મેરાન્યૂઝ નેટવર્ક.સુરતઃ સુરતમાં આજે આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત સહીત ગુજરાતની જનતાએ તેમને આપેલા સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં 14 ટકા વોટોનો આભાર માનવા પ્રવાસ ખેડ્યો હતો. તેમણે અહીં એક કલાકનો રોડ શો કર્યો હતો અને સુરતમાં તક્ષશિલા કોમ્પલેક્ષ ખાતે એક સભાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે ગુજરાતના યુવાનોને નોકરીઓ માટે ભણવા માટે મારવા પડતાં વલખાઓ અંગે કહીને એવું કહ્યું કે તમે અમને 5 વર્ષ સત્તામાં આપો, તમે આમના (ભાજપના) 25 વર્ષ (શાસનના) ભૂલી જશો.

તેમણે કહ્યું કે હું તમારો ખુબ આભારી છું કે હાલની ચૂંટણીમાં તમે અમને જે પ્રેમ આપ્યો તેના માટે હું ખુબ આભારી છું. હવે ગામડાના લોકોને કહેવા માગું છું કે હવે શહેરોના લોકોએ જે રીતે અમને વોટ આપ્યો તે રીતે હવેની ચૂટણીમાં ઝાડુના બટન દબાવા જોઈએ. આ આવનારા ગુજરાતની યુવા આશાઓ છે. બહુ થઈ ગયું આમની સાથે નોકરી માગવાની, હવે નોકરી માગવાનું બંધ કરો, યુવાનો હવે વિધાનસભામાં બેસીસું અને નોકરીઓ આપીશું, ભીખ નહીં માગીએ.


 

 

 

 

 

આજે મેં જેવી જનમેદની અહીં જોઈ છે મારું મન કહે છે કે આવનારા સમયમાં કાંઈક અદભૂત થવાનું છે ગુજરાતમાં. કોંગ્રેસ પાર્ટી તો ખતમ થઈ ગઈ છે. કોંગ્રેસમાં કેટલાક સારા નેતાઓ પણ છે તેમને હું કહેવા માગું છું કે તમે પાર્ટી છોડી દો અને આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. ભાજપમાં જે નેતા દેશભક્ત છે, જે ગુજરાતનું ભલું ઈચ્છે છે તેઓ પણ પાર્ટી છોડી દો અને આમ આદમી પાર્ટીમાં આવી જાઓ. આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ગુજરાતને નવું ભવિષ્ય આપશે. મફત વીજળી હશે, સારા સરકારી હોસ્પિટલ્સ હશે. તેમણે એવું પણ કહ્યું કે, 5 વર્ષમાં અમે જે કર્યું તે ભાજપે કેમ 25 વર્ષથી નથી કર્યું. અમને ગુજરાતમાં 5 વર્ષ આપી દો તમે આમના 25 વર્ષ ભૂલી જશો, તેમણે શિક્ષણ, વીજળી જેવી જરૂરી બાબતોમાં કામો કર્યા નથી તેવા કામો આમ આદમી પાર્ટીએ 5 વર્ષમાં કર્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું. અમારા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાને અભિનંદન આપવા માગું છું કે જેમણે આમ આદમી પાર્ટીને ગામડે ગામડે જઈ યુવાનોને જોડ્યા છે. તેમને હું અભિનંદન આપું છું, મતદારોનો પણ આભાર માનું છું તેમનો પ્રેમ આપવા બદલ.