મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં લોકો કોરોનાને કારણે અને અન્ય કારણોસર મૃત્યુ પામી રહ્યા છે. લોકોના મૃત્યુનો આંકડો ધડાધડ વધી રહ્યો છે. સ્થિતિ એવી છે કે સ્મશાનમાં અંતિમવિધિ માટે પણ કલાકોના વેઈટિંગ ચાલે છે. રીતસર ટોકન વહેંચાય છે. આવા સમયે અધેર નગરીમાં સબ સલામત, હમ તૈયાર હે (અમે સજ્જ છીએ) વગેરે જેવા દાવાઓ વચ્ચે એક અત્યંત ચકચારી નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો જેમાં શિક્ષકોને સ્મશાનમાં ડ્યૂટી આપવામાં આવી હતી. નિર્ણય પ્રમાણે શિક્ષકોને સ્મશાનમાં અંતિમવિધિ માટે આવતા મૃતદેહોની નોંધણી કરવાની જવાબદારી સોંપાઈ હતી. જોકે આ નિર્ણયને લઈને ભારે ઉહાપોહ થઈ ગયો અને ઉચ્ચ પદ પર બેસેલાઓની અક્કલ જાહેરમાં મપાઈ ગઈ હતી. આખરે સુરત કોર્પોરેશન દ્વારા આ નિર્ણયમાં ગણતરીના કલાકોમાં ફેરબદલ કરી દેવાયો અને હવે ક્લાર્ક જ આ ડ્યૂટી પુરી કરશે.

સુરત કોર્પોરેશનના કર્મચારીઓ સાથે મળીને 8 કલાકની ત્રણ શિફ્ટ એમ 24 કલાક મૃતદેહોની નોંધણી કરવાની જવાબદારી શિક્ષકોને સોંપાઈ હતી. ઉલ્લેખનીય છે કે, શિક્ષકોને અગાઉ પણ જ્યારે ગુજરાતમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં તીડનો ત્રાસ વધ્યો હતો ત્યારે તીડ ઉડાડવાની જવાબદારી પણ તંત્રએ સોંપી હતી. આવા તો કાંઈક કામો શિક્ષકોને સોંપાયા છે જેને કારણે શિક્ષણ આલમમાં નારાજગી ફેલાઈ હતી. બીજી બાજુ સોશિયલ મીડિયા પર આ નિર્ણયની ઠેકડી ઉડાવવામાં આવી રહી છે. ઘણાએ તો એવો પણ સવાલ કર્યો કે પેલા નવરા પડેલા પેજ પ્રમુખોનું શું કરવાનું છે, લગાવી દો એમને કામે.


 

 

 

 

 

કોરોનાની સ્થિતિ વચ્ચે કોર્પોરેશનના કર્ચારીઓ સહિતનાઓને અલગ અલગ કામગીરીઓ સોંપવામાં આવી છે. જેમાં શિક્ષકો કોરોના દર્દીઓના ઘરની બહાર રાખવામાં આવતા હતા, ઓનલાઈન શિક્ષણ, ધનવંતરી રથની સાથે રહેવાનું, સર્વેની કામગીરી, અનાજ વિતરણનૂ દેખરેખ. શિક્ષકોએ પણ તંત્રએ કરેલા આદેશોનું પાલન પણ કર્યું. આ બાબતને લઈને શિક્ષક સંઘમાં રજૂઆત કરવામાં આવી હતી. આખરે આ નિર્ણયને પડતો મુકવામાં આવ્યો છે અને શિક્ષકોને બદલે હવે કલાર્કને ડ્યૂટી સોંપાઈ છે. સુરત મહાનગરપાલિકામાં આવતા સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ માટે આવતા મૃતદેહોની કામગીરી 24 કલાક કરવા માટે નાયબ આરોગ્ય અધિકારીએ સૂચના આપી છે. જેમાં સવારે 6થી બપોરના 2, બપોરે 2થી રાત્રીના 10 અને રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધીની ડ્યૂટી ફીક્સ કરાઈ છે જ્યારે એક ક્લાર્કને રીલીવર તરીકેની કામગીરી સોંપવામાં આવી છે.