મેરાન્યૂઝ નેટવર્ક, મોડાસા: અરવલ્લી જિલ્લાના મોડાસામાં છેલ્લા પાંચ દિવસથી વીજપુરવઠો વારંવાર ખોરવાઇ રહ્યો છે ત્યારે શહેરના માલપુર રોડ પર પ્રમુખધામ કોમ્પ્લેક્ષ નજીક ડીપીમાં શોર્ટ સર્કિટથી બે ગાયનાં મોત નિપજતા ગોપાલકો અને જીવદયા પ્રેમીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

મોડાસા શહેરમાં મંગળવારે દિવસભર અને રાત્રીના સુમારે કલાકોના કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો હતો. સોશ્યલ મીડિયામાં યુજીવીસીએલ કચેરીની ફીરકી લીધી હતી અને યુજીવીસીએલ સામે આક્રોશ ઠાલવતા મેસેજોની ભરમાર લાગી હતી. વીજળીનું બિલ ભરવામાં મોડું થાય તો તરત જ વીજ કનેક્શન કાપી નાખવામાં શૂરવીર તંત્ર વરસાદના ફોરાં પડતાની સાથે વીજળી ડૂલ થઇ જાય છે ત્યારે તંત્ર ક્યાં સુઈ જાય છે તથા સુરત જેવી ઘટના બને તો વીજતંત્રના ક્યા અધિકારીનો સંપર્ક કરવો સહીત મેસેજ થી લોકોએ રોષ ઠાલવ્યો હતો.

ત્યારે બીજી તરફ મોડાસાના માલપુર રોડ પર એક સોસાયટીના રસ્તા અને કોમ્પલેક્ષ પાસે આવેલ વીજ વિભાગની ડીપીમાં શોર્ટ સર્કિટ થતાં કરંટ ઉતર્યો હતો અને તેના કારણે ત્યા ફરી રહેલ બે ગાયના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. રહેણાક અને કોમર્શિયલ વિસ્તારની બાજુનામાં આ ઘટના બની હતી જે લોકો માટે પણ જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે હવે જોવું રહ્યું છે વીજતંત્ર આ અંગે શું પગલા ભરે છે.