મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ગુજરાતમાં અગાઉ પણ ઘણીવાર વાઘ દેખાયાની ચર્ચાઓ ઉઠી છે એક વખત તો ખરેખરમાં વાઘ હોવાનું સત્ય પણ સાબિત થયું પણ તે વાઘ ગુજરાતમાં વધુ લાંબો સમય જીવી શક્યો નહીં અને તેના મોતની ખબર પડી હતી. તે વખતે પણ પહેલા આવો વીડિયો વાયરલ થયો હતો જેના પછી વન વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી અને વાઘ ખરેખરમાં હોવાની જાણકારી મળી હતી. આવી જ રીતે હવે ફરી વીડિયો વાયરલ થયો છે જેમાં વાઘ હોવાનું તો જાણી શકાય છે પરંતુ આ વીડિયો ખરેખર ગુજરાતનો જ છે કે કેમ તે સહિત આ વીડિયો જે વિસ્તારનો હોવાનું કહેવાય છે તે તમામ સ્થાનો પર વિવિધ રીતે તપાસ કરવામાં આવી રહી છે.

વાઘણ અને તેનું બચ્ચું હોવાનો દાવો

સ્વાભાવીક છે કે આ વીડિયો જો સત્ય હોય અને ખરેખર ગુજરાતમાં વાઘ રહી શકે તો ગુજરાત માટે ગર્વની વાત છે કારણ કે વાઘ, દિપડો અને સિંહ જેવા પ્રાણી હોય તેવું ભારતનું ગુજરાત એક માત્ર રાજ્ય બની જાય તેમ છે.  હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તે અહીં અહેવાલના અંતમાં દર્શાવાયો છે. જેમાં તે વીડિયો સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગર વિસ્તારનો હોવાનું કહેવાય છે. આ વીડિયોમાં હુંજ પંથકમાં વાઘ દેખાયો હોવાની વાત કરવામાં આવી છે. વીડિયો સાથે મેસેજ ફરી રહ્યો છે જેમાં માત્ર એક વાઘણ નહીં પણ તેની સાથે તેનું બચ્ચું પણ જોવા મળ્યું હોવાનો દાવો કરાયો છે. ઈડરના જીવદયા પ્રેમીઓએ તો વાઘ હોવાની પૃષ્ટી કરી છે પણ સત્ય હજુ વન વિભાગ શોધી રહ્યું છે. માદા વાઘણ સાથે તેનું બચ્ચું હોય તો તેની સારસંભાળ અને શિકાર ન થાય સહિતનું ધ્યાન તંત્રએ રાખવું પડશે. પંચમહાલમાં જે વાઘ દેખાયો હતો તેમાંથી માદા છૂટી પડીને અહીં આ વિસ્તારમાં આવી હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. જોકે જો આ વીડિયો સત્ય છે તો કાળજી ઘણી માગશે અને જો નહીં તો... ફરી વાઘ.. આવ્યો.... રે વાઘ....

વનવિભાગની તપાસ

સાબરકાંઠા એસીએફ યોગેશ દેસાઈને હિંમતનગર તાલુકાના રાયગઠ નજીક આવેલા હુંજ ગામના નામ સાથે વાઘ જોવા મળ્યો અંગેનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ અંગે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, વીડિયોની સતત્યતા અને વીડિયો વાયરલ કરનાર સુધી પહોંચવાની તજવીજ હાથધરી છે અને જે વિસ્તારમાં વાઘ દેખાયો હોવાની ચર્ચા ચાલે છે તે વિસ્તારમાં વનવિભાગની ટીમો દ્વારા તપાસ હાથધરવામાં આવી છે.