મેરાન્યૂઝ નેટવર્ક.ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓ સપ્ટેમ્બરમાં ખુલશે તેવી આશાઓ ઘણાને હતી જોકે કોરોના કાળમાં હાલ સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે શાળાઓ ખોલવાનો નિર્ણય વધુ જોખમી બની શકે તેમ હોવાનું ગણી સરકારે હાલ શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના નિવેદનમાં જાણવા મળ્યું છે કે શિક્ષણ વિભાગે એક જરૂરી નિર્ણય કર્યો છે. ગુજરાતમાં દિવાળી પછી જ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ શરૂ થાય તેવી વિચારણાઓ ચાલી રહી છે.

હાલ ધોરણ 9થી 12ના વિદ્યાર્થી શાળાએ જઈ શક્શે નહીં. કેન્દ્રની ગાઈડલાઈન પણ મરજિયાત છે. કેન્દ્ર દ્વારા કોરોના ગાઈડલાઈન્સ અંતર્ગત અનલોકની નવી જાહેરાત વખતે 21 સપ્ટેમ્બરથી શાળાઓ ખોલવાની કેટલીક શરતો અંતર્ગત મંજુરી આપવામાં આવી હતી જેમાં 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકવા સુધીની વાત હતી. જોકે તે સિવાયનાને તો પહેલાથી જ મનાઈ હતી. સ્ટાફ પણ 50 ટકા રાખીને શાળામાં બોલાવી શકાશે તેવું પણ કહેવાયું હતું. જોકે આજે ગુજરાત સરકાર દ્વારા કેબિનેટ મીટિંગ દરમિયાન શાળાઓ ન ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે 15 માર્ચથી શૈક્ષણિક સંસ્થાઓ બંધ છે. જેને પગલે હવે સિલેબસમાં પણ ઘટાડો થાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.