મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: કેન્દ્ર અને ગુજરાત સરકાર દુનિયાની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીના ઉદ્ધાટનની તૈયારીઓ વચ્ચે ત્યાના આદિવાસી ગામોના હજારો ગામ લોકો આ પરિયોજનનો વિરોધ કરવાની તૈયારીમાં છે. લગભગ 2389 હજાર કરોડનાં ખર્ચે બનેલ 182 મીટર ઉંચી સરદાર પટેલની પ્રતિમાનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 31 ઓક્ટોબર 2018ના રોજ ઉદ્ધાટન કરવાના છે. નર્મદા જિલ્લાના કેવડિયામાં સ્થાનીક આદિવાસી સંગઠનોએ કહ્યું છે કે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટિ’ પરિયોજનાથી અસરગ્રસ્ત લગભગ 75 હજાર આદિવાસીઓ પ્રતિમા તથા વડાપ્રધાન મોદીનો વિરોધ કરશે. આદિવાસી નેતા ડૉ. પ્રફુલ વસાવાએ જણાવ્યુ છે કે 31 ઓક્ટોબરના દિવસે અમે શોક મનાવીશું અને 72 ગામમાં કોઈપણ ઘરમાં ચુલો સળગાવી ભોજન નહીં બનાવીએ. આ પરિયોજના અમારા માટે વિનાશ છે.

આદિવાસી રિવાજ અનુસાર ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો શોક રૂપે ઘરમાં જમવાનું બનાવાતુ નથી. આદિવાસીઓના અધિકારોનું હનન થઇ રહ્યું છે. ગુજરાતના મહાન સપૂત સરદાર પટેલ સામે અમારે કોઈ વિરોધ નથી , અમે તો તેમનું સન્માન કરીએ છીએ. અમારો વિરોધ એ છે કે સરકારનો વિકાસનો વિચાર એક તરફી અને આદિવાસીઓની વિરૂદ્ધ છે. આદિવાસીઓની ફરિયાદ છે કે તેમની જમીનો સરદાર સરોવર નર્મદા યોજના કે જેની નજીક સ્ટેચ્યુ ઑફ યુનિટી બન્યું છે તથા આ સાથે સાથે આ વિસ્તારમાં પ્રસ્તાવિત અન્ય પ્રવાસી ગતિવિધિઓ માટે જમીનો લેવામાં આવી રહી છે.

વસાવાના જણાવ્યા અનુસાર અસહયોગ આંદોલનને પ્રદેશના લગભગ 100 નાના-મોટા આદિવાસી સંગઠન સમર્થન આપી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠાથી દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના લગભગ 9 આદિવાસી જીલ્લા આંદોલનમાં સામેલ થશે.