મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠાઃ ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીઓ આજે રાત્રીથી હડતાળ મુદ્દે અડગ રહ્યા છે તેમજ વિવિધ ૨૦ જેટલી માંગ રાજ્ય સરકાર દ્વારા ન સ્વીકારાય તો રાત્રે ૧૨ વાગ્યાથી ગુજરાતમાં સ્વયંભૂ હડતાળ યોજાશે જેમાં ગુજરાતના 40,000થી વધારે કર્મચારીઓ જોડાશે.

એસ ટી બસ કર્મચારીઓની 20 થી વધુ પડતર માંગણીઓને લઇને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે.
એસ.ટી.કર્મચારીઓ હડતાળના નિર્ણય પર અડગ છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી સાથેની મિટિંગમાં તેમની પડતર માંગણીઓનો કોઈ સંતોષકારક નિર્ણય નહીં આવતા રાજ્ય વ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. સરકાર પાસે 20 જેટલી માંગણીઓ મૂકી છે. જેમાં મુખ્યત્વે 28 ટકા મોઘવારી ભથ્થું, પે ગ્રેડ, ફિક્સ વેતન ધરા જેવા મુદ્દા છે. અત્રે એ જણાવવું રહ્યું એસ. ટી કર્મચારીઓને હાલ 12 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે, અન્ય સરકારી સંસ્થાઓમાં 28 ટકા છે. એસ. ટી. કર્મચારીઓને પણ 28 ટકા ભથ્થા માટે માંગ ઉઠી છે.

Advertisement


 

 

 

 

 

મંગળવારની બેઠકમાં સકરાત્મક નિર્ણય ન આવતા સરકારને 72 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. જે આજે મધરાતે પૂરો થાય છે. માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ અને ઉગ્ર પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે. એસ. ટી. એસોસિયેનના પ્રમુખ ધિરેનશિહ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે આજે મધરાતથી દરેક કર્મચારીઓને માસ સી. એલ. પર ઉતરી જશે. આજે આખરી બેઠક યોજાશે તેમાં સરકાર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું, ગીતા મંદિર એસ. ટી.બસ મથક પર કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કર્યા હતા. આ હડતાળ મામલે હાલ સરકાર સાથે ચર્ચાનો રસ્તો પણ અપનાવાયો છે જે મુજબ જો આજ સાંજ સુધીમાં સરકાર સાથેની ચર્ચા બાદ કોઈ નીવેડો આવી જાય છે તો હડતાળ પર ટપકું મુકાઈ જશે, પરંતુ જો આ ચર્ચા સફળ ન રહી તો સરકાર અને કર્મચારીઓ વચ્ચેના ઘર્ષણમાં સામાન્ય માણસને સહન કરવાનું થશે તે નક્કી છે. કારણ કે રોજ રસ્તાઓ પર દોડતી 8500 બસના પૈડા થંભી જશે.

આ હડતાળથી સૌથી વધુ હાલાકી રાજ્યના નાગરિકોને વેઠવી પડશે, દિવાળીના તહેવારો ટાંણે જો આ હડતાળ પડશે તો શહેરથી ગામડે જતા નાગરિકોને મુશ્કેલી પડશે અને ખાનગી બસ ઓપરેટરની મણમની ચાલુ થઈ જશે, આમ પણ હડતાળ કે તહેવારોમાં ખાનગી બસ ઓપરેટર્સ ઉઘાડી લૂંટ ચલાવશે અને તેમને ઘી - કેળા થઈ જશે, આ કારમી મોંઘવારીમાં ફરી એકવાર આમ આદમીની પરેશાનીમાં વધારો થશે.

Advertisement


 

 

 

 

 

છેલ્લા કેટલાય વર્ષોથી ગુજરાત રાજ્ય એસટી નિગમના કર્મચારીઓ તેમજ સરકાર વચ્ચે વિવિધ માંગણીઓના પગલે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જો કે 15 દિવસ અગાઉ એસટી કર્મચારી સંઘ દ્વારા ૨૦ જેટલી માગણીઓ રાજ્ય સરકાર સમક્ષ મૂકવામાં આવી હતી ત્યારે 15 દિવસ નો સમયગાળો પૂર્ણ થવા છતા રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિવેડો ન આવતાં આજે રાત્રીના ૧૨ વાગ્યાથી ગુજરાતના ૪૦ હજારથી વધારે કર્મચારીઓ એસ. ટી.ડેપો થી અળગા રહેશે. જેના પગલે ગુજરાતની તમામ એસટી બસો બંધ થઈ શકે તેવી સંભાવના છે જોકે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના આઠ ડેપો સહિત અરવલ્લી જીલ્લામાં પણ એસટી હડતાળની વ્યાપક અસર થઇ શકે છે.

સાબરકાંઠા જિલ્લામાં પ્રતિદિન ૩૫થી ૪૦ લાખની આવક સાથે એક લાખ ૨૫ હજારથી વધારે મુસાફરો માટે એસટી બસની હડતાળ મુશ્કેલી સર્જાઇ શકે છે. સાથોસાથ સાબરકાંઠા જિલ્લો મહારાષ્ટ્ર અને રાજસ્થાન માટે સેતુરૂપ હોવાના પગલે અન્ય રાજ્યોના પ્રવાસીઓને પણ મુશ્કેલી નો સામનો કરવો પડે તેમ છે. જેમાં સાબરકાંઠાના 8 ડેપો સહિત 560 જેટલા રૂટ ઉપર દોડતી રહેલી એસટી બસ બંધ થવાથી વિદ્યાર્થીવર્ગ સહિત કાયમી અપડાઉન કરનારા લોકો માટે પણ ભારે પરેશાની સર્જાઇ શકે છે.

Advertisement


 

 

 

 

 

જોકે દિન-પ્રતિદિન વધતી રહેલી મોંઘવારી મામલે આ વખતે કર્મચારીઓ માટે ૨૦ જેટલી પડતર માંગણીઓમાં સૌથી મોટો મુદ્દો મોંઘવારી ભથ્થાનો રહેલો છે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 28 ટકા જેટલો મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જ્યારે એસટી કર્મચારીઓને માત્ર 12 ટકા જેટલું મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. જેના પગલે ભારે વિરોધાભાસ સર્જાયો છે. સાથોસાથ પગાર ધોરણમાં પણ વિસંગતતા હોવાથી એસટી કર્મચારીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. આ મામલે અગાઉના સમયમાં વિવિધ બેઠકો કરી હડતાળ પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા કેટલીક માંગો સ્વીકારી કર્મચારી સંઘ હડતાળ સુધી જઈ શક્યો ન હતો. જોકે મૂળભૂત માંગો પર કોઈ નિર્ણય ન લેવાતા આ વખતે એસટી નિગમના વિવિધ ત્રણ જેટલા સંગઠનો એકરૂપ બની રાજ્ય સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. જોકે ગુજરાતમાં એસટી ની હડતાળ પર જાય તો સામાન્ય માનવીને સૌથી વધુ ભોગવવાનું આવશે તે નક્કી છે.

જોકે રાજ્ય સરકાર તેમજ કર્મચારી મંડળ વચ્ચે સર્જાયેલી આ મડાગાંઠના પગલે હડતાળ થાય તો રોજિંદા અપડાઉન કરનારા મુસાફરો સહિત સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને પણ ભોગવવાનું આવશે તે નક્કી બાબત છે ત્યારે આ મામલે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ નિર્ણય લેવાય તે સમયની માંગ છે.

(અહેવાલ સહાભાર: મહેશ ઠાકર, અમદાવાદ અને દિપકસિંહ રાઠોડ, સાબરકાંઠા)