મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ સમગ્ર રાજ્ય અને દેશમાં લોકડાઉન છે ત્યારે લોકો ઘરમાં બેસીને કોરોના વાયરસ સામે લડી રહ્યા છે. કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં બાંધકામ ઉદ્યોગ, નાના-મોટા કારખાના અને ફેક્ટરીઓમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોનો મોટો સમૂહ ગુજરાત છોડી રહ્યો છે. બિલ્ડરોએ બાંધકામના શ્રમિકો માટે કોઈ વ્યવસ્થા કરી નહીં અને સરકારે પણ હાથ ઉંચા કરી દેતા, ઉપર આભ અને નીચે ધરતીની સ્થિતિમાં મુકાઈ ગયેલા શ્રમિકોએ બસ કે ટ્રેન નહીં મળવાના કારણે પગપાળા ગુજરાત છોડવાનું શરૂ કર્યું છે. મોડે મોડે મુખ્યમંત્રીએ લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની તંત્રને સૂચના આપી છે. ત્યારે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્ર અને એસટી વિભાગ દ્વારા પગપાળા જતા લોકોને તમામ સુવિધા ઉપલબદ્ધ કરાવી એસટી મારફતે ૭૦૦ થી વધુ શ્રમિકોને વતન મોકલી આપવામાં આવ્યા છે.

અરવલ્લી જીલ્લા માંથી રાજસ્થાન તરફ પગપાળા જતા લોકોથી રોડ પર વણથંભી યાત્રા જોવા મળતા છેલ્લા ત્રણ દિવસથી લોકડાઉનની સ્થિતિમાં પોલીસતંત્ર અને સેવાભાવી સંસ્થાઓ પાણી,ચા-નાસ્તા અને ફૂડ પેકેટની હૂંફ આપી રહ્યા છે. કેટલાક ખાનગી વાહનો ધરાવતા લોકો શ્રમિકોને વ્હારે આવી પોલીસતંત્રના સંકલનમાં શ્રમિકોને રાજસ્થાન પહોંચાડવા મદદરૂપ બન્યા છે. ત્યારે અરવલ્લી જીલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ  પગપાળા જતા શ્રમિકોની તમામ પ્રકારની મદદ કરી ગત રાત્રીએ ૫ થી વધુ એસટી બસ મારફતે રાજસ્થાન મોકલી આપવામાં આવતા પદયાત્રા કરીને થાકેલા શ્રમિકોએ હાશકારો અનુભવ્યો હતો.

પરપ્રાંતીયો વાહનવ્યવહાર થંભી જતા પગપાળા જ પોતાના વતન તરફ પ્રયાણ કર્યું હતું આ લોકો સાથે તેમનો પરિવાર અને બાળકો સાથે ભૂખ્યા-તરસ્યા પગપાળા વતન તરફ જઇ રહ્યા છે. આ લોકોની દયનિય સ્થિતિને જોઇ ગુજરાતના મુખ્યમંત્રીએ તેમના માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવાની ગોઠવણ કરવામાં આવતા મુખ્યમંત્રીની સૂચનાના આધારે વહીવટી તંત્ર હરકતમાં આવી એસટી તંત્રની મદદથી એસટી બસમાં પરપ્રાંતીયોને વતન પહોંચાડવા દોડધામ કરી રહ્યું છે મોડે મોડે જાગેલ રાજ્ય સરકાર સામે પરપ્રાંતીયોએ “દેર આયે દુરસ્ત આયે” કહેવતની જેમ સરાહના કરી હતી.