જય અમીન (મેરાન્યૂઝ.અરવલ્લી): ધોરણ-૧૦ની પ્રથમ સત્રની પરીક્ષા ચાલી રહી છે અને તેના ગુણ મેઇન પરીક્ષામાં ગણાવાના છે. અત્યાર સુધી ઓનલાઈન અને ઓફલાઈન ભણેલા બાળકો શાળા પર જઇને સત્ર પરીક્ષા આપવામાં જોઇએ તેવું હિર ઝળકાવી રહ્યાં નથી. ત્યારે અરવલ્લી જીલ્લામાં કેટલાક વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા શરુ થવાની ગણતરીના કલાકો પહેલા ગણિતના પેપર પછી વિજ્ઞાનનું પેપર વોટ્સએપ પર આવી ગયું હોવાની વ્યાપક ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાક વિદ્યાર્થીઓ પાસે બંને વિષયના પેપર આવી જતા અન્ય વિદ્યાર્થીઓ સાથે ગુપચુપ કરતા નજરે પડ્યા હતા. તેમજ પરીક્ષા પૂર્ણ થયા પછી વોટ્સઅપ પર ફુટેલુ બેઠે બેઠું પેપર પરીક્ષામાં પુછાતા ગેલમાં આવી ગયા હતા.
ધો.૧૦ ના બોર્ડના મુખ્ય વિષય એવા ગણિત અને વિજ્ઞાનના પેપર સોશ્યલ મીડિયા મારફતે વિદ્યાર્થીઓ પાસે પહોંચી ગયાની ચર્ચાએ સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. શિક્ષણ વિભાગની લાપરવાહી સામે પણ હોશિયાર વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉગ્ર રોષ ફેલાયો છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી ધો.૧૦ ના બંને સોશ્યલ મીડિયામાં પેપર ફોડનાર સામે તટસ્થ તપાસ કરાવે તે ખુબ જ જરૂરી છે.
Advertisement
 
 
 
 
 
શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના +વિદ્યાર્થીઓની પ્રથમ અને બીજી પરીક્ષા માટે વિશેષ આયોજન કરાયું છે તેના પ્રમાણે શાળા પોતે જ પેપર તૈયાર કરીને પરીક્ષા લઇ શકે છે અથવા બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા પેપર જિલ્લા શિક્ષણાધિકારી મારફત શાળાને પહોંચતા કરવામાં આવે અને તે પેપર પ્રમાણે પરીક્ષા લઇ શકાય છે. આવું બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલુ ધોરણ-૧૦નું પેપર ગાંધીનગરના જાણીતા ટયુશન ક્લાસ દ્વારા સોશિયલ મિડીયામાં વાયરલ કરવાની સાથે તેમના વિદ્યાર્થીઓને મોકલી દેવામાં આવ્યાનીક ચર્ચાની વચ્ચે ગાંધીનગરથી પેપર લીક થતાની સાથે મોડાસા શહેર સહીત અરવલ્લી જીલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ પાસે પણ લીક થયેલ પેપર પહોંચી જતા ભારે ચકચાર મચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પેપર સોફ્ટ કોપીમાં જિલ્લા શિક્ષણાધિકારીને મળે છે અને શાળા તેના પર પરીક્ષા લેવા ઇચ્છતી હોય તો તેણે જિલ્લા શિક્ષણાધિકારીનો સંપર્ક કરીને તેની પાસેથી પેપર મેળવી લેવાનું રહે છે. આ સંજોગોમાં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલુ વિજ્ઞાાન વિષયનું પેપર ટયુશન ક્લાસના સંચાલક સુધી કેવી રીતે પહોંચ્યુ તે ચર્ચાનો વિષય બન્યો છે.