરી હતી. પરંતુ તંત્ર દ્વારા સમયસર કોઈ કાર્યવાહી ન કરાતા ત્રણ મજૂરોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે.