મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતના ગવર્નર દ્વારા આજે 70મા ટીબી સીલ સેલનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. ટીબી એસોશિએશન ગુજરાત દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટીબીના રોગ સામે સામાન્ય લોકોમાં જાગૃત્તિ વધારવાના એસોશિએશનના પ્રયાસને બિરદાવ્યો હતો અને કહ્યું હતું કે, એસોશિએશન સમાજ શ્રેયનું બહુ મોટું કાર્ય કરી રહ્યું છે. જે અન્ય સેવાભાવી સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયક છે.

તેમણે એવું પણ જણાવ્યું કે, ટીબી રોગના નિદાન અને સારવારની સુવિધા અને તેના નિયંત્રણ માટેના સરકારના જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, તેની જાણ અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચાડવામાં સંસ્થાએ વધુ પ્રયાસો કરવા જોઈએ. આ અભિયાનમાં જોડાયેલા તમામ ચિકિત્સકો, સ્વયં સેવકો, સેવાભાવી સંસ્થાઓને રાજ્યપાલે અભિનંદન પણ આપ્યા હતા. આ શુભારંભ સમયે એસોશિએશનના પ્રમુખ ડો. બી.એમ. સોની, મંત્રી ડો. પી. એમ. પરમાર, ડો. તુષાર પટેલ સહિત અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.